નખત્રાણા પંથકમાં મેઘરાજાનું રાત્રિ રોકાણ : વધુ ૬ ઈંચ ખાબક્યો
આયો ધરતીનું ધણી રે મેહૂલીયો...
મોસમનો ૧૬ ઈંચર વરસાદ : મંગવાણામાં આઠ ઈંચ વરસ્યો : કોટડા-રોહા માર્ગ તૂટ્યો : ઝુરા ડેમ ઓવરફ્લો : વિથોણ સંત ખેતાબાપા તળાવ ઓગન્યો : મોટા અંગિયા ૬ ઈંચ : ભૂખી નદી બન્ને કાંઠે : નખત્રાણા-જડોદર માર્ગ ભુખી નદી બન્ને કાંઠે વહેતા નખત્રાણા-નલિયા ધોરીમાર્ગ બંધ : દનણા તળવા ઓગરફ્લો : ભુજ-નખત્રાણા માર્ગે ઠેર-ઠેર તળાવ ઓગન્યો : શાળાઓમાં રજા : નિરોણા મધ્યકક્ષાના ડેમમાં ર૬ ફૂટપાણી : ભડલી નથ્થરકુઈ માર્ગની પાપડી તૂટી : ભીટારાની તથા ભૂખી દેવીસરની બન્ને નદીઓ બે કાંઠે : ફોટ-પાલરધુના, ધીણોધર ભીખુઋષિ તળેટીનો પ્રકૃત્ નજારો જોવા લોકો ઉમટ્યા : ભયોડ, નથ્થરકુઈની નદી બન્ને કાંઠે : દૂધ - છાસ - છાપા ફેરિયા ફરક્યા નહીં : વરસાદથી ખેડૂત-માલધારી વર્ગમાં હરખની હેલી : શ્રાવણી પર્વ રોનક લાવશે : ઘેર ઘેર લાપસીના આંધણ
નખત્રાણા : હરિયાળા આ પંથકમાં ધરતીના ધણી મેહૂલિયાએ લાવ-લશ્કર સાથે રાત્રિ રોકાણ કરીને વધુ ૬ ઈંચ ધીમી ધારનો શાંતિપૂર્વકના વરસાદ વરસાવતા ધરતીપુત્ર : માલધારી વર્ગ, પ્રકૃતિ પ્રેમીના દિલ ખુશ કરી દીધા છે. તાલુકામાં મોસમનો કુલ ૧૬ ઈંચ વરસાદ થયો છે તો મંગવાણાથી ધર્મેન્દ્રગિરિ ગોસ્વામીએ કહ્યું કે, મંગવાણા પર મેઘ મહાજરાની અવિરત કૃપાથી ર૦ ઈંચ વરસાદ સાથે તાલુકામાં મોખરે રહ્યો છે. ભીટારાથી જીતેન્દ્ર ગોરે કહ્યું કે, નળાવ, ચેક ડમો ઓગની ગયા છે. નદી બન્ને કાંઠે સતત વહી રહી છે. સાંયરા-યક્ષ માર્ગ ધોવાયો છે તો વિથોણથી દિલીપભાઈ નરસીંગાણીએ કહ્યું સંત ખેતાબા સરોવર છલકાઈ ગયો છે. ભંડલી, નથ્થરકુઈ પાસે પાપડીનું ધોવાણ થયું છે. ભોવડ નદી વહી રહી છે. મોટા અંગિયાથી ઈકબાલ ઘાંચી અને સરપંચ ગોપાલભાઈ ગરવા કહ્યું કે, ભુખી નદી બન્ને કાંઠે વહી રહી છે. તળાવો ઓગની ગયા છે. વરસાદથી કોટડા (રોહા) માર્ગ તુટ્યો છે. તો નખત્રાણાની મેઈન બજાર, બસ સ્ટેન્ડ પાસે વોકડા વહેતા બજારો નદીમાં ફેરવાઈ છે. પ્રિ-મોન્સૂનની કામગીરીના ધજાગરા ઉડ્યા છે. નદીના પાલર પાણી ભરાતા ટ્રાફિકજામ સર્જાયો છે. નિરોણા મધ્યમ કક્ષાના ડેમમાં ર૬ ફૂટ પાણી આવ્યા છે. ખારડિયા ડેમ બીજી વખત ઓગની ગયો છે. ઝુરા ડેમ ઓવર ફ્લો થયો છે. દેવસર પાસે ભુખી નદી બન્ને કાંઠી વહી રહી છે. દનણાના સરપંચ મહિપતસિંહ જાડેજાએ કહ્યું કે, તળાવો છલકાઈ ગયા છે. દેશલપ ઈશ્વર સાગર તળાવ સવારે ઓગની ગયો છે. પાલરધુનાનો ધોધ સતત વહી રહ્યો છે. ધણીધોર, નનામા, ભીખુઋષિ ડુંગર નીલી ચાદર ઓઢી છે. પ્રકૃતિ સોળે કળાએ ખલી ઉઠી છે. ફોટ નદી મહાદેવ મંદિરની સોળે કળાએ પાલર પાણીનો ધોધ વહી રહ્યો