સચરાચરી મેઘમહેરથી કચ્છડો ન્યાલ
પશ્ચિમ કચ્છના ભુજ, અબડાસા અને નખત્રાણા પંથકમાં ધીંગી મેઘમહેર : વાગડમાં સવારથી ધીમીધારે વરસાદ : મધ્યમ સિંચાઈના પાંચ ડેમ થયા ઓવરફલો : ભારે વરસાદના પગલે રોડ રસ્તાઓનું ધોવાણ : જળાશયોમાં નવા નીરનું આગગમન : અમુક ગામો થયા સંપર્ક વિહોણા
ભુજ : અષાઢ મહિનાના પ્રારંભથી કચ્છમાં શરૂ થયેલ મેઘમહેર અવિરત રહી હોય તેમ વિતેલા ર૪ કલાક દરમ્યાન કચ્છના દસેય તાલુકામાં મેઘરાજાએ પોતાની કૃપા વરસાવી કચ્છડાને ન્યાલ કર્યો છે. ગઈકાલે રાત્રે કચ્છ જિલ્લાના મોટા ભાગના વિસ્તારોમાં ધીંગી મેઘમહેર વરસી હતી. ખાસ કરીને પશ્ચિમ કચ્છમાં વ્યાપક વરસાદ થયો હતો. જિલ્લા મથક ભુજમાં રાત્રી દરમ્યાન પાંંચ ઈંચ તો નખત્રાણામાં વધુ ચાર ઈંચ વરસાદ થયો હતો. સવારે પૂર્વ કચ્છમાં મેઘરાજાએ કૃપા વરસાવતા ભચાઉ પંથકમાં બે ઈંચ વરસાદ થયો હતો. બંદરીય માંડવી, મુંદરા અને અબડાસાના કાંઠાળ વિસ્તારોમાં વ્યાપક વરસાદથી જળાશયોમાં નવા નીર આવ્યા છે. કચ્છના નાની સિંચાઈના ૧૩ થી વધુ ડેમો ઓવરફલો થયા છે. તો મધ્યમ સિંચાઈના ર૦ પૈકીના પાંચ ડેમો ઓવરફલો થતા હેઠવાસના ગામોને એલર્ટ કરાયા છે.
ગત રાત્રીથી થયેલા વરસાદના પગલે અનેક ગામો બેટમાં ફેરવાઈ જતા સંપર્ક વિહોણા બન્યા હતા. જિલ્લાના આંતરીક રોડ રસ્તાઓનું ધોવાણ થતા વાહન વ્યવહાર બાધીત થયો હતો. ભુજના રૂદ્રમાતા ડેમમાં નવા નીરની આવક થતા જળરાશી ૧૩ ફુટને વટાવી ગઈ હતી. નખત્રાણા, અબડાસા પંથકમાં નદીઓ બે કાંઠે વહેતી થઈ હતી. નખત્રાણાના જડોદર પાસે ભુખી નદી બે કાંઠે વહેતી થતા નખત્રાણા, નલિયા, ધોરીમાર્ગ બંધ થયો હતો. નખત્રાણાના દનણા ગામે તળાવ છલકાઈ ગયું હતું. ભુજ તાલુકાના સુખપર, નથ્થરકુઈ ગામે નદી વહેતી થઈ હતી. ભુજ ઉપરાંત માધાપર, ભુજોડી, મીરજાપર, માનકુવા વિસ્તારમાં રાત્રી ભર અવિરત વરસાદ થયો હતો. ગઢશીશા પંથકમાં પણ વ્યાપક વરસાદ થયો હતો. વરસાદના પગલે ભુજ, નખત્રાણા ધોરીમાર્ગ પર ટ્રાફીક અવરોધાયો હતો. નિરોણા ડેમમાં આ લખાય છે ત્યારે જળરાશી ર૪ ફુટ થઈ હતી.
ભુજ, નખત્રાણા અને અબડાસાના ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રીના ૧૦ વાગ્યાથી પરોઢે છ વાગ્યા સુધી અવિરત વરસાદ થતા લોકો પુલકીત થયા છે. આજે સવારથી જ કચ્છમાં મેઘાવી માહોલ છવાયેલો રહ્યો છે. આજે બપોરના ૧ર વાગ્યા સુધી કચ્છના નવ તાલુકાઓમાં ઝરમરથી ઝાપટાં સ્વરૂપે મેઘરાજાએ હાજરી પુરાવી છે. જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદ થવાની આગાહી વચ્ચે જિલ્લાના મોટા ભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે.
