Trending News
સ્થાનિક સમાચાર

જો જો કચ્છમાં કયાંક ન રોપાય વેર-ઝેરના બીજ

26 June

હાર-જીતનું મનોમંથન જરૂરી પણ બદલાની ભાવનાથી... 




ચૂંટણી પુરી હવે મનદુઃખ પણ કરો સમાપ્ત : ગામના વડીલો, સમાજના મોવડીઓ અને રાજકીય અગ્રણીઓ આગળ આવી પાડે ‘ઘી ના ઠામમાં ઘી’ : અનેક ગામોમાં એક જ પક્ષ, સમાજના આગેવાનો સામ સામે ચૂંટણી લડયા હોઈ પરિણામ બાદ મનમાં બદલાની ભાવનાની ગાંઠ વાળવામાં આવશે તો આગામી સમયમાં ન માત્ર પક્ષ કે સમાજ પરંતુ તમામ ગામ લોકોને પણ આવી શકે ભોગવવાનો વારો : 



નવ નિયુક્ત સરપંચો પણ એક સમાજ કે વર્ગ પુરતા સિમિત ન રહી સમગ્ર ગામનો સર્વાંગી વિકાસ કરવા બને કટિબદ્ધ




ભુજ : કચ્છમાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓ સંપન્ન થઈ જતા ઉત્સુકતા અને રસાકસીભર્યા માહોલ બાદ ૧ર૯ ગ્રામ પંચાયતોને નવા સુકાનીઓ મળી ગયા છે. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં જિલ્લામાં આ વખતે અનેક ગામોમાં મોટી ઉથલપાથલો પણ થતા જીતના પ્રબળ દાવેદારો મનાતા મહારથીઓને પણ હારનો સ્વાદ ચાખવાનો વારો આવ્યો છે. પરિણામો જાહેર થઈ ગયા હોઈ હવે હાર-જીતનું મનોમંથન કરવું જરૂરી છે પરંતુ બદલાની ભાવનાથી શાંતિપ્રિય એવા કચ્છમાં કયાંક વેર-ઝેરના બીજ ન રોપાય તે માટે રાજકીય પક્ષ - સમાજના મોવડીઓ આગળ આવી ‘ઘી ના ઠામમાં ઘી’ પાડે તે ન માત્ર જરૂરી પરંતુ અનિવાર્ય પણ છે.
આ અંગેની વિગતો મુજબ ગ્રામ પંચાયતની રાજકીય પક્ષના બેનર હેઠળ લડવામાં આવતી નથી પરંતુ પાછલા બારણેથી પક્ષો દ્વારા જ પેનલો ઉભી રાખવા, ચૂંટણી પ્રચાર - પ્રસાર તેમજ પોતાની તરફેણનો ઉમેદવાર જીતે તે માટે તમામ પ્રકારનો દોરી સંચાર કરવામાં આવતો હોય છે. કચ્છમાં ૧ર૯ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ હતી, જેમાં સરપંચ અને વોર્ડ સભ્યો મળી ૧૬૬ર ઉમેદવારોએ પોતાનું નસીબ અજમાવ્યું હતું. એક સમયે ગ્રામ પંચાયતોમાં ન માત્ર વોર્ડ સભ્યો પરંતુ સરપંચને પણ વગર ચૂંટણીએ સર્વ સંમતિથી ચૂંટણી લેવામાં આવતા હતા. વર્ષો સુધી આ જ પ્રકારની પ્રણાલી ચાલી આવતી હતી. જો કે, જિલ્લામાં પાછલા બે દાયકા દરમ્યાન ફુંકાયેલા વિકાસના વાયરા તેમજગ્રામ્ય વિસ્તારોમાં જેટ ગતિએ વધેલા ઔદ્યોગીક ધમધમાટને કારણે ગ્રામ પંચાયતો અતિ સમૃદ્ધ બની ગઈ છે. બીજીતરફ સરકાર તરફથી પણ છૂટા હાથે ગ્રાન્ટોની લ્હાણી કરાતી હોઈ સરપંચ બનવા માટે લોકોના મોઢામાંથી રીતસરની લાળ ટપકતી હોય છે. જેના લીધે પક્ષના મોવડીઓની સાથોસાથ જિલ્લા તેમજ તાલુકા પંચાયત ચૂંટણી જીતી ચુકેલાઓ પણ સરપંચ પદ માટે મેદાને ઉતરતા હોય છે. ત્યારે આ વખતની ચૂંટણીમાં જિલ્લામાં એક જ પક્ષ, એક જ સમાજ તેમજ એક પરિવારના સભ્યો પણ અનેક ગામોમાં સામ સામે મેદાનમાં ઉતર્યા હતા. 
જિલ્લાના અનેક ગામોમાં સરપંચ પદની ચૂંટણી પણ પ્રતિષ્ઠાભરી બની ગઈ હતી અને જીત પ્રાપ્ત કરવા માટે લાખો રૂપિયા પાણીની જેમ વહેવડાવાયા પણ હતા. જો કે, અંતે તો લોકશાહી પ્રણાલીમાં મતદારો જ સાચા માઈ-બાપ હોઈ અનેક ખેંરખાઓને ઘર ભેગા કરી પોતાના મન મરજી મુજબના ઉમેદવારને સરપંચ પદનો તાજ પહેરાવ્યો છે. ગઈકાલે જિલ્લામાં ચૂંટણી પરિણામો જાહેર થઈ ગયા બાદ મોટા ભાગની અનેક પંચાયતોમાં આંચકાજનક પરિણામો આવતા અનેકો હોશ ઉડી ગયા છે. મતોનું પોસ્ટમોર્ટમ પણ શરૂ કરી દેવાયું છે. ભૂતકાળની ચૂંટણીઓ પર ડોકીયું કરીએ તો જિલ્લાના અનેક ગામોમાં હાર-જીતના લેખા જોખા ધીંગાણા સુધી પહોંચી ગયાના બનાવો બની ચુકયા છે અને વર્ષો સુધી આ મન મોટાવ રહેતો હોઈ તેનો ભોગ ગ્રામજનોને પણ બનવું પડતું હોય છે. આ પરિસ્થિતિનું પુનરાવર્તન ન થાય તે માટે ચૂંટણી પુરી થયા બાદ હવે મનદુઃખ પણ સમાપ્ત કરવાની નીતિ-રીતિ માટે રાજકીય પક્ષ - સમાજના મોવડીઓ આગળ આવી ‘ઘી ના ઠામમાં ઘી’ પાડે તે જરૂરી છે.  અનેક ગામોમાં એક જ પક્ષ, સમાજના આગેવાનો સામ સામે ચૂંટણી લડયા હોઈ પરિણામ બાદ મનમાં બદલાની ભાવનાની ગાંઠ વાળવામાં આવશે તો આગામી સમયમાં ન માત્ર પક્ષ કે સમાજ પરંતુ તમામ ગામ લોકોને પણ ફરી ભોગવવાનો વારો આવી શકે છે. તો બીજીતરફ નવ નિયુક્ત સરપંચો પણ એક સમાજ કે વર્ગ પુરતા સિમિત ન રહી સમગ્ર ગામનો સર્વાંગી વિકાસ કરવા બને કટિબદ્ધ તે સમયનો તકાજો છે.





........................

કચ્છના વહીવટી તંત્રની ચૂંટણીમાં કાબીલેદાદ કામગીરી


મતદાન અને મત ગણતરીની પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થતા જવાબદારોએ પણ લીધો હાશકારો : ચૂંટણીલક્ષી કામગીરી પૂર્ણ થતા હવે અધિકારી - કર્મચારીઓ પુનઃ રૂટીન કામગીરીમાં પરોવાશે : કચેરીઓ ધમધમવાની સાથે પ્રજાલક્ષી કામોમાં આવશે ગતિ


