કચ્છની ઉચ્ચતર માધ્યમિક શાળાઓને ૬૩ નવા શિક્ષકો મળ્યા
કચ્છની ઉચ્ચતર માધ્યમિક અનુદાનિત શિક્ષણ શાળાઓમાં નિમણૂંક વિતરણ કાર્યક્રમ યોજાયો : નિમણુક મેળવનાર ૬૩માંથી ૪૭ કચ્છના ઉમેદવારો
ભુજ : રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષક ભરતી અંતર્ગત જિલ્લામાં અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓની ભરતી અન્વયે ઓલ્ફ્રેડ હાઇસ્કૂલ ભુજ ખાતે ઉમેદવારો ભરતી કરવામાં આવી હતી. નોડલ અધિકારી વર્ગ ૨ આચાર્ય બીપીનભાઈ વકીલના માર્ગદર્શન હેઠળ વિવિધ ટીમોએ સંકલન કર્યું હતું.
જિલ્લા શિક્ષણાધિકારી સંજયભાઈ પરમારે નવનિયુક્ત શિક્ષકોને આવકારી ધગશ પૂર્વક શિક્ષણકાર્ય કરાવવા અનુરોધ કર્યો હતો. ૭૪ ઉમેદવારોમાંથી ૬૩ ઉમેદવારો હાજર રહ્યા હતા. ૬૩ પૈકી ૪૭ ઉમેદવારો કચ્છ જિલ્લાના હોવાથી કચ્છના શિક્ષણ જગતમાં હર્ષની લાગણી ફેલાઈ હતી. સ્થાનિક ઉમેદવારોને મહતમ તક મળતાં માંગણી સંતોષાઈ હોવાનું જિલ્લાના શિક્ષણવિદોએ જણાવ્યું હતું. કાર્યક્રમમાં વર્ગ-૨ના એન.એ. મન્સુરી, પૃથ્વીરાજસિંહ ઝાલા, વનિતાબેન મહિડા, તમામ મદદનીશ શિક્ષણ નિરીક્ષકો, બિનસરકારી આચાર્ય સંઘના રણજીતસિંહ જાડેજા, સરકારી શિક્ષક સંઘના દિવ્યરાજસિંહ જાડેજા, ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સંઘના પંકજભાઈ દહીંસરીયા, શૈક્ષિક સંઘના અલ્પેશભાઈ જાની તેમજ અનુદાનિત શાળાઓના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા.
- ----

Comments