Trending News
સ્થાનિક સમાચાર

કચ્છના કંડલા પોર્ટથી વાડીનાર પોર્ટ સુધી ખારાઈ ઉંટની દરિયાઈ સફર

08 July




૧૦ જેટલા વિશિષ્ટ પ્રજાતિના ખારાઈ ઉંટ દરિયાના પાણીમાં તરીને દ્વારકા સુધી પહોંચ્યા : વાડીનાર પોલીસ દ્વારા તમામ ઉંટોનું સફળતાપૂર્વક રેસ્કયુ કરાયું

ગાંધીધામ : સમગ્ર દેશમાંં માત્ર કચ્છ અને રાજસ્થાનમાં જોવા મળતા ખારાઈ પ્રજાતિના ઉંટને લગતો એક નવતર ઘટનાક્રમ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ખારાઈ પ્રજાતિના ઉંટ એકમાત્ર એવા ઉંટ છે. જે રણનું પ્રાણી હોવા છતાં દરિયામાં પણ સરળતાથી તરી શકે છે.  સપ્તાહના પ્રારંભે કચ્છ જિલ્લામાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી હતી. આ વચ્ચે એક આશ્ચર્યજનક ઘટના સામે આવી છે. કચ્છના દરિયાકાંઠેથી સ્વિમિંગ કરી ૧૦ જેટલાં ઊંટ દ્વારકાના દરિયાકાંઠે પહોંચ્યાં હતાં. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. મહત્ત્વનું છે કે ખારાઈ ઊંટ એશિયામાં એકમાત્ર પાણીમાં તરી શકતી ઊંટની પ્રજાતિ છે. આ દરમિયાન ભારે વરસાદને કારણે ૧૦ જેટલાં ઊંટ દીનદયાળ પોર્ટ નજીકથી દરિયામાં તણાઇ ગયાં હતાં. તેઓ તરીને દ્વારકાના વાડીનાર પોર્ટ પહોંચ્યાં હતાં, જ્યાં વાડીનાર પોલીસે તમામ ઊંટોનું રેસ્ક્યૂ કર્યું હતું અને તમામ ઊંટોને સલામત રીતે બહાર કાઢ્યાં બાદ હવે એમને તેમના માલિકને સોંપવાની કામગીરી હાથ ધરાઇ છે. આ ઘટનાનો વીડીયો સામે આવતા ખારાઈ ઉંટના સમુદ્રમાં તરવાના કૌશલ્યથી લોકોમાં આશ્ચર્ય ફેલાયું છે. 
આ અંગેની વિગતો મુજબ મૂળ જામનગર જિલ્લાના ખંભાળિયા તાલુકાના માલધારી પોતાના ખારાઇ પ્રજાતિનાં ઊંટોને લઇને કંડલા પાસેના કાંઠા વિસ્તારમાં ચેરિયા વનસ્પતિ ખવડાવા લઈ આવ્યા હતા. ત્યારે આ ઉંટ કોઈપણ કારણોસર દરિયાના પાણીમાં તરીને દ્વારકા પહોંચ્યા હતા. વાડીનાર પોલીસને જાગૃત લોકોએ જાણ કરતા ઉંટોનું સફળ રેસ્કયુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. 
અત્રે ઉલ્લેખનીય છે કે, ખારાઈ ઊંટ દરિયાની ખાડી વિસ્તારમાં અને છીછરા પાણીમાં તરી શકે છે, ત્યારે કચ્છથી દ્વારકા સુધીના દરિયામાં તરીને સહીસલામત પહોંચ્યાં. આ અસામાન્ય ઘટના કચ્છ સહિત રાજ્યભરમાં સોશિયલ મીડિયા થકી વાયરલ થઈ છે.
--------

Comments

COMMENT / REPLY FROM