રાપરમાં ગેરકાયદે ગેસના બાટલા વેચવાના કૌભાંડમાં ગાંધીધામની નવનીત એજન્સી સામે ફરિયાદ
ભાગીદાર, મેનેજર અને રાપરના શખ્સ સામે મામલતદારે ગુનો દાખલ કરાવ્યો : ૩૦૩ ગેસના બાટલા ગેરકાયદે રાખવામાં આવ્યા હતા
ગાંધીધામ : અઢી મહિના પહેલાં રાપરમાં પુરવઠા વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી હતી. જેમાં ગેરકાયદે રીતે સંગ્રહ કરીને રાખેલા ૩૦૩ ગેસના બાટલા કબજે કરવામાં આવ્યા હતા. જેમાં ગાંધીધામની એજન્સી સામે અંતે ફરિયાદ નોંધાઈ છે.
આ બાબતે મળતી વિગતો મુજબ ગત ૯ એપ્રિલના જિલ્લા પુરવઠા અધિકારી અને રાપરના મામલતદાર સહિતની ટીમ દ્વારા નૂતન ચિત્રોડ ખાતે ખુલ્લા પ્લોટમાં બનાવેલ ત્રણ ઓરડીમાંથી ૩૦૩ ગેસના બાટલા કબજે કરવામાં આવ્યા હતા. આ જથ્થો ગાંધીધામની નવનીત ગેસ એજન્સીનો હતો. ૮.૪૬ લાખના ગેસના બાટલા કબજે કરવામાં આવ્યા હતા. જે બાદ પુરવઠા વિભાગ દ્વારા સંબંધિતોના નિવેદન લેવાયા બાદ ફરિયાદ નોંધાવાઈ છે. ગાંધીધામની નવનીત ગેસ એજન્સી અને રાપરના અયોધ્યાપુરીના નવનીતભાઈ ધરમશીભાઈ માલી વચ્ચે ૧/૪/ર૦રપ ના કરાર થયો હતો. જે અંતર્ગત નવનીત ગેસ એજન્સી દ્વારા નવીન માલી પોઈન્ટ ઓફ સેલ ખાતે રાપરમાં ગેસની બોટલ પહોંચાડવામાં આવતી હતી. જોકે સ્થળ પર ફાયર સેફટીના કોઈ સાધનો ન હતા, એક સાથે મોટા પ્રમાણમાં ગેસના બાટલાનું સંગ્રહ કરી તેના હિસાબ કે રેકર્ડ ન નિભાવી પ્રવાહી પેટ્રોલિયમ ગેસની જોગવાઈનો ભંગ કરવા સાથે ગેસ સિલિન્ડરના નિયમોનું ઉલ્લઘંન કર્યું હતું.
નિવેદનો અને તપાસ બાદ રાપરના મામલતદાર હમીરભાઈ ભોજાભાઈ વાઘેલા દ્વારા નવનીત ગેસ એજન્સી ગાંધીધામના ભાગીદાર કાશ્મિરાબેન નવનીત આચાર્ય, મેનેજર રશેષ નવનીતભાઈ આચાર્ય અને રાપરના નવીનભાઈ ધરમશીભાઈ કોલી સામે ફરિયાદ નોંધાવાઈ હતી. આવશ્યક ચીજ વસ્તુ ધારા હેઠળ ગુનો દાખલ કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ
ધરી છે.

Comments