Trending News
સ્થાનિક સમાચાર

ત્રગડી એસએમસી દારૂકાંડ : કુખ્યાત બુટલેગરનો ભાઈ દબોચાયાની કાર્યવાહી પર કેમ પડદો?

06 July




સામાન્ય બાબતોમાં પણ કાર્યવાહી કર્યાના જશ ખાટતી પોલીસની ભુમિકાઓ સામે વધી રહ્યા છે અણીયાણા સવાલો :  પોલીસે ત્રગડીમાં આરોપીના રીમાન્ડ લીધા પરંતુ કયાંય કોઈને ખ્યાલ શુદ્ધા પણ આવવા ન દીધો? તેના પાછળનું રહસ્ય શું? દારૂની ખેપમાં જેનુ નામ મુખ્ય સુત્રધારમાં ઉછળ્યું તેવો યુવરાજ હજુ સુધી કાયદાની ગિરફતથી કેમ બાકાત? : મોટો પ્રશ્ન



ભુજ : પશ્ચિમ કચ્છમાં દારૂનો ધંધો પુરજોશમાં ધમધમી રહ્ય હોવાની ચાડી ખાતી કેટલીક ગંભીર ઘટનાઓ પાછલા એકાદ-દોઢ માસમાં ધડાધડ સામે આવવા પામી ગઈ છે. અને અહી જે મોટા મોટા દારૂના જથ્થાઓ પર દરોડો પડાયો છે તે સ્થાનિક પોલીસને ઉંઘતી રાખી અને સ્ટેટ મોનીટરીંગ સેલ અમદાવાદની ટુકડીએ પાડયા હોવાથી ઘટનાની ગંભીરતા ઓર વધી જવા પામી રહી છે. આવુ થવાના પગલે બુટછેગરો અને ં કેટલાક સ્થાનિક ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓની સામેલગીરીને લઈને પણ ચર્ચાઓ વેગવાન બની જવા પામી ગઈ છે. 
જવાબદારો સુધી દર મહીને હપ્તો પહોંચી જતો હોવાનું મનાઈ રહ્યુ છે અને તેથી જ  ગમે તેટલી વાર દારૂ પકડાય, અડ્ડાઓ ફરી ધમધમતા થઈ જવાનો જ સિનારીયો સામે આવી જાય છે. તાજેતરની જો વાત કરીએ તો માંડવી તાલુકાના ત્રગડી ગામે એક મહિના પહેલા એસએમસીએ દરોડો પાડી ૮૩ લાખનો દારૂ કબજે કર્યો હતો. તે બાદ તરત જ ભુજ તાલુકાના કેરા ગામે અનોપસિંહનો સવા કરોડનો દારૂ પકડાયો હતો. દારૂ પીવાના ઝઘડામાં માધાપરમાં એક વ્યક્તિની હત્યા કરી દેવામાં આવી હતી. ખાવડાના સોલારપાર્કમાં પાણીની જેમ જાહેરમાં દારૂ વેચાઈ રહ્યો હોવાની પણ ચર્ચા થઈ રહી છે. નખત્રાણાના સાયરા યક્ષ ગામની આખી ચુંટણી દારૂ પર લડાઈ અને દારૂ બંંધ કરાવવા માટે વચન આપનાર ઉમેદવાર વિજેતા થયા છે. ર૩ વર્ષ બાદ આ ગામે દારૂ બંધ કરાવવા માટે સરપંંચ બદલાવી નાખ્યા છે. આટલી બધી ઘટનાઓ બનવા છતાં પશ્ચિમ કચ્છ પોલીસને કોઈ ફરક પડતો ન હોય તેમ દારૂના અડ્ડાઓ આજે પણ ધમધમી રહ્યા હોવાનો પણ વર્તારો દર્શાય છે. 
દરમ્યાન જ આ તમામ ઘટનાઓ બાદ કડકાઈથી ધોંષ બોલાવી અને દારૂના દૈત્યને ડામી દેવાની દીશામાં કાયદાનો ધોક્કો પછાડવાના બદલે જાણે કે, બુટલેગરો સાથે ભાગબટાઈ જ ધરાવનારા અમુક પલળેલા ખાખીધારીઓ હજુ પણ બુટલેગરોએ આપેલા ભ્રષ્ટ સેકસનના લીધે તેમની લાજનો ધુમટો જ તાણી રહ્યા હાયે તેમ આવા કિસ્સાઓમાં એસએમસી નાક કાપી ગઈ બાદ રહી સહી આબરૂને ઢાકવાને માટે ગુપચુપ કાર્યવાહી જ કરી રહ્યા હોય તેવી ચર્ચઓ તેજ બનવા પામી રહી છે. કહેવાય છે કે, માંડવી તાલુકાના ત્રગડી ગામે એસએમસીએ દરોડો પાડીને લીસ્ટેડ બુટલેગર યુવરાજસિંહ સહિત ૧૩ જણા સામે ફરિયાદ દાખલ કરી હતી. જેની તપાસ પશ્ચિમ કચ્છ એલસીબીને સોપાઈ હતી. આ પ્રકરણમાં આરોપી યુવરાજસિંહના કૌટુંબીક ભાઈ રોહિત કેશુભા જાડેજાની એલસીબીએ અટકાયત કરી કોર્ટમાં રજુ કરી પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. જે સોમવારે પુરા થયા છે. 
પરંતુ આ વાત જાણે કે, વધારે પ્રસિદ્ધી આપવા પાત્ર ન બનતી હોય તેમ કયાંય સામેથી સત્તાવર રીતે પ્રેસ યાદી આપવામાં ન આવતા તેના પર પડદો પાડવાનુ રહસ્ય શુ? તેવા સવાલો ઘેરાવવા પામી રહ્યા છે. અહી સવાલ એટલે પણ થઈ રહ્યા હોય કે, સામાન્ય પાંંચ દસ હજારનો જુગાર પકડાય, એકાદ ચોરાઉ બાઈક કે આધાર પુરાવા વગર વસ્તુ પકડાય તો ઉચ્ચ અધીકારીથી લઈ કોન્સ્ટેબલના નામો લખી સફળ કામગીરીનો ઢોલ પીટતો જ રહેતો હોય છે. પરંતુ  એલસીબીએ ચકચારી પ્રકરણમાં આરોપી પકડયો, રીમાન્ડ મેળવ્યા તે સહિતની હકીકતો થવા છતાં કોઈ જાતની માહિતી બહાર પાડી નહીં અને અંદરખાને બધો ખેલ પાડી દીધો હોય તેવા સવાલો ઉભા થાય છે. 

