Trending News
સ્થાનિક સમાચાર

કચ્છમાં વરસાદી મહેર યથાવત : વાગડથી માંડવી સુધી મેઘરાજા વરસ્યા 

06 July



વાગડ વિસ્તારમાં આજે વધુ દોઢ ઈંચ જેટલું પાણી વરસી ગયું : માંડવીના ગામડાઓમાં ઝાપટા પડ્યા : અંજારમા ઝરમરરૂપે હાજરી પુરાવી : અન્યત્ર વાદળછાયા વાતાવરણથી સાંજ સુધીમાં મેઘરાજા પહોંચી આવે તેવા અણસાર 



ભુજ : કચ્છમાં વરસાદી માહોલ યથાવત રહ્યો છે. આજે સવારે વાગડથી વરસાદ શરૂ થયો છે અને માંડવી સુધી અસર દેખાઈ છે. અન્ય વિસ્તારોમાં ગોરંભાયેલા માહોલથી બપોર બાદ મેઘરાજા વરસી પડે તેવો માહોલ છે. 
આ અંગેની જો વાત કરીએ તો રાપર શહેરમાં આજે સવારે વરસાદ બાદ તાલુકાના ગેડી સહિતના પંથકમાં ઝાપટારૂપે વરસાદ તુટી પડ્યો હતો. જોતજોતામાં દોઢ ઈંચ પાણી વરસી ગયાનું જાણવા મળે છે. તો ભચાઉ તાલુકાના નરા તેમજ આસપાસના વિસ્તારમાં વરસાદ બાદ પાણી વહી નિકળ્યા હતા. આ તરફ માંડવી તાલુકાના નાના આસંબિયા સહિતના ગામોમાં સવારથી ઝરમર વરસાદ વરસી રહ્યો છે. અંજારમાં આજે સવારથી જ ઝરમર વરસાદ ચાલુ છે. ભુજ, નખત્રાણા, ગાંધીધામ, મુંદરા, અબડાસા, લખપત સહિતના વિસ્તારોમાં સવારથી ગોરંભાયેલો માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી યથાવત રાખવામાં આવી છે, જેથી સાંજ સુધીમાં વધુ પાણી વરસી જાય તેવો અંદાજો લગાવવામાં આવ્યો છે. 

......................

Comments

COMMENT / REPLY FROM