ભુજની મા આશાપુરા હાઈસ્કૂલ ખાતે સહકારી સંઘ વિશે સેમિનાર યોજાયો
આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ ૨૦૨૫ની ઉજવણી અંતર્ગત યોજાયો કાર્યક્રમ : વિદ્યા સંકૂલ ખાતે મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરાયું
ભુજ : મા આશાપુરા અંગ્રેજી હાઈસ્કુલ ખાતે કચ્છ જિલ્લા સહકારી સંઘ પ્રેરિત અને ધી કચ્છ ડીસ્ટ્રીક્ટ સેન્ટ્રલ કો ઓપરેટીવ બેંક લીમિટેડની સહભાગીદારીતા દ્વારા સહકારીતા સેમિનાર યોજાયો હતો.
કાર્યક્રમના આરંભે મહાનુભાવો સંસ્થાના પ્રમુખ હકુમતસિંહજી જાડેજા, ઉપપ્રમુખ પુષ્પદાન ગઢવી, માજી ધારાસભ્ય તથા કચ્છ જીલ્લા સહકારી સંઘના પ્રમુખ શિવજીભાઈ આહીર, કેડીસીસી બેંકના ચેરમેન દેવરાજભાઈ ગઢવી, સંસ્થાના ટ્રસ્ટી રાજેન્દ્રસિંહ જાડેજા, સહકારી સંઘના સીઆઈ કે.એલ. સુમેરા, કામિનીબહેન, મંત્રી રમેશભાઈ આહીર દ્વારા સંકુલ પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
સહકારીતા સેમિનારનો આરંભ શાળાકીય પ્રાર્થનાથી કરવામાં આવ્યો હતો. બાદમાં ધો.૯ અંગ્રેજી માધ્યમની દિકરીઓ દ્વારા કુમકુમ તિલક તથા પુષ્પગુચ્છ દ્વારા મંચસ્થ મહેમાનોનું સ્વાગત કર્યું હતું. રાજેન્દ્રસિંહ જાડેજા દ્વારા સંસ્થા પરિચય તથા મહેમાનોને આવકાર્યા હતા. જીલ્લા સહકારી મંડળીનાં મંત્રી રમેશભાઈ આહીર દ્વારા જિલ્લા સહકારી સંઘ તથા કે.ડી.સી.સી બેંકની ભૂમિકા તથા આજના કાર્યક્રમનો ઉદ્દેશ વિદ્યાર્થીઓ સમક્ષ રાખવામાં આવેલ હતા.
દેવરાજભાઈ ગઢવી ચેરમેન કે.ડી.સી.સી. બેંક ભુજ દ્વારા વિદ્યાર્થીઓને બેંકની કો ઓપરેટીવ બેંકો સાથેના સહકારમાં ભૂમિકા સમજાવવામાં આવી તથા કેવી રીતે ? કઇ કઈ સહકારી મંડળીઓ સ્થાપિત કરી શકાય તે અંગે માહિતી આપવામાં આવી હતી.
શિવજીભાઈ આહીરે સંસ્થામાં તેમના ૨૫ થી વધુ વર્ષનાં કાર્યકાળની સ્મૃતિઓ યાદ કરતા જીજ્ઞાસા, મહેનત તથા પડકારો જીલવાની વૃત્તિ દ્વારા કેવી રીતે આજે કચ્છ જિલ્લા સહકારી સંઘ વિસ્તૃત ફલક બન્યું છે, તેની સમજ આપવામાં આવી તથા મા આશાપુરા વિદ્યા સંકુલનાં તમામ કર્મચારી પણ ભવિષ્યમાં સહકારી મંડળીની રચના કરી સરકારી યોજનાથી લાભાન્વિત થાય તે માટે ઇજન આપવામાં આવ્યું હતું.
કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી સંસ્થાના ઉપપ્રમુખ તથા માજી સાંસદ પુષ્પદાન ગઢવી દ્વારા વિદ્યાર્થીઓને સરળ ભાષામાં સહકારીતા, બેકિંગ વ્યવસ્થા, સહકારી મંડળીનાં ઉદ્દેશ્ય તથા લાભોની જાણકારી પૂરી પાડવામાં આવેલી હતી. કચ્છ જિલ્લા સહકારી સંઘ દ્વારા સેમિનારમાં જોડાયેલા સૌ વિદ્યાર્થી મિત્રોને બોલપેન, પેન્સિલ, રબ્બર વગેરે સાધનોની કિટ તથા પૌષ્ટિક અલ્પાહાર આપવામાં આવ્યો હતો.
આભારવિધિ કે.એલ.સુમેરાએ કરી હતી. કાર્યક્રમને સફળ બનાવવા મા આશાપુરા અંગ્રેજી હાઈસ્કુલ તથા ગુજરાતી હાઈસ્કુલનાં તમામ સ્ટાફે જહેમત ઉઠાવી હતી. સંચાલન શિક્ષક અમિતભાઈ ઝાલાએ કર્યું હતું.
-------

Comments