ભુજના આર.ડી.વરસાણી કુમાર વિદ્યાલય ખાતે શૈક્ષણિક જ્ઞાનભવનનું લોકાર્પણ
કચ્છી લેવા પટેલ એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટ સંચાલિત શાળામાં દાતા ધનજીભાઈ વરસાણીના સહયોગથી છાત્રોની સુવિધામાં નવું સોપાન ઉમેરાયું
ભુજ : જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે શિરમોર સમાન કચ્છી લેવા પટેલ એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટ સંચાલિત માતૃશ્રી આર.ડી. વરસાણી કુમાર વિદ્યાલય ખાતે શૈક્ષણિક જ્ઞાનભવવનું લોકાર્પણ કરાયું હતું. સમાજના ભામાશા તરીકે ઓળખાતા દાતા ધનજીભાઈ કરસનભાઈ વરસાણી (દરબાર) દ્વારા શૈક્ષણિક જ્ઞાનભવનના નિર્માણ માટે રૂા.બે કરોડનું માતબર દાન અપાયું હતું. વિદ્યાર્થીઓની સુવિધામાં વધુ એક સોપાન ઉમેરાયું છે.
કચ્છી લેવા પટેલ એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટના હોદ્દેદારોએ આ તકે દાતાશ્રીની ઉદારતાની સરાહના કરી હતી. દાતા ધનજીભાઈ હંમેશા સમાજના કોઈપણ ધાર્મિક, સામાજિક કે આરોગ્ય લક્ષી કાર્યોમાં સક્રિય યોગદાન આપતા રહ્યા છે. લેવા પટેલ સમાજ જ નહીં અન્ય સમાજો માટે પણ તેમણે દાન આપવામાં ક્યારેય પાછી પાની કરી નથી. તેમના માતબર અનુદાનથી ભુજની શાળામાં માતૃશ્રી વેલબાઈ ધનજીભાઈ કરસન વરસાણી (દરબાર) શૈક્ષણિક જ્ઞાનભવનને લોકાર્પિત કરાયું હતું. આ અવસરે કચ્છી લેવા પટેલ સમાજના પ્રમુખ વેલજીભાઈ પીંડોરિયા, દાતા કે.કે. પટેલ, કચ્છી લેવા પટેલ એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટના અધ્યક્ષ ગોપાલભાઈ ગોરસિયા, કેશરાભાઈ પીંડોરિયા, અરજણભાઈ પીંડોરિયા, માંડવી સમાજના પ્રમુખ માવજીભાઈ પટેલ વગેરે ઉપરાંત સમાજના આગેવાનો, શાળા પરિવાર અને શિક્ષણવિદો ઉપસ્થિત રહ્યા હતા. સંકલન વસંતભાઈ પટેલે કર્યું હતું.

Comments