Trending News
સ્થાનિક સમાચાર

કચ્છમાં છેલ્લી ઘડીના ચૂંટણી પ્રચારનો ધમધમાટહરિફોને હંફાવવા ઘડાઈ રણનીતિ

19 June




જિલ્લામાં રર જૂનના રોજ યોજાનાર ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે સમર્થકો સાથે પોતાના વિસ્તારના પ્રત્યેક મતદારનો સંપર્ક સાધવા ઉમેદવારો વ્યસ્ત : દિવસ દરમ્યાન થતા પ્રચાર-પ્રસારનો રાત્રીના ખાટલા બેઠકોમાં થતો પોસ્ટમોર્ટમ : જ્ઞાતિવાઈઝ મતદારોને આકર્ષવા આગેવાનોની બોલબાલા



અનેક પંચાયતોમાં હજુ પણ મતોની ગણતરી માંડી ત્રીજા મોરચાને પોતાની તરફેણમાં કરી ટેકો મેળવવા અપાતી લોભામણી લાલચ : બુદ્ધીજીવી મતદારો હવાનું રૂખ પારખી રહ્યા હોઈ બન્ને હાથમાં લાડુ રાખવાની અપનાવે છે નીતિ : સામાન્ય અને પેટા ચૂંટણીમાં ૪૦૭ પંચાયતો માટે સરપંચ અને સભ્ય પદના ૧૬૬ર ઉમેદવારો મેદાને હોઈ સોશિયલ વોર પણ પરાકાષ્ટાએ 





ભુજ : આગામી રવિવારે એટલે કે, રરમી જુને કચ્છમાં ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન યોજાવાનું છે. ઉમેદવારી પત્ર ભરવા, ચકાસવા અને પરત ખેંચવાની પ્રક્રિયાઓ ગત સપ્તાહે પૂર્ણ થયા બાદ જિલ્લા ચૂંટણી તંત્ર મતદાનની તૈયારીઓમાં પરોવાઈ ગયું છે. પંચાયતો સમરસ અને બિનહરીફ થયા બાદ હવે ૪૦૭ પંચાયતો માટે સરપંચ અને સભ્યપદના મળી ૧૬૬ર મુરતિયાઓ મેદાને છે ત્યારે કચ્છમાં ચૂંટણી પ્રચારનો ધમધમાટ તેજ બની ગયો હોઈ હરિફોને હંફાવવા સામ-દામ-દંડ-ભેદની રણનીતિ અખત્યાર કરવામાં આવી રહી છે.
આ અંગેની વિગતો મુજબ વિધાનસભા અને લોકસભાની ચૂંટણી કરતા વધુ ગરમાગરમીનો માહોલ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં જોવા મળતો હોય છે અને તેમાં પણ કયાંક બળુકા ઉમેદવારો સામસામે આવી જાય ત્યારે તો વર્ચસ્વની લડાઈ સમાન જંગ બની જતો હોઈ ચૂંટણીનું ચિત્ર કાંઈ અલગ જ રંગે રંગાઈ જતું હોય છે. કચ્છમાં ૧પર પંચાયતની સામાન્ય, ૩ પંચાયતની મધ્ય સત્ર, ૯ પંચાયતની વિભાજન, કેટેગરી પાંચની બે અને ર૪૧ પંચાયતની પેટા ચૂંટણી માટે જાહેરનામુ પ્રસિદ્ધ થયું હતું. રાજકીય પક્ષો, ગામના આગેવાનો તેમજ વહીવટી તંત્ર દ્વારા પણ સમરસ ગામ જાહેર થનાર ગ્રામ પંચાયતને મળનાર વિશેષ અનુદાન સહિતની વિગતો અંગે સતત પ્રચાર-પ્રસાર કરવામાં આવ્યો હતો. જેમાં ગામ વિકાસ માટે વિવિધ પ્રકારની ગ્રાન્ટનો પણ સમાવેશ થાય છે. જો કે મોટાભાગના ઉમેદવારોને કદાચ ગ્રામ વિકાસ નહીં પરંતુ પોતાના રાજકીય ચિતાર સામે જ વધુ દ્રષ્ટિ અંકાયેલી હોવાનું ચિત્ર જોવા મળી રહ્યું છે. જેથી મોટાભાગની પંચાયતોમાં મોટી સંખ્યામાં ઉમેદવારી પત્રો ભરાયા હતા. સાથોસાથ ફોર્મ પરત ખેંચવાના દિવસે નોંધનીય આંકડામાં ફોર્મ પણ પરત ખેંચાયા હતા. જો કે, અનેક ઉતાર ચડાવ બાદ જિલ્લાની ૩૦ જેટલી પંચાયતો પૂર્ણ સમરસ કે અંશતઃ સમરસ બની ગઈ છે. હવે બાકીની ૪૦૭ ગ્રામ પંચાયતોની સામાન્ય અને પેટા ચૂંટણીમાં સરપંચ પદ માટે ર૯૪ અને સભ્ય માટે ૧૩૬૮ ઉમેદવારો મેદાને છે. 
જિલ્લામાં આગામી રરમી જુનના રોજ યોજાનાર ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે પ્રચાર-પ્રસાર માટે હવે ગણતરીના દિવસો જ બચ્યા છે, ત્યારે ધમધમાટ પવનવેગે જોવા મળી રહ્યો છે. સમર્થકો સાથે પોતાના વિસ્તારના પ્રત્યેક મતદારનો સંપર્ક સાધવા ઉમેદવારો વ્યસ્ત બની ગયા છે. સાથોસાથ હરિફ ઉમેદવારને કંઇ રીતે હંફાવવો, સૌથી વધુ મતદારોને કેવી રીતે આર્કષવા તે માટે સામ, દામ, દંડ અને ભેદનો ઉપયોગ પણ આરંભાઇ ગયો છે. દિવસ દરમ્યાન થતા પ્રચાર-પ્રસારનો રાત્રીના ખાટલા બેઠકો યોજી તેમાં પોસ્ટમોર્ટમ પણ કરાઈ રહ્યું છે. તો જ્ઞાતિવાઈઝ મતદારોને આકર્ષવા આગેવાનોની બોલબાલા જોવા મળી રહી છે. અનેક પંચાયતોમાં હજુ પણ મતોની ગણતરી માંડી ત્રીજા મોરચાને પોતાની તરફેણમાં કરી ટેકો મેળવવા લોભામણી લાલચ પણ અપાઈ રહી છે. સામી બાજુ બુદ્ધીજીવી મતદારો હવાનું રૂખ પારખી રહ્યા હોઈ બન્ને હાથમાં લાડુ રાખવાની નીતિ અપનાવી રહ્યા છે. ગ્રામ પંચાયતની ચૂંટણી જમીની પ્રચાર સાથે સોશિયલ મીડિયાનો પણ ભરપૂર ઉપયોગ થઈ રહ્યો હોઈ પ્રચાર ઝૂંબેશમાં સોશિયલ વોર પણ પરાકાષ્ટાએ પહોંચ્યું છે. એકતરફ ઉમેદવારો અને તેના સમર્થકો ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત બની ગયા છે. તો બીજીતરફ જિલ્લા ચૂંટણી તંત્ર માટે પણ રાત થોડી અને વેશ જાજાનો તાલ હોઈ બેલેટ પેપર છપાવવા, મતદાન મથકો તારવવા, સ્ટાફની ટ્રેનીંગ, સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ મતદાન મથકોએ સુરક્ષાની વ્યવસ્થા કરાવવી, વાહન ફાળવણી, સ્ટાફ ફાળવણી સહિતની કામગીરી પણ વેગવાન બનાવી બનાવી દેવાઈ છે. 




