Trending News
સ્થાનિક સમાચાર

અંજારની કે જી માણેક સ્કુલે ફરી છંછેડયો વિવાદનો મધપુડો : વાલીઓમાં નારાજગી : શિક્ષણ વિભાગની ટીમો ત્રાટકી..!

19 June

વાલીઓ-વિદ્યાર્થીઓ આવામાં જાયે તો જાયે કયાં..!





અંજારની કેજી, માણેક સ્કૂલમાં યુનિફોર્મના મુદ્દે ભેદભરમ સર્જાતાં વાલીઓમાં નારાજગી : શાળામાંથી પાઠયપુસ્તક, યુનિફોર્મ લેવાનો આગ્રહ કરાતો હોવાની પણ વાલીઓની રાવ


અમારા તરફથી કોઈને ફરજીયાત યુનિફોર્મ ખરીદવા કે પુસ્તકો માટે ફરજ પડાઈ નથી, વાલીઓની નારાજગી અમારા સુધી આવી નથી, શિક્ષણ વિભાગમાથી ટીમો આવી હતી, અમે તેમને પુરતી માહીતીઓ રજુ કરી છે : 
શ્રીમતી ડો. શિલ્પા ભટ્ટ (પ્રિન્સપાલ અંજાર કે.જી.માણેક સ્કુલ અંજાર) : ફરીયાદના આધારે તપાસ ટીમો બનાવી છે, રીપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરાશે : શ્રી પરમાર (જિલ્લા શિક્ષણાધીકારી)




ગાંધીધામ :  એકતરફ ગુજરાત સરકાર દ્વારા શિક્ષણને વધુ પ્રોત્સાહન આપવા, શિક્ષિત ગુજરાત બનાવવા માટે નીતનવા પ્રયાસો હાથ ધરવામા આવી રહ્યા છે, ત્યારે બીજીતરફ અમુક ખાનગી સ્કુલો વાળા સરકારના નિયમો, નીતીઓ અને આદેશોની રીતસરની ઐસીતેસી જ કરી રહ્યા હોય તેવી ફરીયાદો સામે આવવા પામી રહી છે. દરમ્યાન જ અંજારમાં આવેલી કે.જી.માણેક સ્કુલ કે જે સમયાંતરે એક મુકીને બીજો અને બીજો મુકીને ત્રીજા વિવાદમાં સપડતી જ રહેતી હોય છે તે શાળાએ વધુ એકવખત વિવાદનો મધપુડો છંછેડી દીધો છે. આ અંગે સહેજ વિગતે વાત કરીએ તો  અંજાર તાલુકાની કે.જી.માણેક શાળા દ્વારાની સામે કેમ ઠોસ કાર્યવાહી કરવામાં નથી આવતી? વાલીઓમાથી નારાજગી સાથે જે વિગતો સામે આવવા પામી છે તેની જો વાત કરીએ તો અંજાર એજ્યુકેશન સોસાયટી સંચાલિત કે.જી. માણેક સ્કૂલના ટ્રસ્ટી, ડાયરેક્ટર દ્વારા શૈશવ અને ધો.૧થી ૧૨માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને વાલીઓને શાળામાંથી જ ગણવેશ અને 
પાઠયપુસ્તક ખરીદવાનો આગ્રહ કરાતો હોવાની રાવ જાગૃત વાલીઓ કરી રહ્યા છે અને આટલું જ નહીં પરંતુ વેકેશન પૂર્વે છાત્રો અને વાલીઓને યુનિફોર્મનો ડેમો બતાવ્યા બાદ હવે તે યુનિફોર્મના કાપડ અને કલર સહિત બદલી નાખવામાં આવ્યા છે. જે અંગે વાલી કે છાત્રોને જાણ કરવાની પણ તસ્દી લેવામાં આવી નથી. સ્કૂલમાં વેકેશન પહેલાં બદલાવેલા નવા યુનિફોર્મનો ડેમો રાખવામાં વિદ્યાર્થીઓ અને વાલીઓને વિશ્વાસમાં લીધા વિના હવે તેનાથી અલગ ગુણવત્તાનું કાપડ તેમજ કલર પસંદ કરાયો છે. અલબત, બદલાવેલા યુનિફોર્મની કિંમત હજુ સુધી જણાવવામાં આવી નથી પણ અગાઉનો યુનિફોર્મ અંજારની બજારમાં ૬૦૦, ૭૦૦ 
રૂપિયામાં આસાનથી મળતો હતો. આ સંજોગોમાં ક્યા કારણોસર કે કોના ફાયદા માટે યુનિફોર્મમાં ફેરબદલ કરાયા છે? તે બાબત ચર્ચાનો વિષય બની છે. 
કોઈપણ શાળા વિદ્યાર્થીઓને ચોક્કસ સ્થળેથી યુનિફોર્મ, 
પાઠયપુસ્તક કે બૂટ ખરીદવાની ફરજ પાડી શકતી નથી, ત્યારે કે.જી.માણેક સ્કૂલ દ્વારા શાળામાંથી જ યુનિફોર્મ, બૂટ અને પુસ્તકો લેવાની ફરજ 
પાડવામાં આવી રહી હોવાની પણ ફરિયાદ ઉઠી છે. આ બાબતે અંજાર કે જી માણેક સ્કુલના પ્રિન્સીપાલ ડો. શિલાબેન ભટ્ટને પુછતા તેઓએ કહ્યુ હતુ કે, અમારી શાળા તરફથી કોઈ પણ વાલીને કે વિદ્યાર્થીને યુનિફોર્મ કે પાઠયપુસ્તક ચોકકસ જગ્યાએથી જ ખરીદવા માટે ફરજ પાડેલી નથી. વાલીઓમાં નારાજગી હોવા બાબતની પણ કોઈ જ ફરીયાદ અમારા તબક્કે આવી નથી, શ્રીમતી ભટ્ટએ કહ્યુ હતુ કે, શિક્ષણ વિભાગ તરફથી ટીમ આવી હતી અને આ સબબની પુછતાછ કરી છે, અમે સંપૂર્ણ માહીતીઓ તેમને પણ ઉપલબ્ધ કરાવી હતી. શાળા કક્ષાએ કોઈ પણ પ્રકારની સરકારી નીતીઓ-નિયમોના ઉલ્લંઘન કરવામા આવતા જ ન હોવાનુ શ્રીમતી શિલ્પા ભટ્ટએ કહ્યુ હતુ. તો વળી બીજીતરફ આ બાબતે જિલ્લા શિક્ષણાધીકારીશ્રી સંજય પરમારને પુછતા તેઓએ કહ્યુ કે, જયા જયાથી એટલે કે જે શાળાઓને લઈને ફરીયાદો અમારા તબક્કે પહોચી રહી છે તેની તપાસ માટે ટીમોની રચનાઓ કરવામા આવી છે, જીણવટપૂર્વકની તપાસ કરવામા આવી જ રહી છે અને જો કોઈ જ ચુક કે કચાશ શાળાની સામે આવશે તો ચોકકસથી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે તેવુ શ્રી પરમારે જણાવ્યુ હતુ. 

Comments

COMMENT / REPLY FROM