Trending News
સ્થાનિક સમાચાર

કચ્છમાં ગ્રામ્ય સંસદની ચૂંટણીમાં શાંતિપૂર્ણ મતદાન

22 June



કચ્છના નવ તાલુકાઓમાં ૧ર૯ ગ્રામ પંચાયતોના ર૮૮ મતદાન મથકો પર ચુસ્ત બંદોબસ્ત વચ્ચે લોકશાહીના મહાયજ્ઞમાં મતદારો આપી રહ્યા છે મતરૂપી આહૂતિ



ભુજ : કચ્છ જિલ્લાના આજે લોકશાહીના મહાપર્વ સમાન ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે મતદાનની પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. કચ્છના નવ તાલુકાઓમાં ૧ર૯ ગ્રામ પંચાયતોમાં ગ્રામિણ મતદારો પોતાના સુકાની અને સભ્યોની વરણી માટે મતદાન કરી રહ્યા છે.
આજે સવારથી જ કચ્છના ગ્રામ્ય વિસ્તારોમાં મતદાનનો ધમધમાટ જોવા મળ્યો હતો. સવારે વરસાદી માહોલ વચ્ચે મતદારો પોતાના બંધારણીય અધિકારનો ઉપયોગ કરવા મતદાન મથકો પર પહોંચ્યા હતા. ખાસ કરીને ભુજ તાલુકાના માધાપર, અંજારના રતનાલ, મુંદરા તાલુકાના ભદ્રેશ્વર, દેશલપર, નખત્રાણા તાલુકાના વિથોણ, સુખપર (રોહા), સાયરા જેવા મોટા ગ્રામ્ય વિસ્તારોમાં ચૂંટણીનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
કચ્છના નવ તાલુકાઓમાં કુલ્લ ર૮૮ મતદાન મથકો પર ચુસ્ત બંદોબસ્ત સાથે સવારે મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થયો હતો. કચ્છના ૧.૧૭ લાખ સ્ત્રી મતદારો, ૧.ર૦ લાખ પુરૂષ મતદારો સહિત કુલ્લ ર.૩૮ લાખ મતદારો ૧૬૦૦ થી વધુ ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરી રહ્યા છે. આ ઉપરાંત પેટા ચૂંટણીઓમાં સરપંચ અથવા વોર્ડ સભ્યની ચૂંટણી માટે પણ શાંતિપૂર્ણ મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. ગ્રામીણ વિસ્તારોમાં મતદાન મથક આસપાસ લોકો ચૂંટણી અંગેની ચર્ચાઓ કરતા જોવા મળ્યા હતા. તો ચૂંટણીમાં ભાગ્ય અજમાવનાર ઉમેદવારો મતદારોને મતદાન મથક સુધી લઈ જવા દોડતા નજરે ચડયા હતા. આજે સાંજે મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ બુધવારે મત ગણતરી હાથ ધરાશે.
દરમિયાન જિલ્લા તંત્ર દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે સવારે ૭ થી ૯ વાગ્યા સુધીમાં કચ્છમાં ૧૧.૩૧ ટકા મતદાન થયું હતું. કુલ ૧૧૮ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદાન થઈ રહ્યું છે. જ્યારે પેટા ચૂંટણીમાં ૮.૬૧ ટકા મતદાન થયું હતું. સવારે વરસાદી માહોલના કારણે થોડી ઘણી અસર વર્તાઈ હતી. જોકે, ૯ વાગ્યા પછી વરસાદની અસર ન રહેતા મતદાન મથકોએ લોકોની ભીડ જોવા મળી હતી. ખાસ કરીને બપોરના સમયે લાઈનો પણ લાગી હતી. પોતાના ગ્રામ્ય સુકાની પસંદ કરવા માટે વિવિધ ગામડાઓમાં આજે સવારથી ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 

Comments

COMMENT / REPLY FROM