Trending News
સ્થાનિક સમાચાર

ગાંધીધામના ઓસ્લો ઓવરબ્રીજ બનાવનાર ઠેકેદાર પર કોના ૪ હાથ રહ્યા? બન્યો ત્યારથી સતત રહ્યો છે વિવાદમાં !

09 July



ભ્રષ્ટાચાર નામના સાડા ચાર અક્ષરનો શબ્દ આ ઓવરબ્રીજના ઠેકેદારે પણ જાણે કે બરાબરનો જ કર્યો છે ઉપયોગ : કામ ચાલુ થયુ ત્યારથી જ ગુણવત્તાઓ, ઉપયોગાં લેવાયેલ ખનીજ-માટીની ચોરી-ગેરકાયદેસર વપરાશ, રોયલ્ટી ચોરી, લાગતા વળગતાઓને કટકીઓ આપવી, રોડમાં વપરાયેલા મટીરીયલ્સની ગુણવત્તાઓ, બ્રીજના કામમાં થયેલ અસહ્ય મનસ્વી વિલંબ, મોટા મોટા બીમ ઉભા કરી દેખાડાય છે, પણ રસ્તા-બ્રીજ નિર્માણમાં પોલી માટીઓના જ કરાયા પુરાણ, સહિતના અનેકવિધ પ્રશ્નો આ બ્રીજ અને તેની ઠેકેદાર પાર્ટી સામે સતત ઉભા થતા રહ્યા હતા


હવે નવો ફરમાન જ કાઢી નાખ્યુ, ભારે ડમ્પરો-ટ્રેઈલરોએ આ બ્રીજ પરથી પસાર ન થવુ, તો આ બ્રીજનું ટેસ્ટીંગ કરાયુ હતુ ત્યારે શેના પર થયુ હતુ? ટેન્ડરોની શરતો શું હતી? આ બધા ભારે વાહનો હવે કયાથી જાય? આટઆટલી ક્ષતિઓ, ઈરાદા પૂર્વકની ત્રુટીઓ આ બ્રીજ નિર્માણના ઠેકેદારે રાખી, છતા તેનો વાળ વાંકો થતો જ નથી? એટલે જ સવાલ પુછાઈ રહ્યો છે કે, આ બ્રીજ નીર્માણના ઠેકેદારને કોણ આટઆટલુ છાવરી રહ્યુ છે?