.....................
મધ્યમ સિંચાઈના પાંચ ડેમ ઓવરફલો
ભુજ : અષાઢ મહિનામાં જ થયેલા વ્યાપક વરસાદના પગલે કચ્છના જળાશયોમાં નવા નીરની આવક થઈ છે. જિલ્લાના મધ્યમ સિંચાઈના કુલ્લ ર૦ ડેમો પૈકી પાંચ ડેમ ઓવરફલો થતા આસપાસના નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા છે. કચ્છના સિંચાઈ વિભાગથી પ્રાપ્ત વિગત અનુસાર અબડાસા તાલુકાનો કનકાવટી, રાપર તાલુકાનો ફતેહગઢ, ભુજ તાલુકાનો કાયલા, મુંદરા તાલુકાનો કારાઘોઘા અને માંડવી તાલુકાનો ડોણ ડેમ ઓવરફલો થયા છે.
.....................
ભચાઉ પંથક પર રીઝયા મેઘરાજા : બે ઈંચ વરસાદ
ભચાઉ : કચ્છના પ્રવેશદ્વાર એવા વાગડના ભચાઉમાં આજે સવારે મેઘરાજાએ હેત વરસાવ્યું હતું. છેલ્લા થોડા દિવસોથી ભચાઉ પંથકમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે મેઘરાજા મનમુકીને વરસે તેવી ભચાઉવાસીઓની પ્રાર્થના મેઘરાજાએ સાંભળી હતી. આજે વહેલી પરોઢથી ભચાઉ ઉપરાંત આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં વરસાદ શરૂ થયો હતો. સવારે છ વાગ્યાથી આઠ વાગ્યા સુધીમાં ધોધમાર વરસાદ થતા બે ઈંચ પાણી વરસ્યું હતું. ભચાઉ તાલુકાના ખડીર વિસ્તારમાં પણ સવારથી જ વરસાદ શરૂ થયો હતો. ખડીરના ધોળાવીરા, કલ્યાણપર, રતનપર, જનાણ, અમરાપર વિસ્તારમાં કયારેક ધોધમાર તો કયારેક ધીમી ધારે વરસાદ થયો હતો.
વાગડ વિસ્તારમાં વરસાદ માટે રાહ જોઈ રહેલા રણ વિસ્તારમાં આવેલા ખડીર દ્વિપ સમુહ પર મેધરાજાએ મહેર કરી બે થી અઢી ઈચ વરસાદ વરસ્યો હતો ત્યારે ખડીરના લોકો અને ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઇ છે. આ અંગે ટેલિફોન પર વાત કરી માહિતી આપતા રતનપરના સરપંચ દશરથભાઇ આહીરે જણાવ્યું હતું ખડીર વિસ્તાર વરસાદની રાહ જોઈ રહ્યો હતો. અગાઉ અવારનવાર ઝાપટા રુપી વરસાદ વરસ્યો હતો. જેમાં ખેડૂતોએ ચોમાસુ પાકનું વાવેતર કર્યું હતું ત્યારે દોઢ બે ઈચ વરસાદ થતાં મુરઝાઈ રહેલા પાક માટે કાચા સોના સમાન વરસાદ થયો છે. ખડીરના રતનપર, કલ્યાણપર, જનાણ, અમરાપર, ધોળાવીરા, ગણેશપર, બાંભણકા સહિતના ગામોએ એક થી બે ઈંચ વરસાદ વરસ્યો હોવાનું જણાવ્યું હતું. આમ ખડીર પંથકમાં મેઘરાજાએ મહેર કરતાં લોકોમા આનંદની લાગણી ફેલાઇ છે. અનેક તળાવ ડેમમાં નવા નીર આવ્યા હતા.
.....................
કચ્છના નાની સિંચાઈના ૧૩ ડેમ છલકાયા
ભુજ : અષાઢ મહિનાના પ્રારંભથી કચ્છ જિલ્લામાં થઈ રહેલ અવિરત મેઘમહેરના પગલે જળાશયોમાં નવા નીરની આવક થઈ છે. સચરાચરી મેઘમહેરના પગલે કચ્છમાં નાની સિંચાઈના ૧૭૦ ડેમો પૈકી ૧૩ થી વધુ ડેમ ઓવરફલો થયા છે. જયારે ૯૬ ડેમમાં હાલે સીલ લેવલ કરતા ઉચું પાણી ભરાયેલું છે. ૬ર ડેમોમાં સીલ લેવલ કરતા નીચુંં પાણી છે.
