Trending News
સ્થાનિક સમાચાર

આણંદમાં પુલ તૂટ્યા બાદ કચ્છ સહિતના  કલેક્ટરો હરકતમાં : જોખમી પુલોનો સર્વે આદર્યો

10 July





ગુજરાતમાં હવે ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ : સરકાર માત્ર એક જ નિવેદનમાં વ્યસ્ત ‘ચમરબંધીને છોડવામાં નહીં આવે’ : ભુજમાં કૃષ્ણાજી પુલ, ભુજોડી, માધાપર, વેકરિયા, કોઠારા, મથલ, મોથાળા સહિતના વિસ્તારોમાં વર્ષોથી પ્રશ્ન હોવા છતાં ઉપરી સૂચના ન આવે ત્યાં સુધી એસી ચેમ્બરમાં બેસતા ચૂંટાયેલા સદ્દસ્યના પેટનું પાણી હાલતું નથી

ભુજ : ગુજરાતમાં હવે ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે. કારણ કે રવિવારના દિવસે મોરબીમાં લોકો ફરવા ગયા ત્યારે ઝુલતો પુલ તૂટ્યો, બાળકો વેકેશનમાં ગયા ત્યારે વડોદરામાં બોટ ડૂબી, રાજકોટમાં વેકેશન દરમ્યાન લોકો ગેમ ઝોનમાં ગયા ત્યારે આગ લાગી, અમદાવાદથી પ્રવાસીઓ લંડન જતા હતા ત્યારે વિમાન ક્રેસ થયું, સ્કૂલોમાં પોપડા પડે, હોસ્પિટલમાં આગ લાગે, રોડ પર એક્સિડન્ટ થાય, વરસાદી મોસમમાં ખાડા તેમાં ટાપસી પૂરાવે. આજે ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે છતાં ભાજપ સરકાર વિકાસની વાતો કરે છે. 
કચ્છની વાત કરીએ તો મોરબીમાં પુલ તૂટ્યા પછી કૃષ્ણાજી પુલ બંધ રાખવામાં આવ્યો. આજે ચાર વર્ષ વિતવા છતાં નાનો એવો પુલ બનાવવાની કામગીરી થઈ નથી અને મહાનગરપાલિકાના અભરખા બતાવવામાં આવે છે. ગુજરાતમાં પ્રથમ ગેબીઅન વોલથી ઐતિહાસિક કહી શકાય તેવો ભુજોડીનો ઓવરબ્રિજ બન્યો અને તેમાં હવે પથ્થરો ખરે છે અને બ્રિજ પર ખાડા પડી ગયા છે. ભુજને અંજારથી જોડતા માર્ગ પર પોલીસ સ્ટેશનની સામે નાનો ખાડો પડ્યો તેનો વીડિયો વાયરલ થયો છતાં ભુજમાં બેસતા માર્ગ અને મકાન વિભાગના ઈજનેર સ્થળ પર ગયા નહીં અને જ્યારે વરસાદમાં એક બાજુનો રોડ સાવ બેસી ગયો તે બાદ જેસીબી લઈને ફોટા પડાવી વાહવાહી લૂંટી લીધી. ખાવડામાં સોલાર પાર્ક બન્યો તેનો જશ ખટવામાં આવે છે. સરહદે જવા માટે એક માત્ર માર્ગ છે છતાં વેકરિયાના પુલ પર ભ્રષ્ટાચારના ખાડા હજુ પુરાયા નથી. રૂદ્રમાતાનો બ્રિજ માંડ-માંડ નવો બનાવ્યો અને હાલે તેમાં માટીનું પુરાણ કર્યું હોવાથી વરસાદમાં ધોવાઈ જવાની બીકે કોન્ટ્રાક્ટર દરરોજ મેટલ પાથરે છે. રાજાશાહી સમયનો બ્રિજ જોખમી હોવા છતાં અડીખમ છે અને વિકાસશીલ સરકારે બનાવેલા બ્રિજના મોનિટરીંગ માટે માણસો રાખવા પડે તેવી સ્થિતિ છે. હાલના તબક્કે બ્રિજનો એક છેડે સપાટી ઉપર આવી જતા બ્રિજ બેસવાની ભીતિ છે. માતાનામઢ જતા માર્ગે મથલ પાસે વર્ષોથી ડાયવર્ઝન અપાયું છે, પણ આ પુલ બનતો નથી. પદયાત્રીઓ મથલના ડેમમાં ન્હાવા પડે અને મોતને ભેટે છે. તંત્ર માત્ર નવરાત્રી દરમ્યાન અહીં ડેમમાં ન જવું તેવું જાહેરનામું બહાર પાડી બે-ત્રણ હોમગાર્ડને બેસાડી દે છે, પરંતુ પુલિયો બનતો નથી. અબડાસા તાલુકામાં તો રેડીમેડ પુલ બનતા હોય તેમ દર વરસાદમાં ધોવાઈ જાય. વળી તેમાં રીપેરિંગના નામે કોન્ટ્રાક્ટ લેવાય અને ચૂંટાયેલા જશ ખાટે કે મારા વિસ્તારમાં આટલા કરોડના વિકાસના કામો થયા. રાજાશાહી સમયના પુલો આજે પણ કચ્છમાં અકબંધ છે અને સરકારે બનાવેલા પુલોમાં ગાબડા પડી રહ્યા છે. હવે ગુજરાતનો એક-એક નાગરિક જાણે છે દુર્ઘટના બન્યા બાદ સરકારનું એક જ નિવેદન હશે કે ‘કોઈપણ ચમરબંધીને છોડવામાં નહીં આવે’, ‘સરકારે તપાસનો આદેશ આપ્યો છે’, ‘ઉચ્ચ સ્તરીય કમિટી બનાવી છે’, ‘મૃતકો પ્રત્યે સંવેદના છે’ અને માણસના મોતની કિંમત ૪ થી પ લાખ લગાવી અઠવાડિયામાં ભીનુ સંકેલી લેવામાં આવશે. વધીને સંવેદનશીલ કહેવાતી આ સરકાર બે-ત્રણ અધિકારીને સસ્પેન્ડ અને કોન્ટ્રાક્ટર બ્લેકલિસ્ટ કરશે. અત્રે યાદ અપાવવું પડે કે, માર્ગ અને મકાન વિભાગ ખુદ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના અંડરમાં આવે છે. બુધવારે પણ ઘટના બન્યા પછી સરકારે રાબેતા મુજબ આદેશ કર્યો છે કે તમામ જિલ્લાઓમાં જોખમી પુલોનો સર્વે કરવામાં આવે તેમજ જોખમી હોય તો અવર-જવર બંધ કરવામાં આવે. કચ્છ સહિતના કલેક્ટરોને આ માટે તાકીદ કરવામાં આવી છે, જેથી તંત્ર દ્વારા જાહેરનામું બહાર પાડશે. લોકોની અવર-જવર રોકાવી દેવી એ કાયમી ઉપાય નથી. આજે કૃષ્ણાજી પુલ તેનું જીવંત ઉદાહરણ છે. અહીં ચાર-પાંચ વૈકલ્પિક રસ્તાઓ હોવાથી લોકોને વાંધો આવતો નથી. ભુજમાં ચૂંટાયેલા સત્તાધિશો અને અધિકારીઓ હોવા છતાં ચાર વર્ષથી નાનાકડો પુલ બનતો નથી તો અંતરિયાળ ગામડાઓમાં માત્ર ખાડા પડે ત્યારે લોકોની હાલત કેવી થતી હશે તે સરકારની કથની અને કરણી પ્રત્યેનો ભેદભાવ દર્શાવે છે.


 

Comments

COMMENT / REPLY FROM