Trending News
સ્થાનિક સમાચાર

શિકરાની લેબર કોલોનીમાં સામાન્ય મુદ્દે શ્રમિકે જ સાથી શ્રમિકની હત્યા કરી

30 June



ગઈકાલે મોડી રાત્રે લોખંડના પાઈપના ફટકા મારી ઢીમ ઢાળી દીધું


ભચાઉ : ભુજ તાલુકાના માધાપરમાં દારૂ મુદ્દે નિર્દોષ વ્યક્તિની હત્યા કરી દેવામાં આવી તે ઘટના તાજી છે ત્યાં ભચાઉ તાલુકાના શિકરા ગામે લેબર કોલોનીમાં સામાન્ય મુદ્દે શ્રમિકે જ સાથી શ્રમિકની હત્યા કરી હોવાનો મામલો સામે આવ્યો છે. ગઈકાલે મોડી રાત્રે લોખંડના પાઈપના ફટકા મારીને ઢીમ ઢાળી દેવામાં આવ્યું હતું.
છત્તીસગઢના વિજયસિંહ ગૌડ નામના ફરિયાદીએ ભચાઉ પોલીસને જણાવ્યું હતું કે, તે અને તેનો કૌટુંબિક ભત્રીજો સરવનસિંહ ઈતવારસિંહ અને આરોપી મધ્યપ્રદેશના રાજકુમાર ભોલા સહિતના છ મજૂરો દસ નંબરની ઓરડીમાં સાથે રહેતા હતા. ગઈકાલે રાત્રે સરવન અને રાજ વચ્ચે બોલાચાલી થઈ હતી. મામલો વધી જતા ઝઘડતા - ઝઘડતા તેઓ રૂમની બહાર નીકળી આવ્યા જેથી ફરિયાદી બહાર આવ્યા અને બન્નેને શાંત કર્યા હતા. જોકે, અડધો કલાક પછી ફરી બન્ને ઝઘડવા લાગ્યા અને સાથી મજૂરે ફરિયાદીને ઉંઘમાંથી ઉઠાવીને વાકેફ કર્યા હતા ત્યાં સુધીમાં રાજકુમારે સરવનને માથામાં લોખંડની પાઈપ ફટકારી દેતા તે લોહીલુહાણ હાલતમાં નીચે પડ્યો હતો. રાજકુમારના હાથમાં પાઈપ હતો. તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવી સરવનને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, પરંતુ તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ બનાવથી અરેરાટી ફેલાઈ જવા પામી હતી. પોલીસે રાજકુમારને રાઉન્ડઅપ કરી લીધો  છે. ભચાઉ પોલીસે આજે સવારે સ્થળ પર જઈ ઘટનાનું પંચનામું કર્યું હતું. 
અત્રે ઉલ્લેખનીય છે કે, કચ્છમાં પરપ્રાંતિય વસ્તી વધી રહી છે અને ખાસ કરીને પરપ્રાંતિય વસાહતોમાં નજીવી બાબતે થતાં ઝઘડામાં આવેશમાં આવીને ગંભીર પ્રકારનો હુમલો કરી ગુનાને અંજામ આપવામાં આવે છે. થોડા સમયના ગુસ્સામાં વ્યક્તિને જીવનભર અફસોસ થાય છે અને એક વ્યક્તિને જીવ ગુમાવવો પડે છે. ભૂતકાળમાં પડાણા, કિડાણા, મુંદરા, અબડાસા, ચિરઈ સહિતના વિસ્તારોમાં પરપ્રાંતિયોના મોત સહિતની ઘટના સામે આવી ચૂકી છે. વતનથી રોજગારી માટે પરપ્રાંતિયો આવતા હોય છે અને જ્યારે તેમનો દેહ વતન પહોંચે ત્યારે પરિવાર પણ ભાંગી પડે છે.

Comments

COMMENT / REPLY FROM