...................



પ્રચાર - પ્રસાર માટે સોશિયલ મીડિયાની બોલબાલા



ભુજ : સ્થાનિક પંચાયતોમાં પ્રચાર - પ્રસારને વેગ આપવા ઉમેદવારો સોશિયલ મીડિયાને પ્રચાર - પ્રસારનો માધ્યમ બનાવી વિકાસના સ્લોગન, ઈમાનદારી, સેવા અને જ્ઞાતિ ઋણના વટ - વચન આપી જીતના દાવા કરી રહ્યા છે. સોશિયલ પ્લેટફોર્મના માધ્યમથી ફેસબુક, વોટસઅપ, ઈન્સ્ટાગ્રામ અને વીડિયો કોલિંગ દ્વારા મતદારોનો સંપર્ક સાધી પોતાના મત અંકે કરવા આ માધ્યમનો બહોળો ઉપયોગ કરી રહ્યા હોવાનું જોવા મળ્યું છે. આ સાથે ચૂંટણીમાં ઝુકાવનાર ઉમેદવારો પોતાના ટેકેદારો સાથે રાત્રીસભાઓ, મીટીંગો કરી પુરજોશમાં પ્રચાર અભિયાન તેજ કરી રહ્યા છે. જો કે ગ્રામ પંચાયતની ચૂંટણીઓ રાજકીય પક્ષના બેનર હેઠળ લડવામાં નથી આવતી છતા રાજકીય પક્ષો આ ચૂંટણી ઉપરથી આગામી વિધાનસભા અને લોકસભાની જે તે પક્ષની વિચારધારાને મળેલા મતોનું ચોક્કસ કયાસ લગાવે છે. કઈ જ્ઞાતિના લોકો આ ચૂંટણીને જીતાડે છે અને કેવા સમીકરણો જીત માટે સર્જાય છે. તેની ઉપર રાજકીય આગેવાનો નજર લગાવી રહ્યા છે, અને આ ચૂંટણીમાં જ જીત મેળવવા જે તે ઉમેદવારો રાજકીય પક્ષોના સહયોગ અને માર્ગદર્શન મેળવી વટ, વાયદા અને વચન આપી મતદારોને લોભાવી રહ્યા છે, જેને લઈ સ્થાનીક ગ્રામ પંચાયતની ચૂંટણી રસપ્રદ બની ગઈ છે. ચૂંટણીની રસાકસીમાં કેટલીક પંચાયતોમાં આમને સામને તો કેટલીકમાં ત્રિકોણીયો જંગ તો કેટલીક પંચાયતોમાં ચારથી પાંચ ઉમેદવારોએ ઝંપલાવી સમગ્ર ચૂંટણી જંગને ભારે રસાકસીભર્યો બનાવી દીધો છે. મતદારોને રિઝવવા માટે ઉમેદવારોએ પોતાના સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પરથી સંદેશ અને વીડિયોના માધ્યમથી લોભામણી જાહેરાતો કરી મતદારોને રીઝવવા પણ પ્રયત્નો કરી રહ્યા છે. આજકાલ હાથવગું અને સસ્તું સારૂં ગણાતું આ માધ્યમ ચર્ચાનો વિષય બની ગયો છે. 

Comments

COMMENT / REPLY FROM