Trending News
સ્થાનિક સમાચાર

સોલાર પાર્કમાં ઘૂસી આવેલો પાકિસ્તાની સામે ચાર મહિના બાદ ફરિયાદ 

09 July



બોર્ડર ફેન્સિંગની તાર નીચેથી સિંધનો યુવક ભારતમાં બે કિ.મી. અંદર ઘૂસી આવ્યો હતો : ખાવડા પોલીસે ફોજદારી નોંધી 


ભુજ : કચ્છની સરહદે ખાવડાના અફાટ વિશાળ રણમાં વિશ્વનો સૌથી મોટો સોલાર પાર્ક બનાવવામાં આવ્યો છે. એક સમયે અહીં સુનકાર જોવા મળતો. આજે ૧પ થી ર૦ હજાર મજૂરો સરહદે કામ કરે છે. અગાઉ પણ જેની ભીતિ વ્યક્ત થઈ ચૂકી છે તે ઘટના સાચી ઠરી છે. ચાર મહિના પહેલા અહીં પાકિસ્તાની પકડાયો હતો. જેમાં હવે ફરિયાદ કરવામાં આવી છે. 
સુરક્ષાના જાણકારો દ્વારા અગાઉ ભીતિ વ્યક્ત કરવામાં આવી હતી કે, સરહદે મોટા પ્રોજેક્ટના કારણે પાકિસ્તાની નાગરિકો સહેલાઈથી ભારતમાં ઘૂસી આવશે અને તેમ છતાં સરકારે કોઈ ગંભીરતા ન દાખવતા પાકિસ્તાની નાગરિક ઘૂસી આવ્યો હતો. આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ માર્ચ મહિનામાં એટીએસ અને આઈબી દ્વારા આ યુવકને પકડી લેવામાં આવ્યો હતો. તેણે જે-તે સમયે કહ્યું કે, ઘરે પરિવાર સાથે ઝડઘો થયો હતો અને હિન્દુસ્તાન જાઉં છું તેમ કહીને તે બોર્ડર ક્રોસ કરીને સોલાર પાર્કમાં પહોંચી આવ્યો હતો ત્યારે તે સગીરવયનો હતો. એટીએસ દ્વારા તેની પુછપરછ કરવામાં આવી હતી અને બાદમાં તેને જેઆઈસીના હવાલે કરવામાં આવ્યો હતો. હવે ખાવડા પોલીસ દ્વારા આ યુવક સામે ગેરકાયદે રીતે ભારતમાં ઘૂસવા સંદર્ભે ફરિયાદ કરવામાં આવી હતી. જેમાં જણાવ્યા પ્રમાણે પાકિસ્તાનના સિંધ પ્રાંતના મીઠી થરપારકરમાં રહેતો ૧૮ વર્ષિય યુવક લવકુમાર સ્વરૂપચંદ દેવ ઉર્ફે પટેલ (ભીલ) નામનો યુવક કોઈપણ જાતના પાસ-પરમીટ કે વીઝા વગર આંતરરાષ્ટ્રીય સરહદે પાકિસ્તાનમાંથી ભારતમાં ઘૂસી આવ્યો હતો. બોર્ડરની ફેન્સિંગના તારની વાડ નીચેથી તે ભારતીય સીમામાં ઘૂસી આવ્યો અને બોર્ડર વિસ્તારમાં રપ કિ.મી. અંદર આવેલા સહીદ સ્મારકથી અંદાજીત બે કિ.મી. આરઈ પાર્કના રોડ સુધી આવી ગયો હતો. ગેરકાયદે રીતે ઘૂસણખોરી કરી હોવાથી તેની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાલ તે ભુજ જેઆઈસીમાં સજા કાપે છે. 

Comments

COMMENT / REPLY FROM