Trending News
સ્થાનિક સમાચાર

જિલ્લાની ગ્રામ પંચાયતોમાં ઉપસરપંચ બનવા મુરતિયાઓમાં થનગનાટ

01 July



અનેક પંચાયતોમાં ખેંચતાણ : ચૂંટણી પૂર્વે અપાયેલા વચન - વાયદાઓના હવે થશે પારખા : નવ નિયુક્ત સરપંચો માટે આ વરણીઓ બની રહેશે પડકારજનક :  ચૂંટણી પરિણામના ૩૦ દિવસમાં ગ્રામ પંચાયતની સભા બોલાવી ઉપસરપંચની ચૂંટણી સહિત નવીન બોડીને પદભાર સોંપાશે


ભુજ : ગ્રામ પંચાયતની ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થઈ ગઈ હોઈ વહીવટી તંત્રએ તો રાહતનો શ્વાસ લીધો છે પરંતુ ગ્રામીણ પંથકમાં હજુય ગરમાટો જ જોવા મળી રહ્યો છે. નવ નિયુક્ત સરપંચ અને વોર્ડ સભ્યો હજુય ઉજવણીમાં વ્યસ્ત છે. ગ્રામ પંચાયતના ચૂંટાયેલા સરપંચોને પદભારની સોંપણીની પ્રક્રિયા આરંભ થઈ રહી છે ત્યારબાદ પંચાયતોમાં ઉપસરપંચોની વરણી થવાની હોઈ અનેક પંચાયતોમાં ચૂંટણી પૂર્વે અપાયેલા વચન - વાયદાઓના બરાબરના પારખા થશે.
આ અંગેની વિગતો મુજબ ગ્રામ પંચાયતના અધિનિયમ મુજબ પરિણામ જાહેર થયા બાદ ૩૦ દિવસની અંદર ગ્રામ પંચાયતની સભા બોલાવી ઉપસરપંચની ચૂંટણી યોજાતી હોય છે.  સરપંચ સહિત નવીન બોડીને પદભારનો ચાર્જ સોંપવામાં આવે છે.
મત ગણતરી પૂર્ણ થયા બાદ તરત જ રાજયના મુખ્યમંત્રીના પ્રવાસ કાર્યક્રમની સાથોસાથ શાળા પ્રવેશોત્સવને લઈ તંત્ર વ્યસ્ત બન્યું હોઈ આગામી સપ્તાહથી ચૂંટાયેલા સરપંચો અને સભ્યોને તેમના નિમણૂંક પત્ર સોંપી ગ્રામ પંચાયતની પ્રથમ સામાન્ય સભા બોલાવવાની પ્રક્રિયા હાથ ધરાશે. આથી કચ્છ જિલ્લામાં પણ સમરસ અને ચૂંટણી થયેલ ગ્રામ પંચાયતોમાં રપમી જુનના પરિણામ જાહેર થયા બાદના ૩૦ દિવસમાં બેઠક બોલાવી ઉપસરપંચની ચૂંટણી યોજવામાં આવશે. 
ગ્રામ પંચાયતોમાં નવા ચૂંટાયેલા સરપંચો કાર્યભાર સંભાળે તેની સાથોસાથ ઉપસરપંચોની વરણી માટેના પણ કાવાદાવા શરૂ થઈ ગયા છે. સામાન્ય રીતે સરપંચ પોતાની જ પેનલના સભ્ય અને માનીતાને ઉપસરપંચ બનાવતા હોય છે. અમુક ગામોમાં મહિલા સરપંચો ચૂંટાઈ આવ્યા હોઈ વર્ષોથી ચાલી આવતી પ્રણાલીકા મુજબ એસપી એટલે કે સરપંચ પતિ જ પાંચ વર્ષ સુધી તેમના વતી કામગીરી સંભાળશે જેને લઈને આવી પંચાયતોમાં જો કોઈ બળુકી વ્યક્તિ ઉપસરપંચ પદે ચૂંટાઈ આવે તો તેનું વજન વધી જતું હોય છે. જિલ્લાની જે પંચાયતો ચૂંટણી પુર્વે જ સમરસ થઈ ગઈ હતી ત્યાં પણ ઉપસરપંચોની વરણી પ્રક્રિયા હાથ ધરાશે. તંત્ર દ્વારા ગ્રામ પંચાયતોમાં પ્રથમ સામાન્ય સભા યોજવાની તારીખો જાહેર થયા બાદ ઉપસરપંચ માટેની ખેંચતાણ વધુ તીવ્ર બની જશે. ઉપસરપંચનું પદ મેળવવા ઈચ્છુક સભ્યો અત્યારથી જ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ગ્રામ પંચાયતમાં સરપંચ ઉપરાંત ઉપસરપંચ અને સામાજીક ન્યાય સમિતિના ચેરમેનનું પદ મહત્વનું હોય છે. ત્યારે ઉપસરપંચ બનવા માટે પણ વોર્ડ સભ્યોમાં અનેરો થનગનાટ રહેતો હોઈ આ પદ મેળવવા માટે પણ અનેક પંચાયતોમાં ભારે ખેંચતાણ જોવા મળશે.
 ચૂંટણી પૂર્વે ઉપસરપંચ પદ માટે પણ અગાઉથી જ વાયદા અને વચનો આપી દેવાતા હોય છે ત્યારે હવે પંચાયતોમાં ઉપસરપંચનું પદ ભરાવાનું હોઈ સરપંચો માટે વાયદા - વચનો પુરા કરવા કઠીન બની રહે 
તેમ છે.


