Trending News
સ્થાનિક સમાચાર

લખપત તાલુકાને પ્રવાસન હબ બનાવવાની દિશામાં કામગીરી તેજ 

06 July



ટૂરીઝમ સર્કિટના ભાગરૂપે માતાનામઢમાં વિકાસ કાર્ય પૂર્ણ : નારાયણસરોવર અને કોટેશ્વરમાં પણ વિકાસ કાર્યો ટૂંક સમયમાં આરંભાશે : લખપત કિલ્લો, સિયોત ગુફા સહિતના સ્થળોને સાંકળતા રસ્તાઓનું નવીનીકરણ, પ્રવાસન પોઈન્ટ, ગ્રીન ઝોન બસ સ્ટેશન સહિતના કામો આવરી લેવાશે : કલેકટરે બે દિવસીય મુલાકાત લઈ જરૂરી સૂચનો કર્યા  



નખત્રાણા : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સરહદ પર આવેલા ગામોને અંતિમ ગામના બદલે પ્રથમ ગામ ગણવા અને જો સરહદો ધમધમતી હશે તો સુરક્ષાની સાથે લોકોને પણ ફાયદો થશે. એક સમયે વહાણ વટાની અવર જવરથી ધમધમતા લખપતમાં હાલે ભેંકાર ભાસી રહ્યો છે. ગામડાઓમાં સુવિધાઓનો અભાવ અને અપુરતી માળખાકીય સગવડના કારણે લોકો આવતા નથી. ત્યારે હવે ધાર્મિક સ્થળોના નવીનીકરણ સાથે ઐતિહાસિક કિલ્લા સહિતના કામો કરી સમગ્ર તાલુકાને ટૂરીઝમ હબ બનાવવાની દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે. કલેકટરે બે દિવસની મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરી હતી. 
જિલ્લા કલેક્ટર આનંદ પટેલ છેવાડાના સરહદી લખપત તાલુકાની બે દિવસીય મુલાકાતે છે. ગઈકાલે માતાના મઢ આશાપુરા માતાજીના દર્શન કરીને પ્રસિદ્ધ યાત્રાધામના વિકાસકામો રૂપરાઈ તળાવ, ચાચરાકુંડ સહિતના ૩ર.૭૧ કરોડના કામોનું નિરીક્ષણ કર્યું હતું. તીર્થધામ નારાયણ સરોવર, કોટેશ્વર મંદિરના દર્શન કર્યા હતા અને ના.સરોવર ખાતે ત્રિકમરાયજી સરોવર તથા મહાપ્રભુજી બેઠકના દર્શન કરી જાગીર અધ્યક્ષા સોનલલાલજી મહારાજે તેમનું શાલ ઓઢાડી સન્માન કર્યું હતું અને આવનાર સમયમાં પૌરાણિક નારાયણ સરોવરનો વિકાસ થનાર છે ત્યારે નારાયણ સરોવર અને પ્રાચીન મંદિરોની વ્યવસ્થા સુચારૂ ઢબે થાય તેવી લાગણી વ્યક્ત કરી હતી. ર કરોડના ખર્ચે મહાપ્રભુજીની બેઠકનું કામ પૂર્ણ થતા અષાઢી બીજના આ બેઠક ખુલ્લી મુકાઈ હતી. નારાયણ સરોવર પૌરાણિક ધામનું ઈતિહાસનું વર્ણન સોનલલાલજી મહારાજે કલેક્ટર સમક્ષ વર્ણવ્યું હતું. 
યાત્રાધામ ખાતે કલેક્ટરે પ્રવાસન અને યાત્રાધામ વિકાસ બોર્ડના અધિકારી સાથે વિકાસ કામોની સમીક્ષા બેઠક યોજીને જરૂરી સૂચના આપી હતી. તેમણે રાત્રિ રોકાણ પણ કર્યું હતું. તેઓ આજે ગુનેરી ગુફા, સિયોતની બુદ્ધ ગુફા, લખપત કિલ્લો વગેરેની મુલાકાત લઈ વિકાસકામોનું નિરીક્ષણ કર્યું હતું. તેમની સાથે પ્રાંત અધિકારી સુરજભાઈ સુથાર, મામલતદાર રામજીભાઈ બકુલીયા, ના.મા. યુવરાજસિંહ, પ્રવાસન-યાત્રાધામ વિભાગના અધિકારી સાથે રહ્યા હતા. 
ઉલ્લેખનીય છે કે, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા જિલ્લામાં નવ સ્થળોએ ૭૬.૭પ કરોડના વિકાસ કામો પૂર્ણતા ભણી છે અને અમુક કામોનું ઓપનીંગ પણ થઈ ગયું છે તે પૈકી લખપતમાં પ કરોડના ૧ર કામો પૂર્ણ છે. જેવા કે ફોટના ઐતિહાસિક ગેટ્‌સન વિકાસનું કામ, ડેવલોપમેન્ટ ઓફ એપ્રોચ રોડ, ઐતિહાસિક મોન્યુમેનટ્‌સના વિકાસનું કામ, હેરીટેજ વોક-વે, ટુરિસ્ટ ઈન્ફોર્મેશન સેન્ટર, રિપેરીંગ ઓફ ફોર્ટ પોલ ઓફ લખપત તથા ડેવલોપમેન્ટ ઓફ ટુરિસ્ટ, સર્કિટ રોડ ભુજ ગેટથી ગુરુદ્વારા અને એપ્રોચ ફોર્ટ પ્લાઝા પબ્લિક ગ્રીનઝોન બસ સ્ટેશન, ગ્રામ હાટ સહિતના કામો આવરી લેવાયા છે. લખપતના યાત્રાધામોમાં માળખાગીત સુવિધા ઊભી કરવા સરકાર કટિબદ્ધ છે ત્યારે કચ્છ કલેક્ટરની સરહદી વિસ્તાર લખપતના યાત્રાધામોની મુલાકાત સૂચક હોવાનું જણાઈ રહ્યું છે. 

...........

Comments

COMMENT / REPLY FROM