ભારત સરકાર દ્વારા દર વર્ષે ૨૫ જૂનને ‘સંવિધાન હત્યા દિવસ’ તરીકે મનાવવાનું નક્કી કરાયું
કટોકટીમાં અત્યાચારોનો ભોગ બનેલા તમામ લોકોના યોગદાનને યાદ કરાશે : કટોકટીના ૨૧ મહિનાઓ દરમિયાન સર્જાયેલી વિષમ પરિસ્થિતિ વિશે રૂબરૂ કરાવતા ભુજના ઉપેન્દ્રભાઇ ઉપાધ્યાય
ભુજ : ભારતમાં ૨૫ જૂન ૧૯૭૫ થી ૧૯૭૭ સુધી ૨૧ મહિનાનો સમયગાળો ઇતિહાસનો કાળો દિવસ છે. તત્કાલીન સરકારે આંતરિક અને બાહ્ય જોખમોનો ઉલ્લેખ કરીને સમગ્ર દેશમાં કટોકટીની સ્થિતિ જાહેર કરી હતી, જેના કારણે ભારતીય લોકશાહીના તમામ હક્કોનું હનન થયું હતું. નાગરિકોના મૂળભૂત અધિકારોના પરના આ વજ્રાઘાત સમાન આ કટોકટીના સમયગાળાએ તત્કાલીન સરકારે અસાધારણ સત્તાઓનો ઉપયોગ કરીને નાગરિક અધિકારો અને રાજકીય વિરોધ પર ભારે કાર્યવાહી શરૂ કરી હતી. ઉપરાંત તત્કાલીન સરકારે દેશભરમાં પોલીસ દળોનો ઉપયોગ કરીને હજારો વિરોધીઓ અને નેતાઓને અટકાયતમાં રાખ્યા હતા ત્યારે કટોકટી સમયની પરિસ્થિતિના સાક્ષી રહેલા ઉપેન્દ્રભાઇ ઉપાધ્યાય તે સમયની પીડાદાયક પરિસ્થિતિનું તાદૃશ વર્ણન કરતા જણાવે છે કે, આ કાળી ટીલ્લી સમાન ઘટનાએ ભારતના રાજકીય, સામાજિક અને આર્થિક જીવન પર ઊંડી અસર પાડી હતી જેને કયારે ભુલી શકાશે નહી.
કચ્છના ભુજ શહેરના વતની ઉપેન્દ્રભાઇ ઉપાધ્યાય ભૂતકાળને યાદ કરતા જણાવે છે કે, તે સમયે હું ૨૦ વર્ષનો હતો, ભુજની લાલન કોલેજમાં અભ્યાસ કરતો હતો. કટોકટીની ઘોષણા સાથે નાગરિકોના મૂળભૂત અધિકારો, ખાસ કરીને વાણી સ્વતંત્રતા, સભાઓનું આયોજન અને ન્યાયિક પ્રક્રિયાનો અધિકાર સ્થગિત કરવામાં આવતા લોકશાહી પડી ભાંગી હતી. રાજકીય પક્ષો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. કટોકટીની ઘોષણા અને બંધારણમાં સુધારા સામે અસંમતિ દર્શાવનારાઓની ધરપકડ કરવામાં આવી અને તેમને અટકાયતમાં રાખવામાં આવ્યા. વિરોધ પક્ષોના સભ્યોની પણ ધરપકડ કરવામાં આવી હતી.
કચ્છ જિલ્લાની વાત કરતાં તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, કટોકટી દરમિયાન ગુજરાતમાં રાજકીય ઉથલપાથલનો માહોલ હતો. ૧૯૭૪માં ગુજરાતમાં નવનિર્માણ આંદોલનની અસરથી રાજકીય અસ્થિરતા સર્જાઈ હતી. વિદ્યાર્થીઓએ એટલેથી જ સંતોષ નહિ માની લેતાં વિધાનસભાનું પણ વિસર્જન કરાવ્યું હતું. કટોકટીની ઘોષણા સાથે ૨૬ જૂન ૧૯૭૫થી ગુજરાતમાં અનેક નેતાઓ પર કડક પગલાં લેવામાં આવ્યાં. કચ્છની વાત કરીએ તો રાજ્યસભાના સભ્ય એવા અનંતભાઇ દવે, નાનાલાલ ગોર, મંગલભાઇ માહેશ્વરી સહિતના આગેવાનો તેમજ હાલમાં વિમાન અકસ્માતમાં મોતને ભેટેલા ગુજરાત રાજ્યના ભૂતપુર્વ મુખ્યમંત્રી સ્વ.વિજયભાઇ રૂપાણી કે જેઓના વિદ્યાર્થીકાળમાં તેઓની રાજકોટ ખાતેથી ધરપકડ કરીને તેને ભુજની જેલમાં મહિનાઓ સુધી રાખવામાં આવ્યા હતા. એ સમયે અખબારો પર સેન્સરશીપ લાગુ હતી. કોઇપણ સમાચાર છાપતા પહેલા જવાબદાર અમલદારોને દર્શાવી તેને મંજૂરી લઇને પ્રકાશિત કરી શકાતા હતા. આમ લોકશાહીની સંપૂર્ણ હત્યા કરવામાં આવી હતી તેમ કહેવું જરાપણ વધુ નથી. કટોકટીના ૨૧ મહિનામાં તત્કાલીન સરકારે અનેક રીતે દમનશાહીનો ઉપયોગ કરીને તમામ અધિકારો છીનવી લીધા હોવાનું જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત સરકારનાં સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા ઇસ.૧૯૭૫માં અમલી બનેલી કટોકટીનાં ૫૦ વર્ષ પૂર્ણ થયાંના સંદર્ભમાં લોકશાહીનાં મૂલ્યોનું સ્મરણ કરવાનાં હેતુથી ‘સંવિધાન હત્યા દિવસ’ની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. લોકશાહીને પુનર્જીવિત કરવા માટે પીડાઓ સહન કરનારા લોકશાહીનાં સંરક્ષકોના વિશાળ યોગદાનની યાદ આ દિવસ અપાવશે.
--------

Comments