.................



તાલુકા અધિકારીની હાજરીમાં ઉપસરપંચની વરણી


ભુજ : ગ્રામ પંચાયતોમાં ચૂંટણી બાદ પ્રથમ યોજાતી બેઠકથી નવા ચૂંટાયેલા સરપંચનો ગ્રામ પંચાયતમાં પ્રથમ દિવસ ગણવામાં આવે છે. તાલુકાના અધિકારીની ઉપસ્થિતિમાં યોજાતી પ્રથમ સભામાં ડેપ્યુટી સરપંચની ચૂંટણી યોજાવામાં આવે છે. આ ચૂંટણીમાં ઉપસરપંચ ઈચ્છુક સભ્ય ઉમેદવારી નોંધાવે છે અને અન્ય સભ્યો આંગળી કે હાથ ઉચો કરીને મત આપે છે. જો ઉપસરપંચ પદ માટે એક થી વધુ ઉમેદવારો હોય તો જે ઉમેદવારની તરફેણમાં વધુ સભ્યો હોય તેને ઉપસરપંચનો તાજ પહેરાવવામાં આવે છે.



..............


સમરસ ગ્રામ પંચાયતમાં ઉપસરપંચ બિનહરીફ થશે કે નહીં તે સભ્યો પર નિર્ભર


ભુજ : કચ્છ જિલ્લાની સમરસ થયેલી ગ્રામ પંચાયત માટે ગામના તમામ લોકો અને સમાજના મોભીઓનો મહત્વનો ફાળો રહ્યો છે. પરંતુ આગામી સમયમાં ઉપસરપંચોની વરણી થવાની હોઈ તેમાં ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યો જ મહત્વની ભૂમિકા ભજવવાના હોઈ આવી સમરસ પંચાયતોમાં ઉપસરપંચ બિનહરીફ થશે કે નહીં તે પંચાયતના સભ્યો પર નિર્ભર રહેશે. એકથી વધુ ઉમેદવારો ઉપસરપંચ પદ માટે દાવેદારી નોંધાવશે તો સમરસ બનેલી ગ્રામ પંચાયતોમાં ઉપસરપંચની વરણી લોકશાહી ઢબે બહુમતીથી કરાશે. 

Comments

COMMENT / REPLY FROM