Trending News
સ્થાનિક સમાચાર

કચ્છમાં ભારે વરસાદનું એલર્ટ : સવારથી છવાયો મેઘાડંબર

29 June


સવારથી છુટાછવાયા ઝાપટાનો દોર યથાવત : ગઈકાલે કચ્છના ૯ તાલુકાઓમાં મેઘરાજાએ પુરાવી હાજરી : નખત્રાણા - લખપત પંંથકમાં ધીંગી મેઘમહેર : ભુજમાં એક ઈંચ વરસાદ 


ભુજ : અષાઢ મહિનાના પ્રારંભ સાથે જ કચ્છમાં મેઘરાજાની કૃપા અવિરત વરસી રહી છે. જિલ્લામાં વધુ બે દિવસ ભારે વરસાદનું એલર્ટ અપાયું છે, તેવામાં આજે સવારથી કચ્છના મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે છુટાછવાયા ઝરમર ઝાપટાનો દોર યથાવત રહ્યો છે. 
ગઈકાલે બપોર બાદ કચ્છ જિલ્લાના નવ તાલુકામાં અડધોથી અઢી ઈંચ જેટલો વરસાદ થયો હતો. રાત્રી દરમ્યાન પણ ઝરમર વરસાદ ચાલુ રહ્યો હતો. પશ્ચિમ કચ્છના લખપત અને નખત્રાણામાં વ્યાપક વરસાદથી ધરતીપુત્રોમાં આનંદ ફેલાયો હતો. અબડાસાના મોટાભાગના વિસ્તારોમાં વરસાદના અહેવાલ પ્રાપ્ત થયા છે. 
જિલ્લા મથક ભુજમાં ગઈકાલે બપોર બાદ ઝાપટા સ્વરૂપે એકાદ ઈંચ વરસાદ થયો હતો. રાત્રી દરમ્યાન પણ ઝરમર સ્વરૂપે વરસાદ થતાં માર્ગો ભીંજાયેલા રહ્યા હતા. પૂર્વ કચ્છના અંજાર અને ગાંધીધામમાં ઝાપટા સ્વરૂપે વરસાદ થયો હતો. અંજારમાં સવારથી છાંટા સ્વરૂપેે હાજરી પુરાવી છે. વાગડના રાપર, ભચાઉ તાલુકામાં છુટાછવાયા વરસાદથી કાચું સોનું વરસ્યું હોવાનું સ્થાનિક ધરતીપુત્રોએ જણાવ્યું હતું. 
હવામાન વિભાગ દ્વારા આજથી બે દિવસ સુધી કચ્છમાં ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. હવાના હળવા દબાણથી અસર તળે ગાજવીજ સાથે ભારે વરસાદ થવાની સંભાવના છે. જિલ્લામાં આજે સવારથી જ મોટાભાગના વિસ્તારોમાં બફારાયુકત વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. આકાશમાં વાદળોના જમાવડા વચ્ચે સૂર્યનારાયણના દર્શન અલપઝલપ થયા હતા.

..........


રાપરમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમર વરસાદ


રાપર : ગઈકાલે ગાજવીજ સાથે બે ઈંચ વરસાદ વરસ્યો હતો. તો આજે સવારથી જ રાપર તાલુકામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમર વરસાદનો દોર યથાવત રહ્યો હતો. ગઈકાલે રાપર તથા રામવાવ, વણોઇ, સુવઈ, ત્રંબૌ, નિલપર, ખીરઈ, નંદાસર સહિતના વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. રાપર ખાતે સાંજના છ વાગ્યા બાદ ગાજવીજ સાથે મુશળધાર વરસાદ વરસ્યો હતો, જેના લીધે શહેરમાંથી પાણી વહી નિકળ્યા હતા. પોણો કલાક સુધી મુશળધાર વરસાદના લીધે શહેરની મુખ્ય બજારમાંથી પાણી વહેતા થયા હતા. આથમણા નાકા પાસે તો જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્ય જોવા મળ્યા હતા. વરસાદમા રજાના દિવસે નાના મોટા સૌ કોઈએ વરસાદમાં ન્હાવાની મજા લીધી હતી.  બાળકોને તો જાણે મજા પડી ગઈ હોય તેમ પોતાની ધુનમાં મસ્તી કરતા જોવા મળ્યા હતા. મામલતદાર ક્વાર્ટર, ગેલીવાડી, આથમણા નાકા, શંકરવાડી, તકિયાવાસ, તિરૂપતિનગર, સલારીનાકા, પ્રાગપર ચોકડી સહિતના વિસ્તારમાં પાણી ભરાયા હતા. આ વરસાદ ચોમાસુ પાક માટે સોના સમાન થશે તેવું ખેડુત આગેવાન અને ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના મહામંત્રી પ્રકાશ પટેલે જણાવ્યું હતું.

.........


