દેવપર (યક્ષ)ના ખેડૂતે પ્રાકૃતિક ખેતીથી કચ્છી કેરીનું ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવ્યું
ભુજ : નખત્રાણા તાલુકાના દેવપર (યક્ષ) ગામના રહેવાસી ખેડૂત જગદીશભાઈ લિંબાણી ૩૫ વર્ષથી ખેતી સાથે જોડાયેલા છે. પોતાના અનુભવ અને પ્રાકૃતિક ખેતી પધ્ધતિથી બાગાયત પાકનું ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવી રહ્યા છે. પ્રાકૃતિક ખેતીક્ષેત્રે એર્વોડથી સન્માનિત થયેલા જગદીશભાઈ ખેડૂતોને તાલીમ પણ આપે છે. ૬૮ એકર જેટલી વાડીમાં આચ્છાદન દ્વારા જમીનનું જતન, ટપક સિંચાઈથી પાણીનો પ્રમાણસર ઉપયોગ, યંત્રોનો જરૂર પૂરતો ઉપયોગ કરીને સખત મહેનત થકી કેરી, દાડમ અને ખારેક સહિતના ફળોનું ઉત્પાદન કરી નજીવા ખર્ચ સામે બમણી આવક મેળવી રહ્યા છે. ભારતભરમાં નાસિક, રાયપૂર, વડોદરા, વિસનગર, અમદાવાદ, મોડાસર વગેરે શહેરોમાં નિકાસ કરી ત્યાના લોકોને કચ્છના ફળોનો મીઠો સ્વાદ ચખાડી રહ્યા છે.
ખેડૂત જગદીશભાઈ લિંબાણી જણાવે છે કે, કરમસદમાં સરદાર વલ્લભભાઈ પટેલના પરિવારની વાડીની મુલાકાત લેતાં ત્યાથી પ્રાકૃતિક ખેતીની પ્રેરણા મળી અને ૨૦૧૮થી પ્રાકૃતિક ખેતી કરવાની શરૂઆત કરી. તેઓ જણાવે છે કે, તેમની કુલ ૬૮ એકર જમીન છે. જેમા તેઓ કેરી, દાડમ અને ખારેક જેવા પાકો લઈ રહ્યા છે. કુલ જમીનમાંથી ૧૧ એકર જમીનમાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કેરીનું ઉત્પાદન કરી રહ્યા છે, જેમાં આ વર્ષે પ્રાકૃતિક ખેતી પદ્ધતિ ૧૨૦૦ ટન પાકનું ઉત્પાદન થયું છે. પ્રત્યેક ઝાડ દીઠ ૮૦થી ૯૦ કીગ્રા કેરીનું ઉત્પાદન મળે છે. કેરીના પાક માટે અમુક ટકા ભાગની જમીન માટે અન્ય રાજ્યોમાંથી પ્રી-ઓર્ડર મળી રહ્યા છે. પ્રાકૃતિક ખેતીમાં બધી જ વસ્તુ જેમ કે, જરૂરી ખાતર અને રોગ નિયંત્રકો, જીવામૃત, ગૌ-કૃપા અમૃત, બીજામૃત, દશપર્ણી અર્ક સહિત બધુ જ જાતે બનાવી શકાય છે. જેથી દવાઓ કે ખાતરો બજારમાંથી લેવા પડતા નથી.
----

Comments