માંડવીમાં આધાર-પુરાવા વગરનું ર૬ કિલો ચાંદી પકડાયું
સુરત અને રાજસ્થાનના ત્રણ શખ્સો ઝડપાયા, માલ સોની બજારમાં વેચવા આવ્યા હતા
ભુજ : બંદરીય શહેર માંડવીમાં આધાર પુરાવા વગરનું ર૬ કિલો ચાંદી પકડાયું હતું. આ સાથે ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. ભુજ એલસીબીના ઈન્ચાર્જ પીઆઈ એચ.આર.જેઠી અને પીએસઆઈ જે.બી. યાદવના માર્ગદર્શનમાં પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમી મળી કે, માંડવી આઝાદ ચોકમાં ગ્રે કલરની રાજસ્થાન પાર્સિંગની સ્વિફટ ગાડી નં.આરજે ર૪ - સીએ - ૪૮૯૯ ઊભી છે અને તેમાં આધાર-પુરાવા વગરનું ચાંદી છે. જેથી દરોડો પાડી સુરતના કાર્તિક રમેશભાઈ સોની, કીર્તિભાઈ સુરેશભાઈ સોની અને રાજસ્થાનના કરણસિંહ મોહનસિંહ રાજપૂતની અટક કરવામાં આવી હતી. તેઓના કબજામાં રહેલા રપ કિલો ૯૦૦ ગ્રામ ચાંદીના અલગ અલગ દાગીના બાબતે આધાર-પુરાવા માંગતા બિલ રજૂ કરી શક્યા ન હતા. જેથી રર, ૬૬,૩૦૦ નું ચાંદી કબજે કરવામાં આવ્યું હતું. મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સામાન્ય રીતે ભુજમાં રહેતા ઈસમો દ્વારા દેશભરમાં સસ્તા સોનાના નામે લોકોને ભુજ કે માંડવી બોલાવી ઠગાઈ કરવામાં આવતી હોય છે ત્યારે બહાર ગામથી માંડવીમાં ચાંદી વેચવા આવેલા શખ્સો પકડાયા હતા. ખરેખર આ ચાંદી કાયદેસર હતું કે, ચોરાઉ તે સહિતની દિશામાં તપાસ હાથ ધરવામાં
આવી છે.

Comments