Trending News
સ્થાનિક સમાચાર

ચેરિયાના નિકંદન મામલે એનજીટી ૯ જુલાઈએ કરશે ત્રીજી સુનાવણી

29 June



કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠન દ્વારા સંરક્ષણકર્તાઓ, સંશોધકો અને કાયદાકીય જાણકારોને સહયોગી બનવા કરાઈ અપીલ : ૧લી જુલાઈએ ભુજમાં પત્રકાર પરિષદનું આયોજન


ભુજ : કચ્છ જિલ્લાના ચેરિયાના સમૃદ્ધ દરિયા કાંઠે રહેતા અનન્ય અને તરવા સક્ષમ હોય એવા ખારાઈ ઊંટો લુપ્ત થવાની કગાર પર પહોંચ્યા છે. તેમના કુદરતી આવાસના થઈ રહેલા વિનાશના કારણે ખારાઈ ઊંટોની પ્રજાતિના અસ્તિત્વ પર સંકટ મંડરાઈ રહ્યું છે. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના આદેશ પછી પણ કચ્છના સંરક્ષિત કાંઠા વિસ્તારોમાં નમકના કારખાનાઓનું ગેરકાયદેસર વિસ્તરણ ચાલી રહ્યું છે. આ અંગે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ ૯મી જુલાઈના ફરીથી સુનાવણી કરશે. વર્ષ ર૦૧૯-ર૦માં એનજેટીના આદેશ છતાં પણ કાંઠાળ વિસ્તારો પર ચેરિયાના જંગલોનું નિકંદન નીકળી રહ્યું છે. વર્ષ ર૦૧૮માં કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠને એનજીટી સમક્ષ અરજી દાખલ કરી હતી, જેમાં ભચાઉ અને વોંધ વિસ્તારમાં સુરક્ષિત એરિયામાં કુદરતી પાણીનું વહેણ ગેકાયદેસર પાળા બાંધી રોકવા અંગે અને ચેરિયાના નિકંદન અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. ર૦૧૯માં એનજીટી દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ રોકવા સાથે જળ પ્રવાહ પુનઃ સ્થાપિત કરવા અને નમક કારખાનાઓના વિસ્તરણ પર રોક લગાવવાનો આદેશ આપ્યો હતો છતાં આ વિસ્તારમાં તેનું ઉલ્લંઘન થઈ રહ્યું છે.
કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠનના તારણમાં જણાવ્યા અનુસાર ચેરિયાના જંગલનો વિસ્તાર ર૦૧૮માં ૪૦૮૪ હેક્ટરમાંથી ઘટીને ર૦ર૩માં માત્ર ૧૩૧ર હેક્ટર રહ્યો છે. જ્યારે નમક ઉત્પાદનનો વિસ્તાર ર૦૧૮ના ૧૩,૬૮૧ હેક્ટરમાંથી વધીને ર૦ર૩માં ૧૭,૯૧૮ હેક્ટર થયો છે. ર૦૧૮ના સંયુક્ત તપાસ રિપોર્ટ અનુસાર ૭પ૦ એકર જેટલા ચેરિયાનો વિનાશ નોંધાયો હતો. જુલાઈ ર૦ર૩માં ભચાઉ પ્રાંતના નિરીક્ષણ રિપોર્ટ અનુસાર મોટાપાયે બંધ બાંધણીથી જળ પ્રવાહ અવરોધિત થયો છે. ભારે મશીનરીથી ચેરિયાઓને ધરતીમાંથી ઉખેડી તેનું દહન કરવામાં આવ્યું છે. પાતાળ જીવો જેવા કે, કરચલા અને લેવટાનો વિનાશ થયો છે. સંગઠનના પૂર્વ પ્રમુખે જણાવ્યું હતું કે, અમારા ઊંટો મરી રહ્યા છે. ચેરિયાનું નિકંદન તે માટે સૌથી વધુ કારણભૂત છે. સરકાર રક્ષણ આપવાની વાત કરે છે, પરંતુ હજુ સુધી રક્ષણ મળ્યું નથી. સંગઠનની ટ્રિબ્યુનલ સમક્ષ સીઆરઝેડ - આઈએ વિસ્તારમાં આપેલ મીઠાની લીઝ રદ્દ કરવા, લીઝ ધારકો અને ડીપીટી સામે કાર્યવાહી કરવવા, ચેરિયાના પુનઃ સ્થાપન અને જળ પ્રવાહ પુનઃ પ્રવર્તન માટે યોજના બનાવવા અને સંયુક્ત મોનિટરીંગ સમિતિની રચના કરવા માંગ કરી છે. 
સુનાવણી પૂર્વે કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠન દ્વારા ભચાઉના દરિયા કાંઠે થઈ રહેલ ચેરિયાના નિકંદન બાબતે તા.૧ જુલાઈના પત્રકાર પરિષદનું આયોજન કરાયું છે. સંગઠનના પ્રમુખ આશાભાઈ રામાભાઈ રબારીના જણાવ્યા અનુસાર આ કેસ માત્ર ઊંટ કે ચેરિયા વિશે નથી. ભારતમાં કાંઠાના પર્યવરણને લગતા કાયદાઓ અને સમુદાય આધારીત સંંરક્ષણ માટેની મહત્ત્વની કસોટી છે. સ્પષ્ટ આદેશો હોવા છતાં તેની અવગણનાના કારણે પર્યાવરણને ભારે નુકસાન પહોંચ્યું છે. પર્યાવરણ, જીવન ગુજરાન અને પરંપરાગત જ્ઞાનને સાચવવાના સંઘર્ષનું ખારાઈ હવે ઊંટ હવે એક પ્રતિક બની ચૂક્યું છે. સંગઠન દ્વારા સંરક્ષણકર્તાઓ, સંશોધકો, કાદાકીય સહયોગીઓને આ કેસને ઉજાગર કરવવા અપીલ કરાઈ હતી.


.............

Comments

COMMENT / REPLY FROM