કચ્છના ભુજ તાલુકાના નાની સિંચાઈના કુલ્લ ૩પ ડેમો પૈકી ૪ ડેમ ઓવરફલો થયા છે. જેમાં નથ્થરકુઈ, સામત્રા, માનકુવા અને ચુનડીનો સમાવેશ થાય છે. ર૬ ડેમોમાં સીલ લેવલ કરતા વધુ પાણી છે. માંડવી તાલુકાના નાની સિંચાઈના ર૧ ડેમો પૈકી ઘોડાલખ ડેમ ઓવરફલો થઈ ગયો છે. અન્ય ર૦ ડેમોમાં પણ સીલ લેવલ કરતા વધુ પાણી આવ્યું છે. મુંદરા તાલુકાના ૧૧ પૈકી ગેલડા ડેમ ઓગની ગયો છે. નખત્રાણાના કુલ્લ ૧૬ નાની સિંચાઈના ડેમોમાંથી ગડાપુઠા, ખારડીયા, કોટડા રોહા અને ઉમરાપર સહિત ૪ ડેમો છલકાઈ ગયા છે. ૧૧ ડેમોમાં સીલ લેવલથી વધુ પાણી સંગ્રહીત થયુંં છે. અબડાસા તાલુકાનો સણોસરા ડેમ ઓવરફલો થયો છે. જયારે ર૪ પૈકી અન્ય ૧૬ ડેમોમાં સીલ લેવલ કરતા વધુ પાણી આવ્યું છે. અંજાર, રાપર, લખપત અને ભચાઉ તાલુકામાં હજુ એક પણ નાની સિંચાઈનો ડેમ છલકાયો નથી
............................
ભુજનો ધુનારાજા ડેમ છલકાયો, નજારો માણવા લોકો ઉમટ્યા
ભુજ : જિલ્લા મથકની સમીપે આવેલ ધુનારાજા ડેમ ઓવરફલો થતા ભુજવાસીઓ નિહાળવા ઉમટી પડયા હતા. ગત રાત્રીએ ભુજ પંથકમાં સચરાચરી મેઘમહેરના પગલે જળાશયોમાં નવા નીરની આવક થઈ હતી. ભુજ નજીક આવેલ ધુનારાજા ડેમ છલકાઈ જતા પ્રકૃતિનું સોંદર્ય માણવા શહેરીજનો ઉમટયા હતા.
...................
હમીરસરમાં નવા નીરની આવક : ઓગન ચાર ફુટ દૂર
ભુજ : શહેરના હૃદય સમાન હમીરસર તળાવમાં જોશભેર પાણીની આવક થતા ભુજનુંં હૃદય નવા નીરથી હિલોળા મારી રહ્યું છે. આજે સવારથી જ હમીરસર અને મોટાબંધ પર મેળા જેવો માહોલ જોવા મળ્યો હતો. અષાઢ મહિનામાં જ હમીરસર તળાવ છલકાઈ જવાના આરે પહોંચી ગયું છે. ભુજના હમીરસર તળાવમાં આવેલ કુવો જળમાં ગરકાવ થયો છે. આજે સવારે હમીરસર તળાવના ઓગનથી ચાર ફુટનું અંતર રહ્યું હતું. સાથે જ તળાવમાં નવા નીરની આવક ચાલુ રહી હતી. જેને લઈને લોકોમાં ઉત્સાહનો માહોલ છવાયો છે.
........................
અબડાસામાં રવિવારે દિવસે મેઘાની રજા બાદ રાત્રે રાતપાળીમાં ડેમ-તળાવો છલકાવ્યા
કનકાવતી - બેરાચિયા ડેમ થયા ઓવરફલો : વરાડીયા, સાંયરા, કડુલીના, બિટ્ટા ગામના તળાવો ઓગની ગયા : રાપરગઢથી પિંગલેશ્વર અને પિંગલેશ્વરથી સાંયરા રસ્તા પર પાણી ભરાયા : કનકાવતી નદીમાં ધસમસતા ઘોડાપુર : સણોસરા ગામમાં જવાનો રસ્તો બંધ
નલિયા : અબડાસા તાલુકામાં મેઘરાજાએ દિવસ દરમ્યાન રજા પાળી હોય તેમ દિવસે સાધારણ ઝાપટા બાદ રાત્રે જાણે રાતપાળી કરી હોય તેમ અનેક ડેમ તળાવો છલકાવી દીધી હતા.