ભુજ : કચ્છમાં ગ્રામ પંચાયતની ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થતા જવાબદાર અધિકારી - કર્મચારીઓએ રાહતનો શ્વાસ લીધો છે. સામાન્ય રીતે ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન વાદ - વિવાદના બનાવો વધી જતા હોય છે પરંતુ આ વખતે કચ્છમાં આવી કોઈ ઘટના ન બનતા જિલ્લા વહીવટી તંત્રની સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન કામગીરી કાબીલેદાદ રહી છે.
આ અંગેની વિગતો મુજબ રાજ્ય ચૂંટણી દ્વારા ચૂંટણીની જાહેરાત થવાની સાથે જ જિલ્લાનું વહીવટી તંત્ર ચૂંટણીલક્ષી કામગીરી માટે એકશન મોડમાં આવી ગયું હતું. કચ્છ જિલ્લાની ૧૬૬ ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર થઈ હતી. જાહેરનામું પ્રસિદ્ધ થતાની સાથે જ ઉમેદવારી પત્રો ભરવા, ચકાસવા, પરત ખેંચવાની કામગીરી પૂર્ણ થયા બાદ બિનહરીફ અને અંશતઃ બિનહરીફ પંચાયતોની સ્થિતિ સ્પષ્ટ થતા જિલ્લામાં ૧૧૮ ગ્રામ પંચાયતોની સામાન્ય, વિભાજન અને મધ્યસત્ર જયારે ૧૧ ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી યોજાઈ હતી, જે માટે ૧૬૬ર ઉમેદવારો મેદાને રહ્યા હતા. જે બાદ મતદાન કેન્દ્રો નિયત કરવા, સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ મતદાન મથકો તારવવા, પોલીંગ સ્ટાફ, સુરક્ષા કર્મીઓની ડયુટી આપવી, આરોગ્ય કર્મચારીઓની ફાળવણી, વાહનોની ફાળવણી સહિતની અગત્યની કામગીરી હાથ ધરાઈ હતી. રવિવારે જિલ્લાના ર૮૮ મતદાન મથકો પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા સંપન્ન થઈ હતી. મતદાન પૂર્ણ થયા બાદ આંકડાઓ એકત્રીત કરવા, મત પેટીઓને તમામ તાલુકા મથકોના સ્ટ્રોંગ રૂમ સુધી પહોંચાડવા માટે ચૂંટણી કામગીરીમાં રોકાયેલા અધિકારી - કર્મચારીઓ વહીવટી સાથે સતત સંકલનમાં રહીને સુચારૂ ઢબે કામગીરી કરી હતી. રપમીએ જિલ્લાના નવ તાલુકા મથકોએ મત ગણતરી પ્રક્રિયા હાથ ધરાઈ હતી. બેલેટ પેરથી મતદાન થયું હોવાના લીધે મોડી રાત્રી સુધી મત ગણતરીનો ધમધમાટ જોવા મળ્યો હતો. તંત્ર દ્વારા આયોજનબદ્ધ રીતે કામગીરી હાથ ધરાઈ હોઈ મત ગણતરી પ્રક્રિયામાં પણ કયાંય વાદ - વિવાદ સર્જાયા હતા. એકંદરે કચ્છ કલેકટર આનંદ પટેલ, પૂર્વ કચ્છ પોલીસવડા સાગર બાગમાર, પશ્ચિમ કચ્છ પોલીસવડા વિકાસ સુંડાના માર્ગદર્શન તળે તમામ પ્રાંત અધિકારી, મામલતદારો, તાલુકા વિકાસ અધિકારી, નાયબ મામલતદારો, શિક્ષકો, આરોગ્ય કર્મીઓ, પોલીસ કર્મીઓએ કરેલી કાબીલેદાદ કામગીરીને પગલે ગ્રામ પંચાયતની ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ છે.અત્રે ઉલ્લેખનીય છે કે, તમામ પ્રક્રિયા નિર્વિધ્નરૂપે પૂર્ણ થઈ છે. મતદાન અને મત ગણતરીની પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થતા જવાબદારોએ પણ હાશકારો લીધો છે. ચૂંટણીલક્ષી કામગીરી પૂર્ણ થતા હવે અધિકારી - કર્મચારીઓ પુનઃ રૂટીન કામગીરીમાં પરોવાઈ જતા કચેરીઓ ધમધમવાની સાથે પ્રજાલક્ષી કામોમાં હવે ગતિ જોવા મળશે.

Comments

COMMENT / REPLY FROM