લુડિયામાં જનતા રેડ બાદ ખાવડા પોલીસની આંખ ખુલી, ફોર્ચ્યુનરમાંથી દારૂ પકડાયો
પેટ્રોલ પંપ પાસે ગાડી ઊભી રાખી દારૂનો ખુલ્લેઆમ કરાતું હતું વેચાણ : લોકોએ રેડ કરી ત્યારે હાજર શખ્સે ખાવડા પોલીસને હપ્તો આપતા હોવાની મારી શેખી : પોલીસને જાણ કરી અને વીડિયો વાયરલ થયો તે પછી ભીરંડિયારાથી આરોપીને પકડવાનું નાટક ભજવાયું
ભુજ : ખાવડામાં વિશ્વનો સૌથી મોટો સોલાર પાર્ક આવ્યા બાદ આ વિસ્તારમાં બેફામ દારૂ વેચાઈ રહ્યો છે. અવાર-નવાર ખુલ્લેઆમ દારૂ વેચાતા હોવાનો વીડિયો વાયરલ થયો છે. દારૂની બદીના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. વારંવાર લોકો દ્વારા જનતા રેડ કરી દારૂની બદી બંધ કરાવાનો પ્રયાસ કરાતો હોય છે પરંતુ સ્થાનિક પોલીસ હપ્તાખોરી સામે લાચાર હોવાથી કોઈ કાર્યવાહી કરતી નથી ત્યારે ગત રોજ વધુ એક વીડિયો વાયરલ થયો હતો. જે બાદ પોલીસને કાર્યવાહી કરવાની ફરજ પડી હતી. જાણવા મળતી વિગતો મુજબ ખાવડા-ભુજ રોડ પર આવેલા લુડિયા ગામે નાયરા પેટ્રોલ પંપની સામે ખુલ્લેઆમ અંગ્રેજી દારૂ વેચાઈ રહ્યો હોવાની હકીકત આધારે સ્થાનિક લોકોએ રેડ કરી હતી. ફોર્ચ્યુનર ગાડીમાં પાછળના ભાગે દારૂની બોટલો રાખવામાં આવી હતી. દર મહિને સાત લાખ રૂપિયાનો હપ્તો આપતા હોવાની શેખી ઝડપાયેલા શખ્સે ઉચ્ચારી હતી. પોલીસ અમારું કાંઈ નહીં કરી શકે અને ભુજથી માલ લાવતા હોવાનું જણાવ્યું હતું. વીડિયો વાયરલ કરવામાં આવ્યો અને ખાવડા પોલીસને જાણ કરવામાં આવી હતી. ઝડપાયેલા શખ્સે બીજીવાર અહીં નહીં આવું તેવું પણ કહ્યું હતું. મુખ્યમંત્રી આવવાના છે તે પહેલાં આ પ્રમાણે દારૂ વેચાણનો વીડિયો વાયરલ થતા ખાવડા પોલીસની કામગીરી સામે સવાલો ઊભા થયા હતા. જોકે, કામગીરી બતાવવા માટે ભીરંડિયારા ટોલનાકાથી આ ગાડી અને દારૂ પકડી લેવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે પીછો કરીને ભીરંડિયારા ચેક પોસ્ટ પાસેથી ફોર્ચ્યુનર ગાડી ઝડપી લેવામાં આવી હતી. ફોર્ચ્યુનર ગાડી નં.જીજે૧ર - સીપી - ૦૯૦ર મા મેકડોવેલ્સ અને વોડકાની કુલ ૪૮ બોટલ કિંમત રૂા.રપ,૯ર૦ નો મુદ્દામાલ મળી આવ્યો હતો. પાંચ લાખની ગાડી સાથે રાપરના વેરાવાળા ગામના મહાવીરસિંહ બળવંતસિંહ સોઢાની અટકાયત કરવામાં આવી હતી. પોલીસે મહાવીરસિંહ સામે ગુનો દાખલ કર્યો છે. નવાઈની બાબત એ છે કે, સામાન્ય કેસોમાં પોલીસ અજાણ્યા માલ આપનાર સામે ગુનો દાખલ કરતી પરંતુ આ કિસ્સામાં માલ કોની પાસેથી લીધો ? ક્યાં વેંચતો ? કોને આપવા આવ્યો હતો તે સહિતના નામો આરોપીમાંથી ઉડાવી દેવામાં આવ્યા છે. આ અગાઉ પણ આરઈ પાર્કમાં ખુલી કેબીનમાં દારૂ વેચાતો ત્યારે માત્ર ઝડપાયેલા શખ્સ સામે જ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. અન્ય કોઈ સામે કાર્યવાહી થઈ ન હતી. ભુજ ખાવડા હાઈવે અકસ્માત ઝોનમાં ફેરવાઈ ગયો છે. દર બે દિવસે અહીં અકસ્માત થાય છે. જેમાં નશો જવાબદાર છે. હાઈવે પર બેફામ ખુલેલી હોટલો, દુકાનોમાં નાસ્તાની આડમાં નશાકારક પદાર્થોનં વેચાણ તેમજ જ્યાં જ્યાં ભારે વાહનો ઊભા રહે છે ત્યાં પીવાની વ્યવસ્થા મળી રહે છે. તેવી વ્યાપક ફરિયાદ હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. જો સામાન્ય લોકો સુધી માહિતી હોય તો પછી પોલીસના બાતમીદારો અને ટેકનિકલ સર્વેલન્સને કેમ માહિતી મળતી નથી ? તેવો સવાલ લોકો ઉઠાવી રહ્યા છે. હવે એસએમસી ખાવડા પટ્ટામાં ચકર મારી દારૂ પકડે તે પછી આ બદી બંધ થશે તેવો આક્રોશ લોકો વ્યક્ત કરી રહ્યા છે.

Comments