રવિવારના દિવસ દરમ્યાન વરસાદનો ચોપડો કોરો રહ્યા બાદ રાત્રે નવ વાગ્યાથી શરૂ થયેલા વરસાદમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો હતો.નુંધાતડથી અબડાસા ખેતીવાડી માર્કેટ યાર્ડના ડાયરેક્ટર ગોવિંદભાઈ ભાનુશાલી જણાવ્યા મુજબ ગઈકાલે રાતના નવ વાગ્યાથી કનકપર, નુંધાતડ, હાજાપર, મિંયાણી, ખીરસરા-કોઠારા, વિંઝાણ, નારાણપર, રેલડીયા મંજલ સહિતના વિસ્તારોમાં પ ઈંચથી વધુ વરસાદ થયો હતો.ભારે વરસાદના પગલે કનકાવતી ડેમ ઓવરફલો થઈ ગયો હતો.હાલ ઓગનથી સાડા ત્રણ ફુટની સપાટી પર પાણી વહી રહ્યા છે અને કનકાવતી નદી બે કાંઠે વહી રહી છે.જેના લીધે સણોસરા ગામનો રસ્તો બંધ થયો હતો.ખીરસરા-મીંયાણી, હાજાપરનો રસ્તો પણ બંધ થઈ ગયો હતો.વરાડીયાથી રફીકભાઈ મંધરાના જણાવ્યા મુજબ ર થી ૩ ઈંચ વરસાદના લીધે વરાડીયાના કંઢેરાઈ, વી અને આડેસરાઈ તળાવ ઓગની ગયા હતા.સાંયરા ગામનું તળાવ પણ ઓગની ગયું હતું.
કડુલીથી ગજણ ઈશાભાઈના જણાવ્યા મુજબ રાત્રે નવ વાગ્યાથી કમંડ, કડુલી, સાયંરા, પિંગલેશ્વર સુધીના પટ્ટામાં ૩ થી ૪ ઈંચ જેટલો વરસાદ થયો હતો.ડેમમાં નવા નીરની આવક સાથે ગામ અને સીમ તળાવ ઓગની ગયા હતા.નાયરો નદીમાં ધસમસતા પાણીના પ્રવાહના લીધે રાપરગઢથી પિંગલેશ્વર અને સાંયરાથી પિંગલેશ્વર જતા રસ્તા પણ પાણી ભરાતા હાલ આ રસ્તા બ્લોક થઈ ગયા છે.લાલાથી મામદભાઈ સંભારના જણાવ્યા મુજબ લાલા-બુડીયા સહિતના વિસ્તારમાં ૧ ઈંચ જેટલા ધીમી ધારના વરસાદના લીધે કપાસના પાકને નવજીવન મળ્યું છે.હાલ ખાતરની અછત છે અને અન્ય તાલુકાઓમાંથી ખાતર ખેડુતોને મંગાવવું પડે છે.લાલા-બુડીયા, જખૌ, વિંગાબેર, જશાપર, સિંધોડી મોટી, કોણીયારા સહિતના વિસ્તારોમાં પણ ધીમી ધારે ૧ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હોવાનુ તેમણે જણાવ્યું હતું. મુખ્ય મથક નલીયામાં આખી રાત દરમ્યાન ક્યારેક ધીમી ધારે અને ક્યારેક જોશભેર વરસાદથી ગામના માર્ગો પણ પાણી વહી નીકળ્યા હતા.તેરા, બિટ્ટા, ધુફી, ભવાનીપર, હમીરપર, બાલાપર, ખાનાય, વમોટી નાની-મોટી સહિતના વિસ્તારોમાં એકથી દોઢ ઈંચ વરસાદ થયો હતો.બિટ્ટાનું વાલાસર તળાવ ઓગની ગયું હતું જ્યારે ડેમમાં હાલ જળસ્તર ૧૯ ફુટે પહોંચ્યું છે.