અબડાસામાં વરસાદના વિરામ વચ્ચે તેરા-ભાચુંડાના ગામ તળવા ઓગનતા ખુશીનો માહોલ


નલિયા : અબડાસા તાલુકામાં ગઈકાલે રજામાં રહેલા મેઘરાજાએ વિરામ પાડયો હતો સાથે તેરા અનુ ભાચુંડા ગામના તળાવો ઓગનતા ખુશીનો માહોલ સર્જાયો હતો.
અબડાસા તાલુકામાં મુખ્ય મથક નલીયા સાથે સમગ્ર તાલુકામાં મેઘરાજાએ રજા પાળી હોય તેમ સામાન્ય ઝાપટારૂપી વરસાદ તાલુકાના વિવિધ ગામોમાં વરસ્યો હતો.નોંધપાત્ર બાબત એ રહી કે વરસાદ ન હોવા છતા તાલુકામાં વાતાવરણ વાદળછાયું રહેવા સાથે સખત ગરમીમાં લોકોને રાહત મળવા સાથે ઠંડકનો અહેસાસ તાલુકાની જનતાને થયો હતો.
વરસાદના વિશ્રામ વચ્ચે અબડાસા તાલુકાના ભાચુંડા ગામનું તળાવ ઓગનતા ગ્રામજનો અને અગ્રણીઓના હસ્તે તળાવને વધાવવામાં આવ્યું હતું.નવ નિયુક્ત સરપંચ રેખાબેન નવીનગર ગુંસાઈની ઉપસ્થિતિમાં ગામની પરંપરાગત પ્રથા મુજબ ગ્રામજનોએ ભેગા મળી તળાવના વધામણા કર્યા હતા.તાલુકાના મુખ્ય મથક નલીયા નજીક આવેલ તેરા ગામે પણ ત્રણે તળાવ ઓગની ગયા હતા. 
ગામના સરપંચના પુત્ર મહેશભાઈ લક્ષ્મીદાસ ભાનુશાલીના જણાવ્યા મુજબ આગામી સોમવાર તા.૧લી જુલાઈના સવારે ૧૦ વાગે તળાવ વધામણા ભવ્ય રીતે કરાશે.તેરા હાઈસ્કુલમાં ગ્રામજનો ભેગા થઈ ત્યાંથી ત્રણે તળાવ વધાવવા માટે ગાજતે-ગાજતે જશે.તેરાના તળાવ ઓગનતા તેરા સાથે મુંબઈ તથા અન્ય જગ્યાઓએ વસતા તેરાવાસીઓમાં આનંદની લાગણી વ્યાપી જવા પામી હતી.

........


વરસે આદ્રા તો બારે માસ સાદરા


નખત્રાણા-લખપતમાં ર ઈંચ વરસાદથી ખેડૂત-માલધારીઓ ખુશ



સીઝનમાં ૬થી ૯ ઈંચ વરસાદથી તાલુકો લીલોછમ : લખપત તાલુકામાં બે ઈંચ વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા : ગામડાના તળાવો યોગન્યા : ડેમોમાં પાલર પાણીની આવક ચાલુ : રસ્તા ધોવાયા : મેઘપર, અમીયા પાપડીમાં પાણી ભરાતા માર્ગ બંધ : તિર્થધામોમાં શ્રદ્ધાળુઓની પાંખી હાજરી 


નખત્રાણા : ગઈકાલથી આજે સવાર સુધી ઝરમર ઝાપટા અને ધોધમાર વરસાદથી નખત્રાણા, લખપત તાલુકામાં ર ઈંચ જેટલો વરસાદ વરસી ચુકયો છે. લખપતના મેઘપર - અમીયા વચ્ચે પાપડીમાં પાણી ભરાતા માર્ગ બંધ થઈ ગયો છે. માતાનામઢ પાણી ભરાયા છે. નારાયણસરોવર તિર્થધામમાં શ્રદ્ધાળુઓની પાંખી હાજરી છે. નખત્રાણા પંથકમાં મોસમનો કુલ વરસાદ ૬થી ૯ ઈંચ જેટલો થતાં ખેડૂતો, માલધારી વર્ગ ખુશ ખુશાલ છે. અને આ વર્ષે વરસાદ સોળ આની થાય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. બપોર બાદ છેલ્લા ૩ દિવસથી ગરમી, ઉકળાટ અનુભવાયા બાદ સાંજે મેઘરાજા ગાજવીજ, પવનની સવારી સાથે ધામા નાખે છે. નખત્રાણામાં વોકળામાં જળભરાવથી વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાય છે અને ભારે હાલાકી વેઠવાનો વારો આવે છે. વરસાદ સાથે અનેક વિસ્તારોમાં કલાકો સુધી વીજળી ગુલ થઈ જાય છે. સમગ્ર નખત્રાણા તાલુકામાં રથી ૩ ઈંચ વરસાદના વાવડ મળ્યા છે. આજે સવારે પણ અડધા ઈંચ જેટલું ઝાપટુ વરસ્યું છે. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. રવિવારની રજા હોતા નગરમાં લોકોની પાંખી અવર જવર જોવા મળે છે. તળાવો ગામડામાં છલકાયા છે, ડેમોમાં નવા નીર આવ્યા છે. 


..........



 

Comments

COMMENT / REPLY FROM