ગાંધીધામ : ગુજરાતમાં પાછલા અમુક વરસોમાં માળખાગત વિકાસના ગામો ખુબજ મોટા પ્રમાણમાં થયા છે પરંતુ આ કામોમાં ગુણવત્તાને લઈને પણ સવાલો અનેકવિધ ઉભા થવા પામતા રહ્યા છે. એ પછી અમદાવાદનો હાટકેશ્વર બ્રીજ હોય કે જેમા કરોડોના ભ્રષ્ટચારના છાટા એએમસીના અધિકારીઓ સુધી ખુલ્લીને ઉડવા પામી ગયા તે હોય અથવા તો પછી ગાંધીધામના ટાગોર રોડ પર બનેલ ઓસ્લો બ્રીજ હોય યા તો પછી ભુજ સમીપે બનેલ ભુજોડી ઓવરબ્રીજ જ કેમ ન હોય.! આવા ઓવરબ્રીજ અને પુલીયાઓ જે બન્યા છે તે મોટાભાગના તકલાદી બન્યા, તેની ગુણવત્તાઓને લઈને સતત સવાલો જ ઉભા થવા પામતા રહે છે. ભુજોડી ઓવરબ્રીજ તો હજુ ખુલ્લો પણ ન હોતો મુકાયો અને તે ઉપરના ભાગે બેસી ગયો હોવાની સ્થિતી સર્જાઈ હતી, એક બાજુનો પુલ બંધ રાખી તાબડતોડ થાગડથીગડ લીંપાપોત્તી તેમાં કરવાની સ્થિતી ઉભી થવા પામી હતી. તો વળી બીજીતરફ ગાંધીધામના ટાગોર રોડ પર પણ બનેલા ઓસ્લો પાસેના ઓવરબ્રીજમાં પણ સતત વિવાદો ઉભા થવા પામતા જ રહ્યા છે અને હજુ પણ આ બ્રીજ જાણે કે, વિવાદોના મધપુડા છંછચડતો જ હોય તેવી ચર્ચાઓ સામે આવવા પામી રહી છે. 
ગાધીધામના ઓસ્લો ઓવરબ્રીજ જયારથી શરૂ થયો છે ત્યારથી વિવાદો તેની સાથે સંકળાયેલા જ રહ્યા છે. બ્રીજના કામમાં જે અસહ્ય વિલંબ થયો અને કઈક સંસ્થાઓ અને આગેવાનોને અવાજ ઉઠાવ્યા પરંતુ આ બ્રીજના જાડી ચામડીના ઠેકેદારના પેટનું પાણી જ ન હાલ્યુ અને તે જે રીતે બનાવતા હતા એ જ ગોકળગતીએ બનાવતા રહ્યા અને આખાય ગામને ટ્રાફીકની પીડા અને સમસ્યામાં હોમી દીધા હતા. આવી સ્થિતીએ પણ આ બ્રીજના ઠેકેદારને કોઈએ કંઈજ કહ્યુ નહી, કે પુછયુ નહી, અને એક ઠેકેદારની લાપવરાહી અને નફાખેારીભરી વૃતીના લીધે આખાય સંકુલની ટ્રાફીક જામની પીડીાઓ અનેક મહીનાઓ ભોગવવાની સ્થિતી આવી ગઈ હતી. તે બાદ આ બ્રીજની કામની ગુણવત્તાઓને લઈને સવાલ ઉઠયા હતા. મોટા મોટા બીમ નીચે લાગેલા દેખાડાય છે પરંતુ ગુણવત્તાઓમાં તો લોટ પાણીને લાકડાની જ સ્થિતી છે. જાણકારો તો એમ પણ કહે છે કે આ બારાતુ ઠેકેદારે અગાઉ મહેસાણા સહિતના વિસ્તારોમાં બ્રીજ બનાવ્યા છે તે પણ તકલાદી જ હોવાની ફરીયાદો ત્યા પણ ઉઠવા પામી હતી. ઓસ્લો ઓવરબ્રીજ નિર્માણમં જે રેતી-માટી ઉપયોગમાં લીધી છે તે ડીપીએ મેદાનની પાછળથી બારોબાર જ ઉપાડી લીધી અને નિયમ વિરૂદ્ધ માત્ર માટી જ પાથરી દીધી છે તે પણ બારોબાર ઉપાડેલી, રોયલ્ટી ચોરીની ફરીયાદો પણ તે વખતે થવા પામી જ હતી. કઈકને ભાગબટાઈ આપી અને તે વખતે મામલા આ ઠેકેદારે દબાવી દીધા હતા. 
આટઆટલી બેદરકારીઓ દાખવી આ બ્રીજ નિર્માણના બની બેઠલા ઠેકેદારે છતા તેની સામે જે ધાક બેસાડતી કાર્યવાહી થવી જોઈએ તે તો કયાય દેખાઈ જ નથી, અને હવે આ બ્રીજ પરથી હેવી ડમ્પર-ટ્રેઈલરો રાત્રીના સમયે ન દોડાવવાનો ફરમાન જાહેર કરવમા આવ્યુ છે? વિચાર તો કરો, હેવી ટ્રેઈલરો અને ડમ્પરો જેા અહીથી પસાર ન થાય તો કયાથી થશે? ગાંધીધામ સકુલ પોર્ટ આધારીત મોટો ટ્રાન્સપોર્ટેશન ધરાવી રહ્યો છે જેને મુંદરા તથા કચ્છના અન્ય ભાગો સુધી જોડાવવા આ જ રોડ પરથી જવુ પડતુ હોય છે? તેમાં નીચે ટ્રાફિકવાળા વિસ્તારમાંથી આવા હેવી વાહનો શા માટે જાય? તો શું આ બ્રીજ જયારે બનાવયો,ત્યારે ટેસ્ટીંગ કરવામાં ન હોતુ આવ્યુ? સંકુલનો વર્ગ અહી કહી રહ્યો છે કે, આ બ્રીજનિર્માણના ઠેકેદાર કે જે શરૂઆતથી જ સતત વિવાદોમા ઘેરાયા છે તેનો કેમ કોઈ કાન આમળવા આગળ આવતુ નથી? તેને કોણ છાવરી રહ્યુ છે? આ ઠેકેદાર પર કોના ચાર હાથ રહેલા છે? કે તેનો કોઈ વાળ પણ વાંકો કરી શકતુ નથી? આવા બની બેઠલા ઠેકેદારોને છાવરનારાઓએ પણ ચેતવુ જોઈએ, જે રીતે દેશમાં દુર્ઘટનાઓ બને છે અને આ બ્રીજની નબળાઈઓના લીધે કયાંક અહી પણ કોઈ ઘટના
 બની તો ઠેકેદારનો તો ઉઘડો લેવાશે જ લેવાશે પણ છાવરનારાઓને પણ તે વખતે જના જનાર્દન નથી છોડતી એ વાત ન ભુલજો.



.................


લાજ શર્મ બચી હોય તો, મહીસાગરની ઘટનાથી 
લ્યો બોધપાઠ : માટીપગાઓનો લ્યો કડક ઉધડો..!




કચ્છમાં પણ ઓસ્લો ઓવરબ્રીજ હોય કે ભચાઉ શીકરા ફાટક પાસેનો બ્રીજ અથવા અન્ય બ્રીજ સહિતના કામોમાં લીંપાપોત્તી થઈ છે, લાપરવાહોના આમળો કાન : ઘટના બન્યા બાદ તપાસના ગાણા ગાવા, જવાબદારોની સામે પગલાના દાવાઓ પોકારવાના બદલે અગમચેતી દાખવી અને કચ્છમાં બનેલા બ્રીજના સ્ટ્રકચરલ રીપોર્ટ માંગો : સત્તાપક્ષ કરે તો વધુ સારૂ નહી તો વિપક્ષે આ બીડું ઝડપવું જોઈએ, સ્ટ્રચરલ રીપોર્ટ પોજીટીવ રહ્યા છે કે નેગેટીવ?



કામ રાખનાર ઠેકેદાર પાર્ટી, પ્રજાકીયપ્રતિનિધીઓ, સરકારી અધિકારીઓ, આર એન્ડ બી ઈન્જીનીયર સહિતનાઓને રીસર્વે-બ્રીજ ઓડીટ કરી ખુટતી કડીઓ જે-તે ઠેકેદાર પાસેથી જ થર્ટ પાર્ટી ઈન્સપેકશન સાથે પ્રજાકીય પ્રતિનિધીઓને હાજર રાખીને કરવા જોઈએ શરૂ


પ્રજાજનોનો વિચાર ન કરો તો કંઈ નહી, તમારા ખુદના જાનમાલની તો સ્વાર્થી ચિંતા કરો, ઓસ્લો બ્રીજ હોય કે કચ્છના અન્ય પુલો-રસ્તાઓ, તેના પરથી માત્ર પ્રજાજ નહી, તમે પણ જયા-ત્યાં રીબીન કાપવા જતા હોવ છો ત્યારે આ જ પુલો પરથી પસાર થતા હોવ છો.., એ કેમ ભુલી રહ્યા છો.? મહીસાગરના ગંભીર બ્રીજ વાળી કચ્છમાં તમે પુલ પરથી પસાર થતા હશો ત્યારે નહી બને તેની શું ખાત્રી? : ઠેકેદારો-અધિકારીઓને છાવરતા ઝભ્ભાલેંઘાધારીઓને આખાબોલા વર્ગનો તીખો ટોણો



મહીસાગર બ્રીજ ઘટનામાં પણ આર એન્ડ બીના એન્જીનયર ખુદ કહે છે કે, ક્ષતીઓ સામે આવી હતી, વિચાર કરો છતા કોઈ જ કાર્યવાહી ન કરાઈ અને આવી જ હાલત 



ગાંધીધામ : વડોદરાના પાદર પાસે ભયાવહ બ્રીજ દુર્ઘટના બનવા પામી ગઈ છે. મહીસાગર નદી પર ગંભીરા બ્રીજ વચ્ચેથી જ તુટી પડયો છે. અને સાત લોકોના મોત નિપજી ગયા છે. અહી દોડધામ મચી ગઈ છે. ઠેકેદાર, સમારકામ કરનારાઓ તથા આર એન્ડ બી વિભાગ સહિતનાઓની ભ્રષ્ટ રીતીનીતીઓ અહી ખુલ્લી પડી જવા પામી ગઈ છે. આવામાં જાણકારો કહી રહ્યા છે કે, આવી જ સ્થિતી કચ્છના પુલોની પણ રહેલી જ છે. ગાંધીધામનાચ ઓસ્લો ઓવરબ્રીજ હોય કે પછી ભચાઉના શિકરા ફાટક પાસે બનેલો બ્રીજ હોય કે ભુજોડી બ્રીજ જ કેમ ન હોય..! તેમાં લીંપાપોત્તી જ કરવામા આવી છે. પ્રજાકીય પ્રતિનિધીઓ જાણે કે અહી પણ મોટી દુર્ઘટનાઓ થવાની રાહ જોઈ રહ્યા હોય તેવી સ્થિતી સર્જાયેલી છે. સત્તાપક્ષ તો વિવિધ પ્રકારની આવા બ્રીજમાં ઠેકેદારોની લાલીયાવાડી જોઈ જ રહ્યા છે પરંતુ વિપક્ષના પેટનું પાણી પણ હાલતું નથી. વિપક્ષ પણ એક યા બીજી રીતે મૌન સેવીને બેઠો છે. હકીકતમાં આર એન્ડ બી વિભાગ અને ઠેકેદારોના મેળાપીપણાંથી જ આવી ગંભીર ઘટના બની જતી હોય છે. આર એન્ડ બી વિભાગના લાપરવાહોની સામે ધાક બેસાડતી કાર્યવાહી થાય, તેમના કડક ઉધડા લેવાય તો આપોઆપ આવી ઘટના બનતી અટકી શકે.

Comments

COMMENT / REPLY FROM