કોઠારામાં ધીમીધારે રાતથી વરસાદ ચાલુ રહેતા અમુક નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાનું અને સોશીયલ મીડીયામાં કોઠારાના તળાવમાંથી પાણી નિકળવાની ખોટી અફવા જુના વિડિયો સાથે ફરી રહી છે તેનું ગામના અગ્રણીઓએ ખંડન કર્યું હતું. ગરડા વિસ્તારના મોટીબેર, નાનીબેર, ગોલાય, મોહાડી, અકરી મોટી, ચરોપડી, વાગોઠ, વાયોર, ફુલાય, વસલરા, રામપર-અબડા, ગોલાય, જંગડીયા, ઐડા, બુટ્ટા સહિત સમગ્ર ગરડા વિસ્તારમાં રાતના ૩ વાગ્યાથી વરસાદ ધીમીધારે સવાર સુધી વરસ્યો હતો અને અડધા ઈંચ જેટલો વરસાદ હોવાનું તેમણે જણાવ્યું હતું. નખત્રાણા અને નલિયા વચ્ચે પાપડ પાણી વહી નિકળતાં વાહન વ્યવહાર ખોરવાયો હતો. આમ અબડાસા તાલુકામાં રવિવાર દિવસે સામાન્ય છાંટા બાદ અમુક વિસ્તારોમાં ઝરમર અને અમુક વિસ્તારોમાં રાત્રી દરમ્યાન ધોધમાર વરસાદ થતા અનેક ગામના ડેમ-તળાવ ઓગની ગયા હતા.
.....................
રાયધણજર, ખારૂઆ, ચિયાસર સહિતના પ ગામ ૪૮ કલાકથી સંપર્ક વિહાોણા : ઈબ્રાહીમ હાલેપોત્રા
નલિયા : અબડાસા તાલુકાના રાયધણજર, ખારૂઆ, ચીયાસર, કાલરવાંઢ, ડહા, ભીટારા સહિતના પ થી વધુ ગામો છેલ્લા ૪૮ કલાકથી સંપર્ક વિહોણા થઈ ગયા હોવાનું લઘુમતી અગ્રણી ઈબ્રાહીમભાઈ હાલેપોત્રાએ જણાવ્યું હતું.તેમના જણાવ્યા મુજબ રેલડીયા મંજલથી રાયધણજરના માર્ગ પર ચાલુ કામના લીધે રસ્તો બંધ થઈ ગયો છે.ભીટારાની પાપડી પણ વરસાદમાં ધોવાઈ ગઈ છે જેનું આગલા વરસે સમારકામ કરાયું હતું.આ વિસ્તારના લોકોને મેડીકલ કે અન્ય ઈમરજનસી થાય તો મુશ્કેલીઓનો સામનો કરવો પડે તેવી સ્થિતિ હોઈ તંત્ર દ્વારા તાત્કાલિક પગલા લઈ આ માર્ગો ચાલુ કરી સંપર્ક વિહોણા બનેલા ગામોના લોકોની પુચ્છા કરવામાં આવે તેવી માંગ પણ શ્રી હાલેપોત્રાએ કરી હતી.
.............................
અબડાસાના ગરડા પંથકમાં ધીમીધારે વરસાદ
ભુજ : અબડાસા તાલુકામાં મોડી રાત્રે લગભગ ૧ઃ૩૦ કલાકેથી ધીમીધારે વાયોર, પધરવાડી, ઉકીર, વાગોઠ, ફુલાય, વાગાપદ્ધર, ભોઆ, સારંગવાડા, ચરોપડી મોટી નાની, કરમટા, અકરી મોટી બેર, નવાવાસ, વાલાવારીવાઢ, ભગોડીવાઢ, રોહારો, હોથીયાય, ગોલાય, વડસર, કેરવાઢ, કોષા, છસરા, લૈયારી, સુખપર, થુમડી, રામવાડા, મોહાડી, ભારાવાઢ, મધરાવાઢ, નીમણીવાઢ, વલસરા, ખારઈ, અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની, અદાણી સિમેન્ટ કંપની, એબીજી કંપની, સુઝલોન કંપની સહિતના વિસ્તારોમાં ઝાપટાં સ્વરૂપે એક ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. વરસાદ વાવણી લાયક છે. બાજર, જુવાર, મગ, મઠ, તલ એરંડા, મગફળી જેવા માટે ઝરમર ઝરમર વરસાદ સારો કહેવાય એવું અહીંના સ્થાનિક ખેડુતો, માલધારીઓનું કહેવું છે.

Comments