હવે આડેસર ચેક પોસ્ટ પર મગફળીની આડમાં આવેલો ૧૯ લાખનો દારૂ પકડાયો
૧પ લાખની ટ્રક, પ.૮૦ લાખની મગફળી સહિત ૪૦ લાખનો મુદ્દામાલ કબજે કરાયો : ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન આડેસર પોલીસની કાર્યવાહી : રાજસ્થાનના ડ્રાઈવરને પકડી લેવાયો
ભુજ : કચ્છમાં દારૂબંધીના ધજાગરા ઉડતા હોય તેમ અવાર નવાર દારૂ પકડાઈ રહ્યો છે. પશ્ચિમ કચ્છમાં સ્થાનિક પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવતી ન હોવાથી એસએમસીને દરોડા પાડવા માટે આવવું પડે છે. પૂર્વ કચ્છમાં એસએમસી ન આવે તે માટે પૂર્વ કચ્છ પોલીસ હરકતમાં આવી ગઈ છે. તાજેતરમાં સામખિયાળી પાસે એલસીબીએ ૭૦ લાખથી વધુનો દારૂ પકડ્યો. આ ઉપરાંત સ્થાનિક પોલીસ દ્વારા વખતો વખત નાના-મોટા દરોડા પાડવામાં આવી રહ્યા છે. ડ્રગ્સના પણ સફળ કેસો થઈ રહ્યા છે ત્યારે હવે આડેસર પોલીસે ૧૯ લાખનો દારૂ ઝડપી પાડ્યો છે. જિલ્લા પોલીસ વડા સાગર બાગમાર અને ભચાઉ ડીવાયએસપી સાગર સાંબડાની સૂચનાથી આડેસર પોલીસ દ્વારા ચેક પોસ્ટ ખાતે વાહન ચેકિંગ કરવામાં આવતું હતું ત્યારે ટ્રક નં.જીજે૦૮ - એયુ - ૬૪૩૮ મા મગફળીના કોથડાની આડમાં રાખવામાં આવેલદારૂની બેટીઓ મળી હતી. ગણતરી કરતા કિંગ ફિશર બિયરના ૭૬૮ કિંમત રૂા.૧,૬૮,૯૬૦, કન્ટ્રીક્લબ ડિલેક્સ વ્હિસ્કીની ર૪૦ બોટલ કિંમત રૂા.ર,૬૪,૦૦૦, વ્હાઈટ લેસ વોડકાની પ૮૮ બોટલ કિંમત રૂા.૬,૪૬,૮૦૦ તથા ગ્રીન લેબલ વ્હિસ્કીની ૭પ૬ બોટલ કિંમત રૂા.૮,૩૧,૬૦૦ નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ સાથે પ.૮૦ લાખની મગફળી, ૧પ લાખની ટ્રક, રોકડા અને મોબાઈલ મળી ૩૯,૯૬,૩૯૦ નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આડેસર પોલીસે રાજસ્થાનના ટ્રક ડ્રાઈવર જાનુખાન અલીખાન મથ્થુજા મહેરની અટકાયત કરી છે. દારૂ રાજસ્થાનના બાલોત્રાથી સુનિલ ચૌધરીએ ભરાવી આપ્યો હતો. સાંતલપુર થઈને આરોપી કચ્છ તરફ આવતો હતો ત્યારે પકડાઈ ગયો હતો. આડેસર પોલીસે ગુનો દાખલ કર્યો છે. આ કામગીરીમાં પીઆઈ જે.એમ.વાળા સાથે સ્ટાફના સિરીશભાઈ ઈશ્વરભાઈ, વિજયસિંહ સહદેવસિંહ, અણદભાઈ જેઠુરભાઈ, સંજયભાઈ અણદાભાઈ, ગાંડાભાઈ અણદાભાઈ, મહેન્દ્રસિંહ ગણપતસિંહ, જીવાભાઈ કરશનભાઈ, જયંતીભાઈ જીવાભાઈ, જીઆરડીના હારૂન ફકીરમામદ, ભીખાગર મોહનગર, નવીનભાઈ બેચરાભાઈ, ભરતભાઈ ખીમાભાઈ, હરેશભાઈ બાબુભાઈ, ભરતભાઈ છગનભાઈ જોડાયા હતા.

Comments