કચ્છના સહકારી ક્ષેત્રમાં હડકંપ : સરહદ ડેરી સંચાલિત ૮૦થી વધુ સુચિત મંડળીઓ બંધ કરવા નોટીસ
જિલ્લાના સહકારી ક્ષેત્રમાં સરકારના આકરા તેવરથી હલચલ : ૧૪ સૂચિત મંડળીઓ બંધ કરાયાની ચર્ચા : સહકારી મંડળીઓના નિયમોના ઉલ્લંઘન સામે સરકારની લાલઆંખ : જિલ્લા સહકારી મંડળીઓના રજીસ્ટ્રાર, દુધ સંઘ ઓડીટના અધિકારીઓની ભૂમિકા પણ શંકાના દાયરામા
સરહદી ડેરીના શ્રી વલમજી હુંબલ તથા નીરવભાઈએ ફોન ઉપાડવાની તસ્દી ન લેતા તેમની પ્રતિક્રીયા જાણવી રહી વિફળ
’
ભુજ : કચ્છ જિલ્લામાં ખુબ જ વિકસીત થયેલા સહકારી માળખામાં ભારે ખળભળાટ મચી ગયો છે. કચ્છ જિલ્લામાં સૂચિત દૂર મંડળીઓમાં થતો ભ્રષ્ટાચાર રાજય સરકારને ધ્યાને આવતા સરકારે લાલઆંખ કરી હોવાનુ માનવામા આવી રહ્યું છે. આ મામલે આંતરીક રીતે થતી ચર્ચાઓ અનુસાર કચ્છ જિલ્લામાં સરહદ ડેરી સંચાલિત ૮૦ થી વધુ સૂચિત મંડળીઓને બંધ કરવાની નોટીસ અપાતા જિલ્લાના સહકારી ક્ષેત્રમાં હડકંપ મચી ગયો છે. સરકારના આદેશને પગલે અત્યાર સુધીમાં ૧૪ મંડળીઓને બંધ કરી દેવામાં આવી હોવાનું પણ ચર્ચાવવા પામી રહ્યું છે.
આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર કચ્છમાં પશુપાલનના વ્યવસાયનો ખુબ વિકાસ થયો છે. જિલ્લામાં ડેરી ઉદ્યોગના આગમન બાદ પશુપાલકો અને માલધારીઓનું જીવન સ્તર સુધર્યું છે. સાથે જ ડેરી ઉદ્યોગ ક્ષેત્રે સહકારી મંડળીઓની રચના થતા જિલ્લામાં શ્વેતક્રાંતિના મંડાણ થયા હતા. જો કે કચ્છ જિલ્લામાં સૂચિત દૂધ ઉત્પાદક મંડળીઓમાં ભ્રષ્ટાચાર થતો હોવાની ફરિયાદો રાજય સરકાર સુધી પહોંચી છે. કચ્છમાં ગામમાં એકથી વધુ દુધ ઉત્પાદક સહકાર મંડળીઓના નિયમનું ઉલ્લંઘન થયું હોવાની ફરિયાદો પહોચં હોવાનુ ચર્ચાય છે. દુધ ઉત્પાદક સહકારી મંડળીઓમાં સરહદ ડેરીની બેવડી નીતિ સામે સરકારે લાલઆંખ કરવાની શરૂઆત થઈ હોાવનો વર્તારો પણ જોવાઈ રહ્યો છે.
ગામમાં નોંધાયેલ સહકારી દુધ મંડળી સિવાયની સૂચિત મંડળીઓમાં ઓડીટ થતું ન હોવાથી સરકારે જિલ્લાની ૮૦ થી વધુ સૂચિત મંડળીઓને બંધ કરવા નોટીસ પાઠવી હોવાનુ ચર્ચાય છે. સરહદ ડેરી દ્વારા નિયમોની ઉપરવટ જઈ ગેરકાયદેસર સૂચિત દુધ મંડળીઓ શરૂ કરી હોવાનું મનાય છે. અને જેમાં કચ્છ જિલ્લા સહકારી મંડળીઓના રજીસ્ટ્રાર, દુધ સંઘ ઓડીટના અધિકારીઓની ભૂમિકા પણ શંકાના દાયરામાં જોવાઈ રહી છે. સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર સરકારે કડક વલણ અખત્યાર કરતા અત્યાર સુધી કચ્છમાં ૧૪ જેટલી સૂચિત મંડળીઓના વાવટા સમેટી લેવામાં આવ્યા છે. આવનાર દિવસોમાં કેટલીક વધુ સૂચિત મંડળીઓ બંધ થશે તેવું જાણવા મળી રહ્યું છે. આ અંગે સરહદ ડેરીના ચેરમેન અને અમુલ ફેડરેશનના વાઈસ ચેરમેન વલમજીભાઈ હુંબલનો પ્રતિભાવ જાણવાનો પ્રયાસ વિફળ રહ્યો હતો. તો વળી નીરવભાઈના ફોનની પણ ઘંટડીઓ જ રણકતી રહી હોવાથી તેઓ પાસેથી પણ પ્રતિક્રીયા જાણી શકાઈ ન હતી.
.

Comments