સરકાર વ્હારે આવતાં ગાંધીધામની બે વર્ષની બાળકીને જન્મજાત હૃદયની ગંભીર બીમારી સામે મળ્યું નવજીવન
આરબીએસકે યોજના હેઠળ કુમળા બાળકોની દરકાર લેતી સરકાર
ગાંધીધામ : કેન્દ્ર અને ગુજરાત સરકારે રાજ્યના બાળકોના આરોગ્યની હંમેશાં ચિંતા કરી છે, કારણ કે આ બાળકો જ આવતીકાલના ભારતનું ભવિષ્ય છે. બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને અમલી કરાયેલી રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ યોજના અન્વયે દર વર્ષે રાજ્યના સેંકડો બાળકોની આરોગ્ય તપાસ કરી બાળકોની સ્વાસ્થ્ય સમસ્યાઓની સમયસર ઓળખ, નિદાન અને સારવાર કરવામાં આવે છે. આ યોજનાના પરિણામે અનેક બાળકોને ગંભીર બીમારીમાંથી જીવનદાન મળ્યું છે. એવા જ કચ્છ જિલ્લાના ગાંધીધામના રહેવાસી અજયભાઈની લાડકી દીકરી લક્ષ્મીને પણ આ યોજના થકી નવજીવન મળ્યું છે.
કચ્છના ગાંધીધામમાં ખારીરોહર વિસ્તારમાં રહેતાં, સામાન્ય નોકરી કરતાં અજયભાઈ ડાભીને ત્યાં વર્ષ ૨૦૨૩માં લક્ષ્મીનો જન્મ થયો હતો. ખિલખિલાટ કરતી લક્ષ્મી અચાનક ગુમસુમ રહેવા લાગી, કુમળા બાળકીના ચહેરા પરની રોનક અચાનક જ નિસ્તેજ બનતાં અજયભાઈ અને અરુણાબેનને ચિંતા થવા લાગી. તેથી બાળકીને કોઈ તકલીફ છે એવું વિચારીને તેઓ બાળકીને હોસ્પિટલે તપાસ માટે લઈ ગયાઈ દૂર્ભાગ્યે જાણવા મળ્યું કે લાડકી દિકરીને હદયમાં ત્રણ ત્રણ કાણાં હતાં. સામાન્ય પરીવારમાં રહેતાં અજયભાઈને આ ઓપરેશનનો ખર્ચો કેમ કાઢવો તે વિચારોથી રાત-દિવસની ઊંઘ ઊડી ગઈ, પરંતુ પરિવાર પર જ્યારે આ મુશ્કેલી આવી ત્યારે સરકારે બાળકીના વાલી બનીને રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ થકી તેની સંભાળ લીધી હતી. અજયભાઈ જણાવે છે કે, ગાંધીધામની આરબીએસકે ટીમ દ્વારા તેમને મદદ કરવામાં આવી હતી. વધુમાં તેઓ જણાવે છે કે, અહીંની તપાસ બાદ મારી દીકરીને અમદાવાદની યુ. એન. મહેતા હોસ્પિટલમાં રીફર કરવામાં આવી હતી. જ્યાં અમને તારીખ આપવામાં આવી હતી, તે બાદ સીટીસ્કેન કરીને એક અઠવાડીયાના સમય બાદ બાળકીની હૃદય રોગની બીમારીનું સફળ ઓપરેશન અમદાવાદની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. હાલ મારી લક્ષ્મી સ્વસ્થ છે, ફરી હસતી રમતી થઈ છે.
-----

Comments