Trending News
સ્થાનિક સમાચાર

ગાંધીધામમાં પંજાબના તરનતારનના બે શખ્સો ૧૭.ર૧ લાખના ડ્રગ્સ સાથે પકડાયા 

02 July

માદક પદાર્થ ઘૂસાડી કચ્છને ઉડતા પંજાબ બનાવવાનો કારસો નિષ્ફળ બનાવાયો



ગાંધીધામ : પચરંગી સંકુલ ગાંધીધામમાં પરપ્રાંતિય વસ્તીના કારણે ગુનાખોરીનો ગ્રાફ ઉંચકાયો છે. ખાસ કરીને દારૂ, ડ્રગ્સ સહિતની બદીઓ વધી છે. અવાર-નવાર પોલીસ દ્વારા દારૂ પકડવામાં આવે છે ત્યારે પૂર્વ કચ્છમાં નો-ડ્રગ્સ ઝુંબેશ અંતર્ગત એ-ડિવિઝન પોલીસે વધુ એક વખત મોટી માત્રામાં નશાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. 
આ બાબતે મળતી વિગતો મુજબ એ-ડિવિઝનના પીઆઈ એમ.ડી. ચૌધરી દ્વારા સ્ટાફને અસરકારક પેટ્રોલિંગ કરવા માટે સૂચના આપવામાં આવી હતી. જે અંતર્ગત જવાહરનગર ખાતે આવેલી અબુદા હોટલના રૂમ નં.૧૯ મા દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાં પંજાબના તરનતારન જિલ્લાના ગુરુદેવસિંગ રેશમસિંગ જાટ અને પંજાબના અમૃતસરના અને હાલે ગાંધીધામમાં ટ્રક ડ્રાઈવીંગ માટે આવતા ઈકબાલસિંગ મુખત્યારસિંગ લધડને ઝડપી લેવાયા હતા. તેઓના કબજામાંથી કુલ ૩૪.૪૩૦ ગ્રામ માદક પદાર્થ મળી આવ્યું હતું. એફએસએલ કરાવતા આ માદક પદાર્થ હેરોઈન, મોર્ફેઈન અથવા તો કોડેઈન હોવાનું સામે આવ્યું હતું. કુલ ૧૭,ર૧,પ૦૦ રૂપિયાના ડ્રગ્સનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ સાથે પુછપરછમાં સામે આવ્યું કે, તરનતારન જિલ્લાનો ગુરુદેવસિંગ માલ લઈને આવ્યો અને ઈકબાલ સ્થાનિકે ગ્રાહક ગોતવાની વેતરણમાં હતા ત્યારે જ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસે આરોપીઓએ ખેપ કરી છે કે કેમ ? તે સહિતની દિશામાં તપાસ શરૂ કરી છે. અગાઉ પણ એ-ડિવિઝનના પીઆઈ  એમ.ડી. ચૌધરીની ટીમે આ પ્રમાણે હોટલમાં રોકાઈને ડ્રગ્સ વેચતા આરોપીઓને ઝડપી લીધા હતા. આ કામગીરીમાં પીએસઆઈ એમ.એચ. જાડેજા અને ડી-સ્ટાફના માણસો જોડાયા હતા. 



................................



ડ્રગ્સમાં મોડસ ઓપરેન્ડી 


પંજાબમાં તરનતારન જિલ્લો ડ્રગ્સ માટે કુખ્યાત બની ગયો છે. કચ્છમાં જ્યારે જ્યારે એમડી ડ્રગ્સ, હેરોઈન જેવું મોંઘું ડ્રગ્સ પકડાય તેના તાર તરનતારન જિલ્લા સાથે જોડાયેલા હોય છે. આ કિસ્સામાં પણ તરનતારન જિલ્લાનો ગુરુદેવસિંગ નામનો શખ્સ ત્યાંથી માલ લઈને આવ્યો હતો. મોડસ ઓપરેન્ડીની વાત કરીએ તો તેઓ પંજાબના તરનતારન જિલ્લાથી માલ લઈને આવે અને ગાંધીધામ સંકુલમાં કોઈ સસ્તી હોટલમાં રોકાય બાદમાં સ્થાનિકના કોઈ વ્યક્તિ સામે મળી ગ્રાહકને ગોતી માલની ડિલિવરી આપવામાાં આવે છે. આ ડ્રગ્સ કિંમતમાં મોંઘુ અને વજનમાં સાવ સસ્તુ હોઈ એવી જગ્યાએ છુપાવવામાં આવે છે કે, જ્યાં સરળતાથી મળે પણ નહીં. ખાસ કરીને ઔદ્યોગિક જિલ્લો હોવાથી બહારથી મોટી સંખ્યામાં ટ્રક ડ્રાઈવરો અને અનેક માલેતુજારો ડ્રગ્સના બંધાણી હોઈ માલ ખરીદવા વાયા વાયા સંપર્ક કરતા હોય છે.

Comments

COMMENT / REPLY FROM