ગાંધીધામ મ્યુ.કોર્પોરેશનને ટૂંક સમયમાં મળશે નવા મ્યુનિસિપલ કમિશનર
ગાંધીધામ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મ્યુનિસિપલ કમિશનરની તાકીદે નિમણૂક કરવા સરકારમાં થઈ રજૂઆત
ગાંધીનગરઃ ગાંધીધામ મહાનગરપાલિકામાં ખાલી પડેલી મ્યુનિસિપલ કમિશનર ની જગ્યા ભરવા માટેની કવાયત રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવી છે અને આગામી ટૂંક સમયમાં નવા મ્યુનિસિપલ કમિશનરની નિમણૂંક કરવામાં આવશે. સચિવાલય સાથે સંકળાયેલા સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ ગાંધીધામ મહાનગરપાલિકા ની રચના કરવામાં આવ્યા બાદ મહાનગરપાલિકા ના મ્યુનિસિપલ કમિશનર તરીકે એમ.પી.પંડ્યાની નિમણૂંક કરવામાં આવી હતા.એમ.પી પંડ્યા ને આઈએએસ કેડરમાં નોમિનેશન મળ્યા બાદ તેમની બદલી કરવામાં આવતા ગાંધીધામ મ્યુનિસિપલ કમિશનર ની જગ્યા ખાલી પડી હતી. લાંબા સમયથી ખાલી પડેલી ગાંધીધામ મ્યુનિસિપલ કમિશનર ની જગ્યા ભરવા માટે ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી દ્વારા સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી. સચિવાલય સાથે સંકળાયેલા સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ આ મહિનામાં બે સનદી અધિકારીઓ વય નિવૃત્ત થઈ રહ્યા છે.
આથી રાજ્યમાં ખાલી પડેલી કલેકટર ડીડીઓ અને મ્યુનિસિપલ કમિશનરની જગ્યાઓ ભરવા માટે આગામી ટૂંક સમયમાં જ બદલીઓનો દોર હાથ ધરીને ખાલી જગ્યાઓ ભરવામાં આવનાર છે તે સમયે ગાંધીધામ મ્યુનિસિપલ કોર્પોરેશનની ખાલી પડેલી મ્યુનિસિપલ કમિશનર ની જગ્યા પણ ભરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે. ગાંધીધામ મહાનગરપાલિકાની કામગીરી વધુ ઝડપથી બને અને વહીવટી કામગીરીમાં પણ વેગ આવે તે માટે આગામી ટૂંક સમયમાં રાજ્ય સરકાર દ્વારા ગાંધીધામ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મ્યુનિસિપલ કમિશનરની નિમણૂંક કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.

Comments