વોંધ-સામખિયાળી રેલવે ટ્રેક પર માલગાડી ઉથલાવવાનો પ્રયાસ
સ્ટેશન માસ્તરે અસામાન્ય ગતિવિધિ બાબતે રેલવે પોલીસને વાકેફ કરતા તાત્કાલિક દોડી જઈ પ્રયાસ નિષ્ફળ બનાવાયો : ટ્રેક પર લોખંડની આડસ અને પથ્થરો મુકવામાં આવ્યા હતા : તાત્કાલિક કામગીરીના કારણે મોટી દુર્ઘટના ટળી
ભચાઉ : કચ્છમાંં બે બંંદર ઉપરાંત સેંકડો ઔદ્યોગીક એકમોના કારણે માલગાડીઓનું પરિવહન દિવસ - રાત ચાલુ હોય છે. પશ્ચિમ રેલવેના અમદાવાદ ડીવીઝનમાં રેલવેને સૌથી વધુ આવક કચ્છમાંથી થાય છે તેનું કારણ માલગાડી છે. કારણ કે અહીંથી હજારો ટન માલ સામાનનું અન્ય રાજયોમાં પરિવહન થાય છે. જેમાં ખનીજથી માંડી કોલસો, તૈયાર માલ સામાન ઉપરાંત કેમીકલ સહિતનો સમાવેશ થાય છે. ગઈકાલે તેવામાં માલગાડી ઉથલાવવાનો પ્રયાસ થયો હતો. જો કે આ ગતિવિધિ સફળ રહી ન હતી.
આ બાબતે સુત્રોના જણાવ્યા પ્રમાણે ર૮ તારીખે રાત્રે ૭.પ૦ ના અરસામાંં આ બનાવ બન્યો હતો. વોંધથી સામખિયાળી જતા રેલવે ટ્રેક પર માલગાડી જતી હતી. તેને ઉથલાવવાનો પ્રયાસ કરાયો હતો. આ માલગાડીના લોકો પાયલટ અને ગાર્ડ દ્વારા કિલોમીટર નંબર ૭પર/૪૯ તથા ૭પર/૪પ લાઈન પર અસામાન્ય ગતિવિધિ જણાઈ આવતા વોંધના સ્ટેશન માસ્તરને જાણ કરવામાં આવી હતી. તેઓ દ્વારા સામખિયાળી રેલવે પોલીસને વાકેફ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી અને તપાસ કરતા કિલોમીટર નંબર ૭પર/૪૯ થી ૪૭ વચ્ચે લોખંંડની પટ્ટી અને પથ્થર રેલવે લાઈન પર રાખેલા જોવા મળ્યા હતા. આ કારણે મોટી દુર્ઘટના થઈ શકે તેવી ભીતિ હતી. જો કે પટ્ટી અને પથ્થર અટકાવી ટ્રેન ઉથલાવવાનો મનસુબો દુર કરી માલગાડીનું રેગ્યુલર પરિવહન કરાવાયું હતું. બનાવ અંગે ભચાઉ પોલીસમાં જાણવા જોગ દાખલ કરવામાં આવી હતી. આ ખુબ ગંભીર ઘટના છે. આવું કૃત્ય કરનારા વ્યક્તિઓને શોધવા જરૂરી છે.
................
તાજેતરમાં અમદાવાદ-વેરાવળ વંદે ભારતને પણ આવી જ રીતે ઉથલાવવાનો થયો હતો પ્રયાસ
થોડા દિવસો પહેલા અમદાવાદના ચાંદલોડિયા બી પેનલ રેલવે લાઇનથી ખોડિયાર રેલવે લાઇનની વચ્ચે અજાણ્યા શખ્સોએ પાટા પર ૨૦ ફુટ લાંબી લોખંડની એંગલ મૂકી દીધી હતી. વંદે ભારતની વેરાવળ સાબરમતી એક્સપ્રેસ પસાર થતી હતી ત્યારે પાયલટને આ લોખંડની એંગલ નજરમાં આવતા ટ્રેન ઊભી રાખી દેતા મોટી દુર્ઘટના ટળી હતી. ટ્રેન ઉથલાવવાના કાવતરાની શંકા આધારે ઘાટલોડિયા પોલીસે આ મામલે ગુનો નોંધ્યો હતો. જે બાદ તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી. ટ્રેનના પાયલટે રેલવેના પાટા પર એંગલ જોઇ એન્જિન આગળ એંગલ આવતા જતા સુઝબુઝથી ટ્રેન રોકી હતી. બાદમાં આસિસ્ટન્ટ પાયલટની મદદથી પાટા ઉપરથી એંગલ હટાવીને ટ્રેન રવાના કરી હતી. કોઇ અજાણ્યા શખ્સોએ રેલવે દુર્ઘટના કરવાના ઇરાદે આ લોખંડની એંગલ મૂકી હોવાની શંકાના આધારે ગુનો નોંધ્યો હતો. જોકે, છ દિવસ બાદ પણ પોલીસ આરોપીઓ સુધી પહોંચવામાં નિષ્ફળ નિવડી છે.ભચાઉ પાસે પણ આ જ પ્રમાણે ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ થયો છે. ગુજરાતમાં આવી કોઈ ગગ સક્રિય બની છે કે પછી ? ટીખળખોરી માટે આવા કૃત્યો કરવામાં આવે છે ? તે દિશામાં તપાસ થવી જરૂરી છે.

Comments