Trending News
સ્થાનિક સમાચાર

ભરતી નિયમોમાં સુધારો કરીને મરીન સાયન્સ વિષયને શામેલ કરવા માંગ 

04 July


ભુજ : મરીન સાયન્સ એ સમુદ્રી જીવવિજ્ઞાન, ઇકોલોજી, સમુદ્રી સંસાધનોનું સંચાલન અને સંરક્ષણ જેવા પાસાઓને આવરી લેતો એક વ્યાપક વિષય છે. ફિશરીઝ ઓફિસરની ભૂમિકા સમુદ્રી જીવસૃષ્ટિ, મત્સ્યઉદ્યોગનું વ્યવસ્થાપન અને તેના સંરક્ષણ સાથે ગાઢ રીતે સંકળાયેલી છે. મરીન સાયન્સનો અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ પાસે આ ક્ષેત્ર માટે જરૂરી સૈદ્ધાંતિક અને વ્યવહારિક જ્ઞાન પૂરતા પ્રમાણમાં હોય છે. તેમ છતાં, તેમને આ ભરતીમાંથી બાકાત રાખવા એ અયોગ્ય અને અન્યાયી છે.
મરીન સાયન્સના વિદ્યાર્થીઓ ફિશરીઝ મેનેજમેન્ટ, જળચરઉછેર અને સમુદ્રી પર્યાવરણના રક્ષણ જેવા વિષયોમાં ઊંડું જ્ઞાન ધરાવે છે. તેમને ફિશરીઝ ઓફિસર તરીકેની જવાબદારીઓ નિભાવવા માટે સંપૂર્ણપણે સક્ષમ છે. તેમને ભરતીમાં શામેલ ન કરવાથી, રાજ્યના મત્સ્યઉદ્યોગને પણ આવા લાયક નિષ્ણાતોના અનુભવ અને જ્ઞાનથી વંચિત રહેવું પડશે.
વિદ્યાર્થીઓ દ્વારા ગુજરાત સરકાર અને સંબંધિત ભરતી બોર્ડ સમક્ષ મરીન સાયન્સ વિષયને ફિશરીઝ ઓફિસરની ભરતી પ્રક્રિયામાં તાત્કાલિક શામેલ કરવા અને સરકારી કોલેજમાં આ વિષયનો અભ્યાસ કરતા હજારો વિદ્યાર્થીઓ સાથે થઈ રહેલા અન્યાયને અટકાવવા માટે સખત અપીલ કરવામાં આવી છે. વર્ષ ૨૦૧૧થી સરકારી મરીન સાયન્સ કોલેજો કાર્યરત હોવા છતાં, આ કોલેજોના વિદ્યાર્થીઓને ક્યાંય ગણવામાં આવતા નથી, જે અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે.
આશ્ચર્યજનક બાબત એ છે કે, ગુજરાતમાં વર્ષોથી સરકારી મરીન સાયન્સ કોલેજો કાર્યરત છે. કોલેજોનું ઉદ્ઘાટન નેતાઓ દ્વારા જ કરવામાં આવ્યું હતું, ત્યારે આવા શૈક્ષણિક સંસ્થાનોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના ભવિષ્યની સુરક્ષા સુનિશ્ચિત કરવાની જવાબદારી કોની ? જ્યારે સરકારે પોતે આ કોલેજો શરૂ કરી હોય, ત્યારે તેના વિદ્યાર્થીઓને સરકારી ભરતી પ્રક્રિયાઓમાં બાકાત રાખવા એ સરાસર અન્યાય છે અને સરકારી નીતિઓ પર પ્રશ્નાર્થ ઊભો કરે છે.
ફિશરીઝ ઓફિસરની વર્તમાન ભરતી પ્રક્રિયામાં જો ફિશરીઝ સાયન્સ, ઝુઓલોજી અને માઈક્રોબાયોલોજી જેવા વિષયોના સ્નાતકોને માન્ય ગણવામાં આવતા હોય, તો મરીન સાયન્સના વિદ્યાર્થીઓને શા માટે બાકાત રાખવામાં આવે છે ? વિદ્યાર્થીઓ પાસે ફિશરીઝ ઓફિસરની ભૂમિકા માટે જરૂરી તમામ સૈદ્ધાંતિક અને વ્યવહારિક જ્ઞાન હોય છે. તેમ છતાં તેમને આ ભરતીમાંથી દૂર રાખવા એ સ્પષ્ટપણે પક્ષપાત ભર્યું પગલું છે.
વર્ષોથી સપના જોઈને અને મહેનત કરીને મરીન સાયન્સનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આ ભરતીમાં સમાવેશ ન થવો એ તેમના ભવિષ્ય સાથે ચેડા કરવા સમાન છે. જ્યારે સરકારી કોલેજોમાં પ્રવેશ મેળવીને તેઓ સરકારના જ નિયમો મુજબ લાયક બનવાનો પ્રયાસ કરે છે, ત્યારે તેમને આવી રીતે અન્યાયનો ભોગ બનવું પડે તે અસ્વીકાર્ય છે. આ વિદ્યાર્થીઓના ભવિષ્યનું શું, તેની જવાબદારી કોણ લેશે?
-------

Comments

COMMENT / REPLY FROM