ખનીજ રોયલ્ટીમાં વધારાનો ભૂકંપ : ખાનગી અને જાહેર બાંધકામ ક્ષેત્રે દેખાશે આફટરશોક
દસ વર્ષ બાદ સરકારે પ્રીમીયમના નામે આપ્યો ડબલ ડોઝ : રેતી, માટી સહિતની તમામ ખનીજોના રોયલ્ટી દર થઈ ગયા બમણા : બાંધકામક્ષેત્રે ભાવધારાનો ઉત્પાદક અને વપરાશકર્તાને દઝાડશે : સરકારી કામો અને ઉદ્યોગો સાથે થયેલા કોન્ટ્રાક્ટ કેટલાક લીઝધારકો માટે બની શકે મુસીબતનું કારણ : ખનિજ નિકાસના વ્યવસાયને પણ મોટા ફટકાની ભીતિ : જાણકારોએ વ્યક્ત કર્યો મત
ભુજ : પાકૃતિક ખનીજ સંપદાઓથી સમૃધ્ધ કચ્છ જિલ્લાના પેટાળમાંથી અનેકવિધ કિંમતી ખનીજો મળી આવે છે. જિલ્લાની માન્ય લીઝોમાંં ખનીજના ખનનથી સરકારની તિજોરીને રોયલ્ટી રૂપે મોટી આવક થાય છે. રાજય સરકાર દ્વારા છેલ્લા ૧૦ વર્ષ દરમ્યાન રોયલ્ટીની રકમમાં કોઈ વધારો ન કરાયા બાદ જુુલાઈ માસના પ્રારંભે રાતોરાત વિવિધ ખનીજની રોયલ્ટીમાં બમણો વધારો કરી દેતાંં લીઝધારકો અને વપરાશકારોમાં ભારે કચવાટ ફેલાયો છે. સાથે જ રોયલ્ટીના ભાવ બમણા કરી દેવાતાં રોયલ્ટી ચોરી વધશે તેવો ગણગણાટ પણ શરુ થઈ ગયો છે.
આ અંગે પ્રાપ્ત વિગત મુજબ રાજય સરકારે રેતી, કપચી, માટી સહિતના ખનીજોની રોયલ્ટીના દર બમણા કરી દેવામાં આવ્યા છે. રેતી, કચપી અને સાદી માટી તેમજ અન્ય ખનીજો માટે અગાઉ સરકાર દ્વારા દર વર્ષે ૩૦ ટકા જેટલો વધારો કરવામાં આવતો હતો. છેલ્લે વર્ષ ર૦૧પમા રોયલ્ટીની રકમ વધારવામાં આવી હતી. ત્યારબાદ કોઈ વધારો કરવામાં આવ્યો ન હતો.
કચ્છ સહિત રાજયમાં વર્ષ ર૦૧૭ના જાહેરનામાં મુજબ નવી લીઝો ૧૦૦ ટકા પ્રીમીયમ ભર્યા બાદ એલોટ કરવામાં આવી હતી. જેથી રોયલ્ટીની રકમમાં વધારો થયો ન હતો. ૧૦ વર્ષ સુધી રોયલ્ટીના દરો યથાવત રહ્યા બાદ સરકારે રાતોરાત બમણા ભાવ કરી દેતાં લીઝધારકો અને વપરાશકારોમાં કચવાટ ફેલાયો છે. સાથે જ રોયલ્ટીના દર વધતા ખાનગી ડેવલોપરથી માંડી જોહર ક્ષેત્રના મોટા સાર્વજનિક બાંધકામ મોંઘા થશે.
સરકારી પ્રોજેક્ટ કે ઉદ્યોગોમાં ખનીજ સપ્લાય કરતા લીઝધારકો માટે નવી મુસીબત સર્જાઈ છે. કોન્ટ્રાક્ટ જો રોયલ્ટી ભાવ સાથે કરાયા હશે તો સરકાર દ્વારા કરવામાં આવેલ રોયલ્ટીના ભાવમા વધારાનો બોઝ લીઝધારક માટે મુસીબત બનશે તેવું આ ક્ષેત્ર સાથે સંકળાયેલા જાણકારો જણાવી રહ્યા છે. કચ્છમાંથી મોટા પ્રમાણમાં ખનિજની નિકાસ કરવામાં આવે છે. રોયલ્ટીમાં થયેલા વધારાના કારણે માઈન્સ એક્સપોર્ટના બિઝનેસને પણ અસર થવાની ભીતિ સર્જાઈ છે. વિવિધ સરકારી પ્રોજેકટના કોન્ટ્રાકટરો માટે પણ રો-મટેરીયલના ભાવોમાં ફેરફાર થશે. જુલાઈના માસના પ્રારંભે સરકાર દ્વારા રોયલ્ટીના દરોમાં વધારાનો જે ભૂકંપ બાંધકામ ક્ષેત્રે આવ્યો છે. તેના આફટરશોક આવનાર દિવસોમાં જોવા મળશે તેવું જાણકારો જણાવી રહ્યા છે.
...............
મહત્વના ખનીજની રોયલ્ટીમાં ૧૦૦ ટકા વધારો
ભુજ : રાજય સરકાર દ્વારા રોયલ્ટીમાં વધારા કરતા નોટીફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. જેમાં પ્રતિ મેટ્રીક ટન ખનીજની રોયલ્ટીના દરમાં વધારો કરાયો છે. કપચીના જુના દર ૪પના સ્થાને ૯૦, રેતીમાં ૪૦ ના બદલે ૮૦, માટીમાં રપના બદલે પ૦ અને જિપ્સમમાં પ્રતિ મેટ્રીક ટન ૪પના બદલે ૯૦ ના દર જાહેર કરાયા છે. ઉત્પાદકોએ રોયલ્ટીના દર ઉપરાંત ૧૮ ટકા જીએસટી, ૧૦ ટકા ડિસ્ટ્રીકટ મિનરલ ફંડ (ડીએમએફ) અને મટેરિયલના વેંચાણ પર વધારાનો પાંચ જીએસટી ભરવો પડે છે.
..................
કચ્છમાં રોયલ્ટી ચોરીનું વકરશે દુષણ
ભુજ : કચ્છ જિલ્લામાં ખનીજ ચોરી મોટું દુષણ છે. જિલ્લામાં ખાણ ખનીજ વિભાગ, પોલીસ તંત્ર દ્વારા અવારનવાર રોયલ્ટી વગરના વાહનો ઝડપી પાડવામાં આવતા હોય છે. તેમ છતાં કચ્છમાં ખનીજ ચોરો બેફામ ચોરી કરતા રહે છે. રાજય સરકારે ખનીજોની રોયલ્ટીના દર બમણા કરી દેતા હવે રેતી, માટી, બલેકટ્રેપ જેવા ખનીજોમાં રોયલ્ટીની ચોરી વધશે તેવી દહેશત જાણકારો વ્યક્ત કરી રહ્યા છે.

Comments