Trending News
સ્થાનિક સમાચાર

રસાકસી ભર્યા ફાઈલન જંગમાં પંજાબ ચેમ્પિયન

03 July

મહિલા નેશનલ હેન્ડબોલ ચેમ્પિયનશીપ



ગુજરાતની ટીમ બની રનર્સઅપ : વિજેતા ટીમ અને ખેલાડીઓને કરાયા પુરસ્કૃત



ભુજ : કચ્છ જિલ્લામાં સૌપ્રથમ વખત રાષ્ટ્રીય કક્ષાની હેન્ડબોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધા થકી કચ્છમાં હેન્ડબોલની રમતને ખુબ પ્રોત્સાહન મળ્યું છે. દેશભરના હેન્ડબોલના પ્રતિભાશાળી ખેલાડીઓએ કચ્છમાં પોતાની પ્રતિભાને ઝળકાવી હતી. લીગ રાઉન્ડ અને નોકઆઉટ હરીફાઈ બાદ આજે સ્પર્ધાની ફાઈનલ પંજાબ અને ગુજરાતની ટીમો વચ્ચે રમાઈ હતી. જેમાં ગુજરાતને હાર આપી પંજાબની ટીમે ટાઈટલ કબ્જે કર્યું હતું. ભુજની લેવા પટેલ એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટ સંચાલિત આર.ડી. વરસાણી વિદ્યાસંકૂલના વિશાળ મેદાનમાં રસાકસી ભર્યા ફાઈનલ જંગ બાદ વિજેતા અને રનર્સઅપ ટીમ, સ્પર્ધામાં નોંધપાત્ર દેખાવ કરનાર ખેલાડીઓને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. કચ્છ જિલ્લામાં રાષ્ટ્રીય કક્ષાની ટૂર્નામેન્ટના આયોજન થકી કચ્છના ખેલાડીઓને સ્પોર્ટસ ક્ષેત્રે પ્રોત્સાહન મળ્યું છે તેવી લાગણી કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા, ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, લેવા પટેલ એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટ, કચ્છી લેવા પટેલ સમાજના હોદ્દેદારોએ વ્યક્ત કરી હતી. 
આ અંગે કચ્છ હેન્ડબોલ ડિસ્ટ્રીક એસો.ના સેક્રેટરી મનીષ પટેલે જણાવ્યું હતું કે, કચ્છમાં પ્રથમવાર  મહિલાઓ માટે હેન્ડબોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ર૮ જેટલી ટીમોએ ભાગ લીધો હતો. ગુજરાતની ટીમ ફાઈલનમાં પહોંચી તે બદલ ગૌરવની લાગણી અનુભવી હતી. વધુમાં લોકોને હેન્ડબોલ સ્પર્ધા રમીને કચ્છ - ગુજરાતનું નામ રોશન કરે તેવો અનુરોધ કર્યો હતો. આર.ડી. વરસાણી સ્કૂલ ખાતે યોજાયેલ હેન્ડબોલ સ્પર્ધામાં કચ્છી લેવા પટેલ ટ્રસ્ટની મહેનત બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી.
કચ્છી લેવા પટેલ સમાજના ટ્રસ્ટી રામજીભાઈ સેંઘાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં પ્રથમ વખત રમાઈ રહેલ પ૪મી સિનિયર હેન્ડબોલ મહિલાની રાષ્ટ્રીય સ્પર્ધામાં કચ્છી લેવા પટેલ સમાજ યજમાન બન્યું તે બદલ ખુશીની લાગણી વ્યક્ત કરી હતી. ભવિષ્યમાં આવા આયોજનો થતાં રહે અને ખેલાડીઓ રાજ્ય કક્ષાથી નેશનલ કક્ષા સુધી પહોંચે તેવા પ્રયત્નો કરવામાં આવશે. 
આ સાથે પંજાબ અને યુપીથી આવેલા ખેલાડીઓએ પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા. યુપીના પૂજા શર્માએ જણાવ્યું કે, આવી સ્પર્ધાઓમાં દરેક લોકોને ભાગ લેવો જોઈએ, જેથી શરીરની કસરત થાય અને સ્વાસ્થ્ય પણ સારૂ રહે છે. આ આયોજનમાં ગોઠવાયેલી વ્યવસ્થાની સરાહના કરી હતી.

 

Comments

COMMENT / REPLY FROM