ગાગોદર પંથકમાં ખનિજ માફિયાઓ પર તંત્રનો સપાટો
ફલાઈંગ સ્કવોર્ડને ધાકધમકી આપી અંધારાનો લાભ લઈ ખનિજ તસ્કરો એક્સ્કેવેટર મશિન લઈને ભાગી છૂટ્યા : તપાસ ટીમ દ્વારા ગાગોદર પોલીસની મદદથી મશિન શોધી કાઢવામાં મળી સફળતા
રાપર : કચ્છ કલેક્ટરના માર્ગદર્શન હેઠળ ફલાઈંગ સ્કવોર્ડની તપાસ ટીમ દ્વારા રાપર તાલુકાના ગાગોદર ખાતે થતી ખનિજ ચોરીની ફરિયાદોને ધ્યોન આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. ગત રાત્રિએ ફ્લાઇંગ સ્ક્વોર્ડ કચ્છની તપાસ ટીમ દ્વારા આકસ્મિક તપાસ હાથ ધરાતા એક એક્સ્કેવેટર મશીનને ચાઈનાક્લે ખનિજ ગેરકાયદે રીતે બે ટ્રકોમાં ભરી આપતા મળી આવ્યા હતા, આથી જ્યારે તપાસ ટીમ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી હતી ત્યારે એક્સ્કેવેટરના માલિક તથા અજાણ્યા ઈસમો દ્વારા ટોળું ભેગુ કરી તપાસ ટીમને ધાક ધમકી આપી અને અંધારાનો લાભ લઈ બનાવવાળા સ્થળેથી એક્સ્કેવેટર મશિનને લઈ ભાગી છુટવામાં સફળ રહ્યા હતા. તપાસ ટીમ દ્વારા સ્થળ પર પકડવામાં આવેલ બે ટ્રકોને સીઝ કરી ગાગોદર પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રાખવામાં આવી હતી.
ત્યારબાદ પૂર્વ-કચ્છ એસપી, ભચાઉ ડીવાયએસપી તથા ગાગોદરના પીઆઈના સહયોગથી ફ્લાઇંગ સ્ક્વોર્ડની તપાસ ટીમ દ્વારા ભાગી ગયેલ એક્સ્કેવેટર મશિનને શોધી કાઢવામાં આવ્યું હતું. સદર સંયુક્ત તપાસ ટીમ દ્વારા ગેરકાયદે ખનિજ ચોરીની સઘન તપાસ હાથ ધરાતા ગાગોદર ગામ વિસ્તારમાંથી ગેરકાયદે ખનિજ ખનન પ્રવૃત્તિમાં ઉપયોગમાં લેવાયેલ અન્ય બે એક્સ્કેવેટર મશીનોને બિનવારસુ હાલતમાં પકડી પાડવામાં આવ્યા હતા.
ફલાઈંગ સ્કવોર્ડની ટીમે ત્રણ એક્સ્કેવેટર મશીન અને બે ચાઈનાક્લે ખનિજ ભરેલ ટ્રકોને સીઝ કરી ગાગોદર પોલિસ સ્ટેશનને સોંપી હતી. ઘટના સ્થળ પર ચાઈનાક્લે ખનિજ ખનન - સંગ્રહની સઘન તપાસ સહિતની આગળની કાર્યવાહી ફ્લાઇંગ સ્ક્વોર્ડ દ્વારા હાથ ધરવામાં આવી છે.
-----

Comments