........


જો..જો..ફોટા-નામો છુપાવવા-કમી કરવામાં ટંકારા-
જુગારકેસમાં કચ્છના પૂર્વ પીઆઈ ગોહીલવાળી ન થાય..?


ગાધીધામ : અત્રે યાદ અપાવી દઈએ પૂર્વ કચ્છથી બદલીને ટંકારામાં ગયેલા પીઆઈ વાય. કે. ગોહિલે જુગાર પકડયા બાદ અખબારોમાં પ્રેસનોટ ન આપવા અને પત્રકારોને ખોટા નામ જણાવી, ફોટા ન આપવા સંદર્ભે એકાવન લાખનો તોડ કર્યો હતો. જેમાં પણ પોલીસે તો પીઆઈની લાજ રાખી હતી. પરંતુ એસએમસીએ આદીપુર આવીને પીઆઈની ધરપકડ કરી હતી. આ કિસ્સામાં એલસીબીએ કયા કારણોસર આરોપી પકડાયો તેની વિગતો અને ફોટા છુપાવ્યા છે. તે બાબતે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. એલસીબીનું કહેવૃં છે કે તપાસ ચાલુમાં છે એટલે પ્રેસનોટ જાહેર કરાઈ નથી પરંતુ સામાન્ય દસ - વીસ હજારની ચોરી અને લાખ - બે લાખના દારૂમાં પણ ફરાર આરોપીના નામ દર્શાવી દેવામાં આવતા હોય છે ત્યારે આ ખુલાસો સામાન્ય વાચકને ગળે ઉતરે તેમ નથી.

.........


ત્રગડી-કેરાના દારૂના દરોડોના ગાંધીનગર કક્ષાએ પડયા
પડઘા : સ્થાનિક પોલીસનો ઉધડો લેવાયાની પણ છે ચર્ચા


ગાંધીધામ : સુત્રો તો એમ જણાવે છે કે, ત્રગડીમાં યુવરાજસિંહનો દારૂ પકડાયો તેના દસ દિવસમાં તેનો પોઈન્ટ ચાલુ થઈ ગયો હતો. અને સારો એવો હપ્તો જવાબદારો સુધી પહોંચતો હોવાથી દારૂનો ધંધો ધમધોકાર ચાલી રહ્યો હોવાનુ ચર્ચાય છે. કેરામાં અનોપસિંહનો દારૂ પકડાયો અને તેનો પોઈન્ટ પણ ધમધમી રહ્યો છે. આ બાબતે ગાંધીનગર કક્ષાએ ગંભીર નોંધ લેવામાં આવી છે અને ખાસ એસએમસીને જવાબદારી સોપાઈ હોય તેમ કચ્છ અને કચ્છ બહાર આવતા - જતો દારૂ પકડી લેવામાં આવી રહ્યો છે. જો કે જવાબદાર ભ્રષ્ટ પોલીસ અધિકારી - કર્મચારીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી બની રહે છે.


............

Comments

COMMENT / REPLY FROM