પશ્ચિમ કચ્છ એલસીબી દ્વારા જૂન મહિનામાં ગુનેગારો પર ધોેંસ બોલાવાઈ
ચીટરો સામે કાર્યવાહી કરવા સાથે વિવિધ ગંભીર ગુનામાં ફરાર આરોપીઓને પકડી લેવાયા
ભુજ : પશ્ચિમ કચ્છ જિલ્લામાં એલસીબી દ્વારા જૂન મહિનામાં ગુનેગારો પર ધોંસ બોલાવવામાં આવી હતી. રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને એસપી વિકાસ સુંડાના માર્ગદર્શનમાં એલસીબીના ઈન્ચાર્જ પીઆઈ એચ.આર.જેઠી અને પીએસઆઈ જે.બી.જાદવ તેમજ એલસીબીના કર્મચારીઓ દ્વારા જિલ્લામાં ગુનાખોરી અટકાવવા માટેના પ્રયત્ન કરવામાં આવ્યા હતા. જેમાં ખાવડાના અલૈયા વાંઢ ગામમાંથી ઈદના દિવસે કત્તલખાનું શોધવામાં આવ્યું હતું, જખૌ વિસ્તારમાં ગેરકાયદે પશુઓની હેરાફેરી કરતા બે ઈસમોને પકડી લેવાયા હતા.આ ઉપરાંત માંડવીના આધાર-પુરાવા વિના ર૬ કિલો ચાંદી સાથે સુરત અને રાજસ્થાનના શખ્સોને ઝડપી લેવાયા હતા. તો માંડવીમાં થયેલી ૪.૭૦ લાખની ઘરફોડ ચોરી અન્ય બાઈક ચોરી સહિતના બનાવોમાં આરોપી પકડાયા હતા. મૂળ મિયાણીના હાલે કિડાણા રહેતા બુટલેગરને પાસામાં ધકેલવામાં આવ્યો હતો. રેલવે સ્ટેશન પાસે શ્રમજીવી પરિવાર પર ગાડી ચડાવી દેવાનો મામલો હોય કે પછી માંડવીના જખણિયામાં મર્ડર સહિતના ગંભીર બનાવોમાં આરોપીઓને તાત્કાલિક દબોચી લીધા હતા.મહિનામાં અલગ અલગ ગુનામાં નાસતા-ફરતા ૧ર આરોપીને ઝડપી લેવામાં આવ્યા હતા. તેરા તુજ કો અર્પણ અંતર્ગત નવ અરજદારની ગુમ વસ્તુ શોધી અપાઈ હતી. પાંચ લાખથી વધુનો દારૂ ઝડપી જુગારના પણ કેસ કરવામાં આવ્યા હતા. અલગ અલગ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન શક પડતા મુદ્દામાલ તરીકે ચોખા, ઈંધણ સહિત પાંચ લાખનો મુદ્દામાલ કબજે કરી ૧૧ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. ગંભીર ગુનાઓની વાત કરીએ ઈન્સ્ટાગ્રામ પર ખોટી આઈડી બનાવી સસ્તા સોનાના નામે ઠગવાનો પ્રયાસ કરતા આરોપીઓ સામે ગુનો દાખલ કરાવા સાથે તેઓને ઝડપી જેલ હવાલે કરવામાં આવ્યા હતા.મુન્દ્રાના ગુંદાલા નજીક ટેન્કરમાંથી પામ ઓઈલની ચોરી કરવાના કારસાનો પર્દાફાશ કરી અબડાસા વિસ્તારમાં બનેલા કેબલ ચોર તસ્કરોને શોધી લેવામાં આવ્યા હતા. ખનીજ ચોરી અટકાવવા માટે અલગ અલગ સાત કેસ કરી ખાણ ખનીજ વિભાગ મારફતે ર૬.૮૯ લાખનો દંડ કરાવાયો હતો. દારૂ, જુગાર સાથે ખનીજ ચોરી અને અન્ય ગુનાખોરી અટકાવવા માટે એલસીબીની કાર્યવાહી અવીરત જારી રહી છે.

Comments