કચ્છમાં ૧૭૦૯ પ્રાથમિક અને ૨૯૪ માધ્યમિક શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમો યોજાયા
ધો.૧માં ૫૭૯૭, ધો.૯ માં ૨૦૩૮૭ તથા ધો.૧૧માં ૬૯૭૪ બાળકોએ શાળા પ્રવેશ કર્યો : આંગણવાડીમાં ૬૫૭૯ બાળકો જ્યારે બાલવાટિકામાં ૧૯૧૧૧ બાળકોએ પ્રવેશ મેળવ્યો
ભુજ : કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશોત્સવ - ૨૦૨૫ અંતર્ગત કચ્છ જિલ્લામાં ૧૭૦૯ પ્રાથમિક શાળાઓમા અને ૨૯૪ માધ્યમિક શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમો યોજાયા હતા. કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ધારાસભ્યો, પદાધિકારીઓ, ઉચ્ચ અધિકારીઓ તેમજ શાળા કક્ષાએથી વિદ્યાર્થીઓના વાલીઓ અને એસએમસી - એસએમડીસીના સભ્યો, ગ્રામ પંચાયત, તાલુકા-જિલ્લા પંચાયતના સદસ્યો દ્વારા ભૂલકાઓને ઉત્સાહભેર શાળા પ્રવેશ અપાયો હતો. શાળા પ્રવેશોત્સવ દરમિયાન દાતાઓએ રોકડ તથા વસ્તુ સ્વરૂપે દાનની સરવાણી વહેડાવતા અંદાજિત રૂ.૪૧૬૨૦૬૬નું દાન પ્રાપ્ત થયું હતું.
શાળા પ્રવેશોત્સવ દરમિયાન આંગણવાડી, બાલવાટિકા, ધો.૧, ધો.૯ તથા ધો.૧૧માં હોંશભેર પ્રવેશ મેળવ્યો હતો. જે અન્વયે ૩૮૪૭ મહાનુભાવોએ શાળામાં ઉપસ્થિત રહીને બાળકોને શાળામાં પા પા પગલી કરાવી હતી. તેમજ ૨૧૪૭૪૨ એસએમસી - એસએમડીસીના સભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં. કચ્છમાં આંગણવાડી - બાલમંદિરમાં ૬૫૭૯ બાળકોનું નામાંકન જ્યારે બાલવાટિકામાં ૧૯૧૧૧ બાળકોએ પ્રવેશ મેળવ્યો હતો. જ્યારે ધો.૧માં નવા દાખલ થયેલા ૫૪૯૮ બાળકો સાથે ૨૯૯ બાળકોએ પુન : પ્રવેશ મેળવ્યો હતો. ધો.૯ માં ૨૦૩૭૨ બાળકો જ્યારે ધો.૧૧ માં ૬૯૭૪ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો. આ સાથે જ ૭૩ દિવ્યાંગ બાળકોનું નામાંકન પણ કરવામાં આવ્યું હતું.
શાળા પ્રવેશોત્સવ દરમિયાન ૧૭ શાળાઓમાં ટ્રાન્સપોર્ટેશન સુવિધાની શરૂઆત કરવામા આવી છે. તેમજ ૧૪૧ કન્યાઓને વિદ્યાલક્ષ્મી બોન્ડ ચૂકવવામાં આવ્યા હતા. બાળકોના શાળા પ્રવેશ દરમિયાન દાતાઓ મન મૂકીને વરસતા રોકડ અને વસ્તુ સ્વરૂપે અંદાજિત રૂ. ૪૧,૬૨,૦૬૬નો લોકસહકાર - દાન પ્રાપ્ત થયું હતું.
------

Comments