બાંદ્રાથી સામખિયાળી આવતી કચ્છ એક્સપ્રેસમાં મહિલાઓ વેચે છે બિયરના ટીન
કચ્છના જાગૃત પ્રવાસીઓએ વિરોધ કરતા સુરત સ્ટેશને મહિલાઓને ઉતારી દેવાઈ : ટ્રેનમાં રેલવે પોલીસ હાજર હોવા છતા કોઈ કાર્યવાહી ન કરતા મિલિભગતના આક્ષેપો ઉઠ્યા : દરરોજ દારૂની હેરાફેરી થતી હોવાથી પ્રવાસીઓએ હોબાળો કરી નારાજગી વ્યક્ત કરી
ભચાઉ : કચ્છ-મુંબઈ વચ્ચેની ટ્રેનોમાં અવાર-નવાર શરાબની હેરાફેરીના મામલા સામે આવે છે. જોકે, રેલવે પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી ન કરવામાં આવતી હોવાના આક્ષેપો દર વખતે ઉઠે છે. પ્રવાસીઓ વીડિયો બનાવી વાયરલ કરે છે છતા રેલવે દ્વારા કોઈ એકશન લેવામાં આવતા નથી. ગઈકાલે સામખિયાળી આવતા પ્રવાસીઓને કડવો અનુભવ થયો હતો. કચ્છ એક્સપ્રેસમાં બિયરની હેરાફેરી કરવામાં આવતી હોવાથી પ્રવાસીઓએ સુરત સ્ટેશને ચેઈન પુલિંગ કરી વિરોધ કરતા રેલવે પોલીસને આવવાની ફરજ પડી હતી. જોકે, કાર્યવાહીના બદલે મહિલાને મેમો આપી જવા દેવામાં આવી હોવાનું પ્રવાસી વર્ગે જણાવ્યું હતું.
પ્રવાસીઓના જણાવ્યા પ્રમાણે તેઓ બાંદ્રાથી સામખિયાળી એસ-૬ કોચમાં બેસીને આવતા હતા ત્યારે ઉધના પછી વોશરૂમમાંથી ત્રણ લેડિસ નીકળી હતી. વોશરૂમમાં બિયર ભરેલા ત્રણ થેલા હતા. ટ્રેન ઊભી રહી એટલે એક મહિલા નીચે ઉતરી ગઈ. ટીસીને આ બાબતે વાકેફ કરવા બોલાવતા સુરત સ્ટેશને આરપીએફે આવી મહિલાને મેમો આપી જવા દીધી હતી. આ પૂર્વે કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા ચેઈન પુલિંગ કરવામાં આવ્યું હતું. જે બાદ મેમો અપાયો હતો. ટ્રેનમાં આરપીએફનો જવાન હાજર હતો. તેને બોલાવતા આવવાના બદલે અન્ય કોચમાંથી ચાલ્યો ગયો હોવાનો આક્ષેપ કરાયો છે. બિયર સાથે હાજર મહિલાઓ દ્વારા એવી શેખી મારવામાં આવી હતી કે, જેને કહેવું હોય તેને કહી દયો આરપીએફને હપ્તો આપીએ છીએ એટલે કોઈ કાર્યવાહી થશે નહીં. સુરત સ્ટેશને ટ્રેન થોંભાવી દેવાઈ હતી. પ્રવાસીઓએ હોબાળો કરી આ ટ્રેનમાં દારૂની હેરાફેરી બંધ કરાવા ઉગ્ર માંગ કરી હતી. અવાર-નવાર આ પ્રમાણે ટ્રેનમાં દારૂની હેરાફેરીના મામલા સામે આવતા હોવાથી પ્રવાસીઓના સુરક્ષા માટે રેલવે દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે અને જવાબદાર પોલીસ કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કચ્છના પ્રવાસીઓ દ્વારા કરવામાં આવી હતી.

Comments