સસ્તામાં સોનું મેળવવા માટે રાજસ્થાનના યુવાને ભુજમાં ૬૦ લાખ ગુમાવ્યા
નાગોર રોડ પર આવેલા ફાર્મહાઉસમાં બેઠક કરી રૂપિયા પડાવી સોનું ન આપ્યું : ડિજિટલ માર્કેટીંગનું કામ કરતા યુવાને ત્રણ ચીટરો સામે બી-ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી
ભુજ : સસ્તામાં સોનાના નામે ભુજના ચીટરોએ રાજસ્થાનના યુવાનને ૬૦ લાખમાં નવડાવી દીધો છે આ બાબતે ફરિયાદ થઈ છે. રાજસ્થાનના શ્રીગંગાનગરમાં રહેતા અને ડિજિટલ માર્કેટીંગ કરતા ફરિયાદી ઉમેશ લલીતકુમાર શર્માના જણાવ્યા પ્રમાણે ર૦ર૪ ના એપ્રિલ મહિનામાં સંબંધી ઘરે આવ્યા ત્યારે મારા ઓળખીતા કસ્ટમ અધિકારી ભુજમાં છે. તેમની પાસેથી સસ્તામાં સોનું મળશે તેમ કહ્યું હતું. ભાઈઓના લગ્ન પ્રસંગે સોનાની જરૂરિયાત હોવાથી જુલાઈ મહિનામાં તેઓ ભુજ આવ્યા અને સોનું સિંધી નામ ધારણ કરનાર વ્યક્તિએ પોતાની ઓળખ કસ્ટમ અધિકારી તરીકે આપી હતી. તેણે હાલ દુબઈ હોવાનું કહ્યું હતું. ઓગસ્ટ મહિનામાં તે આવી ગયાનો મેસેજ કર્યો અને ભુજ બોલાવ્યા હતા. બજાર કિંમત કરતા આઠ ટકા ઓછા ભાવે સોનું આપવાની વાત કરવામાં આવી હતી. એક કિલો સોનાના ૬૭ લાખ નક્કી કર્યા હતા. ફરિયાદીએ મકાન પર લોન લીધી અને મિત્રો પાસેથી ઉછીના લઈ ૬૭ લાખ રૂપિયા લઈને ભુજ આવ્યો હતો. ૧પ ઓગસ્ટના માધાપરની હોટલમાં રોકાયા અને સોનુ સિંધીના બે માણસો મહેશ અને મુન્નો આવ્યા અને ફરિયાદીને સોનુના નાગોર રોડ પર મહિલા મદરેસાની પાછળ આવેલ ફાર્મહાઉસમાં લઈ ગયા હતા. ૬૭ લાખ રૂપિયા આપ્યા ત્યારે આરોપીઓએ કહ્યું કે, અમારું સોનું હાલ પોર્ટ પર છે અને લાવવો મુશ્કેલ છે. ૧પ દિવસ પછી આપીશ જેથી ફરિયાદી વતનમાં ગયા અને ત્રણ સપ્ટેમ્બરના ફરી આવ્યા અને ફાર્મહાઉસ પર ગયા ત્યારે આરોપીઓએ અમારું બધું સોનું પોલીસે કબજે કરી લીધેલ છે અને જો તમારે સોનું જોઈતો હોય તો બે કરોડ માંગ્યા હતા. ફરિયાદી વધુ રૂપિયાની આપવાની ના પાડી. નવેમ્બરમાં ભાઈના લગ્ન હોવાથી રૂપિયા પરત માંગ્યા હતા ત્યારે આરોપીએ ફરી દુબઈ જઈ સોનું લાવીને આપવાની વાત કરી હતી. બાદમાં ફોન બંધ કરી નાખ્યો. સમગ્ર બાબતે જાન્યુઆરી મહિનામાં મિત્રને વાત કરતા તેણે ભુજમાં ઓળખીતા મિત્ર સાથે વાત કરાવતા સમગ્ર હકીકત પરથી પડદો ઉઠ્યો કે, આરોપીઓએ ખોટા નામ ધારણ કર્યા છે અને તેમની સાથે સસ્તા સોનાના નામે ઠગાઈ છે. ફરિયાદી ફરી એકવાર ભુજ આવ્યો ત્યારે એક વખત પાંચ લાખ અને એક વખત બે લાખ એમ સાત લાખ રૂપિયા પરત મળ્યા પરંતુ બાકીના ૬૦ લાખ આપવામાં આવ્યા ન હતા. ઉઘરાણી કરતા સોનુંએ કહી દીધું કે, હવે મારી પાસે રૂપિયા નથી તારાથી થાય કરી લેજે. બીજીવાર ભુજ આવતો નહીં નહીંતર જીવતો નહીં મુકું. જેથી બી-ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધરે એલસીબીએ આગળની તપાસ હાથ ધરી હતી.
................
ખોટા નામ ધારણ કર્યા
ઠગાઈ કરનાર ઈસમોએ બોગસ નામ ધારણ કર્યા હતા. જેમાં સોનુ સિંધી હકીકતમાં મહેરૂન પાર્કનો અકીલ આમદ નોડે, મહેશ નામ ધારણ કરનાર ડીપી ચોક કેમ્પ એરિયાનો અનવર ઈશાક તુર્ક અને મુન્નો નામ ધારણ કરનાર અકબર અબ્બાસ કેવર અને તે ગાંધીનગરીમાં રહેતો હોવાનું સામે આવ્યું હતું. જે પૈકી અકબરની એલસીબીએ ધરપકડ કરી લીધી છે.

Comments