ભુજની વ્હાઇટ હાઉસ પબ્લિક સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઈ
ભુજ : શહેર ખાતે સ્થિત વ્હાઇટ હાઉસ પબ્લિક સ્કૂલ બાળકોના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખી અને સતત પ્રયત્નશીલ રહે છે ત્યાં બાળકોના અભ્યાસ પ્રત્યે ખૂબ જ ઉંડાણપૂર્વક ધ્યાન આપી અને બાળકોના વિકાસને આગળ વધવા માટે સતત મહેનત કરતી રહે છે સાથે સાથે તે સહઅભ્યાસિક પ્રવૃત્તિને પણ એટલું જ પ્રાધાન્ય આપે છે, જેનાથી બાળક દરેક ક્ષેત્રેઆગળ વધી અને પોતાનું પોતાના પરિવારનું અને સમાજનું નામ રોશન કરી શકે છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ, ૨૧ જૂન, ૨૦૨૫ ના રોજ ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં યોગના ફાયદાઓ અને તેના મહત્વ વિશે જાગૃતિ લાવવાનો હતો.
આ કાર્યક્રમ સવારે શાળાના વિશાળ મેદાનમાં શરૂ થયો હતો. શાળાના આચાર્ય દીપેન વૈદ્યએ સ્વાગત પ્રવચન આપ્યું હતું અને યોગના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે, યોગ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે કેટલો જરૂરી છે અને તે કેવી રીતે એક સ્વસ્થ જીવનશૈલી અપનાવવામાં મદદ કરે છે. ત્યારબાદ શાળાના શારીરિક શિક્ષણના શિક્ષકના માર્ગદર્શન હેઠળ યોગસત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. ધોરણ ૧ થી ૧૨ના વિદ્યાર્થીઓ અને શાળાના તમામ શિક્ષકોએ આ યોગસત્રમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.
સત્રની શરૂઆત પ્રાર્થના અને વોર્મ-અપ કસરતોથી થઈ હતી. ત્યારબાદ સૂર્ય નમસ્કાર, તાડાસન, વૃક્ષાસન, ભુજંગાસન, સવાસન જેવા વિવિધ આસનોનું પ્રદર્શન અને અભ્યાસ કરાવવામાં આવ્યો હતો. પ્રશિક્ષકે દરેક આસન કેવી રીતે કરવું અને તેના ફાયદા શું છે તે વિશે વિગતવાર સમજાવ્યું હતું. વિદ્યાર્થીઓએ ધ્યાનપૂર્વક સૂચનાઓનું પાલન કર્યું હતું અને યોગ ક્રિયાઓ કરી હતી. આ સત્રમાં પ્રાણાયામ (જેમ કે અનુલોમ-વિલોમ અને ભ્રામરી) અને ધ્યાનનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો, જેણે સહભાગીઓને શાંતિ અને આંતરિક સુખાકારીનો અનુભવ કરાવ્યો હતો.
કાર્યક્રમના અંતે આચાર્યે ફરી એકવાર યોગના દૈનિક અભ્યાસના ફાયદાઓ પર ભાર મૂક્યો હતો અને વિદ્યાર્થીઓને તેમના દૈનિક જીવનમાં યોગને અપનાવવા પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે યોગ પ્રશિક્ષકો, શિક્ષકો અને વિદ્યાર્થીઓનો આભાર માન્યો હતો. આ ઉજવણી વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે એક પ્રેરણાદાયક અનુભવ હતો. તે માત્ર શારીરિક કસરત પૂરતું સીમિત નહોતું, પરંતુ તે મન અને આત્માને શાંતિ અને નવી ઊર્જા પ્રદાન કરનારું હતું. શાળા ભવિષ્યમાં પણ આવા સ્વાસ્થ્યવર્ધક કાર્યક્રમોનું આયોજન કરવા પ્રતિબદ્ધ છે. શાળાની આવી શારીરિક પ્રવૃત્તિ બદલ આચાર્યનો આભાર માનવામાં આવ્યો હતો. શાળાના ચેરમેન ગોપાલભાઈ ગોરસિયાએ આ કાર્યકમ બદલ બધાને અભિનંદન આપ્યા હતા.
------

Comments