Trending News
સ્થાનિક સમાચાર

મુખ્યમંત્રીએ ભુજ ખાતે શૌર્યના પ્રતીકસમા સિંદૂરવનનું ખાતમૂહુર્ત કર્યું

28 June



ભુજમાં વિશાળ વિસ્તારમાં ૮૦ હજાર રોપાના વાવેતર સાથે નિર્માણ પામનાર આહલાદક વન કવચનું બીજરોપણ કરતાં ભુપેન્દ્ર પટેલ : મુખ્યમંત્રીએ પહલગામ હુમલામાં મૃત્યુ પામેલ નાગરિકોને સમર્પિત એવા સિંદૂરવન કવચ ખાતે વૃક્ષારોપણ કરી વિધિવિધાન સાથે ભૂમિપૂજન કર્યું

ભુજ : શહેર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિશાળ વિસ્તારમાં નિર્માણ પામનાર શૌર્યના પ્રતીકસમાન સિંદૂરવનનું ખાતમૂહુર્ત કરવામાં આવ્યું હતું. ભારતીય થલસેના, વાયુસેના, નૌસેના, બીએસએફ તથા પહેલગાવ હુમલામાં મૃત્યુ પામેલ નાગરિકોને સમર્પિત એવા "સિંદૂર વન" વન કવચનું વિધિવત ભૂમિપૂજન કરવામાં આવ્યું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ વન કવચ વિકસાવવાની પદ્ધતિની વિગતવાર સમજ મેળવી હતી. ઓપરેશન સિંદૂરની સફળતા બાદ સિંદૂરવન બનાવવાનું આહવાન કર્યુ હતું. કચ્છના વન વિભાગે આ આહવાનને ઝીલીને જે સ્થળે સભા યોજાઈ હતી ત્યાં જ સિંદૂરવન બનાવવાનો નિશ્ચય કર્યો હતો. જેના ભાગરૂપે આહલાદક સિંદૂરવનના મુખ્યમંત્રીએ બીજરોપણ કર્યા હતાં અને શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથેનું ભૂમિપૂજન કર્યું હતું. 
ભુજના મિરઝાપર હાઇવે પર પશ્ચિમ કચ્છ વન વિભાગ દ્વારા તૈયાર થતાં સિંદૂર વનમાં વિશાળ વિસ્તારમાં ૮૦ હજાર રોપાનું વાવેતર કરવામાં આવશે. આ સિંદુર વન એક શૌર્યનું પ્રતીક બની રહેશે, જેમાં ભારતની લશ્કરની તાકાત સમાન હવાઈ જહાજ, નેવી, લશ્કર, બીએસએફની થીમ આધારિત ચારેય પાંખના આધુનિક સાધનો મૂકવામાં આવશે, જેમાં અહીં આવનારા પર્યટકોને વન્ય સંપદાની સાથે આઈએનએસ વિક્રાંત, એસ-૪૦૦ મિસાઇલ, ડ્રોન, રફાલ જેવા લડાયક સાધનોની થીમ પણ જોવા મળશે. સિંદૂર વનમાં કચ્છની સ્થાનિક વનસ્પતિ વચ્ચેથી પસાર થતા પ્રવાસીઓને વધુ આનંદ થાય એ માટે અલાયદા વોકિંગ ટ્રેકની વ્યવસ્થા પણ કરવામાં આવશે. કચ્છમાં ૮૦ હજાર વૃક્ષનાં કારણે શુદ્ધ વાતાવરણનું નિર્માણ થશે અને શહેરમાં મોટા પ્રમાણમાં ઓક્સિજન મળી રહેશે. અહીં બાળકોને મનોરંજન મળે તેવા રમત-ગમતનાં સાધનોની વ્યવસ્થા કરવામાં આવશે.  સિંદૂર વનમાં આપણી સંસ્કૃતિ સાથે જોડાયેલી વનસ્પતિનું વાવેતર કરવામાં આવશે. જેમાં વડ, પીપળો, ઉમરો,કરંજ, અર્જુન, પીલુ, અશ્વગંધા, જાંબુ, આંબલી, લીમડો, લિયાર, દાડમ, તુલસી, અળસી, સરગવા, સિંદૂર, વાંસ જેવા ૪૦ પ્રકારનાં વૃક્ષનું આ જંગલ બનાવામાં આવશે. 
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, ભુજ નગરપતિ રશ્મિબેન સોલંકી, સાંસદ સભ્ય વિનોદભાઈ ચાવડા, ધારાસભ્યો કેશુભાઇ પટેલ, અનિરુદ્ધભાઇ દવે,  માલતીબેન મહેશ્વરી, ત્રિકમભાઇ છાંગા, પ્રદ્યુમનસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા સહિતના પદાધિકારીઓએ વૃક્ષારોપણ કર્યું હતું.  આ કાર્યક્રમમાં કલેકટર આનંદ પટેલ,  જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, પશ્ચિમ કચ્છ એસપી વિકાસ સુંડા, મુખ્ય વન સંરક્ષક સંદિપકુમાર, પશ્ચિમ કચ્છ વન વિભાગના નાયબ વન સંરક્ષક હર્ષ ઠક્કર, પ્રાંત અધિકારી ડો.અનિલ જાદવ અને એસ.કે. ચૌધરી  સહિતના વન અધિકારીઓ સહિત વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 
------

Comments

COMMENT / REPLY FROM