છે. નજારો જોવા લોકો ઉમટી રહ્યા છે. પાલર પાણીથી સાવચેત રહેવા અને નદી-નાળાના ઊંડા પાણીમાં ન જવા લોકોને વહીવટી તંત્ર અપીલ કરી છે. સતત વરસતા વરસાદના કારણે છાપા તથા દૂધ દેવા આવતા ફેરિયા ફરક્યા ન હમતા. સરકારી કચેરી ખાલીખમ ભાસી રહી છે. વેપારી વર્ગ પણ રજાના મૂડમાં જોવા મળતા હતા. શાળાઓમાં વરસાદની જાહેર રજા ખાનગી શાળાઓ ઘોષિત કરી હતી. સરકારી શાળા પણ બંધ રહે તેવું લાગી રહ્યો છે. સતત ધીમી ધારના વરસાદથી ખેડૂત-માલધારી વર્ગ ખુશ ખુશાલ છે. મગફળી સહિતના આગોતરા વાવેતર માટે આ વરસાદ કાચો સોનો સાબિત થશે તેમ શંકરભાઈ કેસરાણી અને વેણીલાલ રૈયાણીએ કહ્યું હતું. વરસાદના હેતાળ હાથથી ઘેર-ઘેર લાપસીના આંધણ મુકાયા છે. એટલું જ નહીં નખત્રાણા તાલુકાના બહાર વસ્તા વિદેશમાં પાટીદાર સહિતના જ્ઞાતિના લોકોએ સતત ફોનનો મારો ચાલુ રાખીને વરસાદના વાવડ સતત લેતા હતા. નદી, ડેમ, તળાવો કેટલ પાણી આવ્યો છે કોઈ નુકસાની છે કે નહીં તેની પુરત વિગતો મેળવીને વરસાદના રાજીપામાં લાપસીના આંધણ મૂકી નખત્રાણા પંથકનો વરસાદના વધામણા લીધા હતા. બીજી તરફ મધ્યમ કક્ષાના મથલ, દેવીસર, નિચાણવાળા વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસી જવા તંત્ર તાકદી કરી છે. વરસાદથી ગ્રામીણ માર્ગ ધોવાયા છે. તાલુકાના મોટા ભાગના ગામોના તળાવો ઓગની ગયા છે અને સરપંચ, ગામ લોકો તળાવના વાજતે-ગાજતે વધામણા લઈ રહ્યા છે. આ લખાય છે ત્યારે વરસાદ થંભી ગયો છે અને ભગવાન સૂર્યનારાયણ પણ સંતાકુકડી રમીને ક્યારે દર્શન આપે છે હજુ પણ આગાહી યથાવત છે અને નવાઈની વાત એ છે કે, સતત વરસાદ વચ્ચે નખત્રાણા નગરમાં લાઈટ-વીજ સેવા અણનમ રહી છે. ઠેર-ઠેર નગરમાં
પાણી ભરાયા છે. નગરપાલિકા તથા આરોગ્ય વિભાગ
સત્વરે કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.
............
વિગોડીનું ઐતિહાસિક સીલીયાસર તળાવ ઓગનતા વધામણા લેવાયા
નખત્રાણા : ધીંગી મેઘ મહેરથી તાલુકાના વિગોડી ગામનું ઐતિહાસિક સલીયાસર સરોવર છલકાતા આજે ગામના સરપંચ ભરતભાઈ કરશનભાઈ વાઘેલાએ વાજતે ગાજતે વધામણા લીધા હતા. શાસ્ત્રોક્તવિધિ સાથે તળાવમાં શ્રીફળ, ચુંદડી, પ્રસાદ પધરાવ્યું હતું. તરવૈયા જાકબ નોડેએ તળાવમાંથી શ્રીફળ શોધી લાવતાં તેમનું સરપંચ દ્વારા રોકડ પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. આ મંગલ અવસરે અઢારે આલમના લોકો ગ્રામ પંચાયતની સમગ્ર ટીમ સમિતિના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ગામ લોકોએ પાંખી પાડીને મહોત્સવમાં જોડાયા હતા. શાસ્ત્રોક્તવિધિ કિરણ મારાજે કરાવી હતી. તમામ ગ્રામજનોને મેઘલાડુનો પ્રસાદ બાટવામાં આવ્યો હતો.

Comments