Trending News
સ્થાનિક સમાચાર

કેરા પાસે એસએમસીનો દરોડો : કટીંગ થતો લાખોનો દારૂ પકડાયો 

22 June



આજે સવારે થઈ કાર્યવાહી : અંદાજે ૮૦૦ પેટી દારૂ પકડાયો હોવાની ચર્ચા : સ્થળ પરથી ટ્રક, ટેમ્પો, સ્કોર્પિયો સહિતના વાહનો કબજે કરાયા : ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પોલીસની વ્યસ્તતાનો લાભ લેવા બૂટલેગરોએ ઉતાર્યો દારૂ 



ભુજ : પશ્ચિમ કચ્છ જિલ્લામાં દારૂની બદી વધી હોવાની ચર્ચાઓ વચ્ચે ફરી એક વખત એસએમસીની ટુકડીએ દરોડો પાડી લાખોનો દારૂ ઝડપી પાડ્યો છે. ભુજ તાલુકાના માનકૂવા પોલીસ સ્ટેશનની હદમાં આવતા કેરા ગામે આજે સવારે કટીંગ ચાલુ હતું ત્યારે એસએમસીએ દરોડો પાડી દારૂ પકડ્યો હતો. આ લખાય છે ત્યારે ગણતરી ચાલુમાં હોવાથી વધુ વિગતો પ્રાપ્ત થઈ નથી પરંતુ ૮૦૦ પેટી દારૂ હોવાની ચર્ચાઓ સંભળાઈ રહી છે. એક તરફ આજે ગ્રામ્ય વિસ્તારોમાં ચૂંટણીનો માહોલ છે. સૌ કોઈ પોતાના ગ્રામ્ય સુકાનીને પસંદ કરવા માટે મતદાન કરી રહ્યા છે તે પહેલા કેરા ગામે આજે સવારે દારૂની મોટી ખેપ ઉતરી હતી. દારૂનું ખુલ્લા મેદાનમાં કટીંગ કરવામાં આવી રહ્યું હતું ત્યારે જ પોલીસ પહોંચી અને દારૂ ઝડપી પાડ્યો હતો. વિવિધ ગ્રામ્ય મતદાન મથકોમાં રાતથી જ ચૂંટણીને લઈને પોલીસ બંદોબસ્ત હોવા છતા કેરા પાસે દારૂના કટીંગની સ્થાનિક પોલીસને બાતમી ન મળી તે ચર્ચાતો સવાલ છે. સ્થળ પરથી એક ટ્રક, સ્કોર્પિયો, આઈસર ટેમ્પો તેમજ ૮૦૦ પેટી દારૂ કબજે કરાયો હોવાની બિન સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ છે. આ સાથે ૧૩ જેટલા મજૂરોને પણ ઝડપી લેવામાં આવ્યા હતા. જોકે, બૂટલેગર હાજર મળી આવ્યો નથી. 
ઉલ્લેખનીય છે કે, માનકૂવા પોલીસ સ્ટેશનની હદમાં બે મહિનામાં એસએમસીની આ બીજી રેડ છે. અગાઉ પણ દારૂ પકડાયો હતો. એક મહિના પૂર્વે ર૩ તારીખે વડાપ્રધાન મોદીની કચ્છ મુલાકાત પહેલાં માંડવીના ત્રગડી ગામે પણ કટીંગ થતું હતું ત્યારે એસએમસીએ દરોડો પાડી ૮૩.૭૮ લાખનો દારૂ પકડ્યો હતો ત્યારે આરોપીઓ ભાગી જવામાં સફળ રહ્યા હતા. ફરજમાં બેદરકારી સંદર્ભે માંડવી મરીનના પીઆઈ અને જમાદારને સસ્પેન્ડ કરવા સાથે એલસીબી પીઆઈને સાઈડલાઈન કરી પીએસઆઈને ચાર્જ આપવામાં આવ્યો હતો. જેના ટુંકાગાળામાં જ આ બીજી રેડ છે ત્યારે આઈજી અને એસપી દ્વારા હવે કોની સામે પગલાં લેવામાં આવશે તેવી ચર્ચાઓ તેજ બની છે. 
નોંધનીય છે કે, ત્રગડીની કાર્યવાહીમાં મુખ્ય બૂટલેગર હજુ પણ પકડાયો નથી ત્યાં હવે કેરા ગામે લિસ્ટેડ બૂટલેગરનો દારૂ પકડાયો છે પરંતુ બૂટલેગર ક્યારે ગિરફતમાં આવશે તે સવાલ ચર્ચાના 
એરણે છે. 




...............

‘પુના’નો માલ હોવાની ચર્ચા, અનોપે કર્યું કટીંગ


જાણકાર સૂત્રો જણાવે છે કે, આ માલ પુનાનો હોવાની શક્યતા છે. પુના પર પોલીસે ધ્યાન કેન્દ્રીત કરતા કેરા-ગજોડના અનોપને હવાલો આપી તેની વાડી નજીક કટીંગ કરવામાં આવતું હતું. અગાઉ પણ અનેક વખત આ બૂટલેગરનો દારૂ પકડાઈ ચૂક્યો છે. પોલીસની સાંઠગાંઠ વિના કોઈપણ બૂટલેગર ધંધાનો ફેલાવો કરી શકે નહીં. આ કાર્યવાહીમાં મુખ્ય બૂટલેગરના નજીકના માણસો પકડાયા હોવાની પણ ચર્ચા છે. 

 

Comments

COMMENT / REPLY FROM