Trending News
સ્થાનિક સમાચાર

સામાન્ય વરસાદ થતા લખપતના ૩૦ ગામોમાં વીજ પુરવઠો ઠપ્પ

18 June



ઝરમર વરસાદ શરૂ થતાં જ વીજ ધાંધીયા શરૂ : કલાકો સુધી વીજ પુરવઠો ખોરવાઈ જતા લોકો પરેશાન : દયાપર પીજીવીસીએલના અધિકારીઓના મોબાઈલ થયા મુંગા : નાની છેર અને સીયોત સબ સ્ટેશનનું સાંજ સુધી ચાલશે સમારકામ

ભુજ : કચ્છના સરહદી લખપત તાલુકામાં ઝરમર વરસાદ અને વીજ ધાંધીયા એકમેકના પુરક હોય તેમ ગઈકાલે લખપત પંથકમાં સામાન્ય વરસાદ થતા જ ૩૦ જેટલા ગામોમાં રાબેતા મુજબ વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. સામાન્ય છાંટા શરૂ થતા જ લાઈટ ગુલ થઈ ગઈ હતી. જેથી લોકોને પારાવાર પરેશાની ઉઠાવવી પડી હતી.
નારાયણ સરોવરથી યોગેન્દ્રસિંહ રાણાએ જણાવ્યું હતું કે, ગઈકાલે બપોરથી તિર્થધામમાં લાઈટ નથી. દર વર્ષે ચોમાસામાં વીજ ધાંધીયા ચાલુ રહે છે. નારાયણ સરોવર, કપુરાશી, કોટેશ્વર, કોરીયાણી, છેર મોટી, છેર નાની, લખપત, પીપર સહિત ૩૦ ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. 
આ અંગે વિગત આપતા ગેટકોના અધિકારીએ જણાવ્યું હતું કે, ભારે પવન અને વરસાદના કારણે વીજ માળખાને નુકશાન થયું હતું. હાલે નાની છેર અને સિયોત સબ સ્ટેશન પર સમારકામ ચાલી રહ્યું છે. સાંજ સુધીમાં કામગીરી પૂર્ણ યયા બાદ વીજ પુરવઠો પૂર્વવત થશે તેવું તેમણે જણાવ્યું હતું. 
ગઈકાલે બપોરથી જ વીજ પુરવઠો ખોરવાઈ જતા લખપત તાલુકાવાસીઓએ દયાપર પીજીવીસીએલના અધિકારીઓને સંપર્ક કરવા પ્રયાસ કર્યો હતો. પરંતુ જવાબદાર અધિકારીઓના મોબાઈલ બંધ આવ્યા હતા. કપુરાશીના આગેવાન હરેશભાઈ દવેએ લખપતના તીર્થસ્થાન નારાયણ સરોવર અને કોટેશ્વર સહિત ત્રીસેક ગામોમાં વીજ સમસ્યા સર્જાઈ હોવાનું જણાવ્યું હતું. 
લખપત અને અબડાસા જેવા સરહદી તાલુકાઓ જ નહીં જિલ્લા મથક ભુજ અને ગાંધીધામ મહાનગરમાં પણ વરસાદની સાથે જ વીજ સમસ્યાનું આગમન થયું હોય તેમ વરસાદ શરૂ થતા જ વિવિધ વિસ્તારોમાં વીજ ધાંધિયાઓ અને વોલ્ટેજમાં વધ-ઘટની ફરિયાદો ઉઠી હતી. તંત્ર દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરી દરમિયાન ટ્રાન્સફોર્મરના મેઈન્ટેન્સ સહિતની કામગીરી કરાઈ હોવા છતાં વરસાદ દરમિયાન વીજળી ગુલ થઈ જવાની અનેક ફરિયાદો ઉઠી હતી. ભુજ ઉપરાંત માધાપર, ભુજોડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ શરૂ થતા જ અમુક વિસ્તારોમાં રાબેતા મુજબ વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. વરસાદ બંધ થયાના લાંબા સમય બાદ વીજ પુરવઠો પુર્વતત થયો હતો. 
અત્રે નોંધનીય છે કે, વીજ તંત્ર દ્વારા દર વર્ષે ચોમાસાના પ્રારંભ પૂર્વે પ્રી-મોન્સુન કામગીરી કરવામાં આવતી હોય છે. પરંતુ ચોમાસુ શરૂ થતા જ વીજ ધાંધીયા શરૂ થઈ જતા હોય છે. ગત ફેબ્રુઆરી મહિનામાં લખપત તાલુકાની વીજ સમસ્યાઓ અંગે સ્થાનીક જાગૃતો દ્વારા વિધાનસભાના વિપક્ષી નેતા શક્તિસિંહ ગોહિલને જાણ કરવામાં આવી હતી. 
લખપતમાં વારંવાર સર્જાતા વીજ વિક્ષેપની સમસ્યાના કાયમી ઉકેલ માટે શ્રી ગોહિલે રાજયના મુખ્યમંત્રી સમક્ષ રજુઆત કરતા ગેટકો દ્વારા ૬૬ કેવી દયાપર, સિયોત, નાની છેર લાઈનોમાં જર્જરીત કંડકટરને બદલવાની કામગીરી કરવામાં આવી હતી, પરંતુ ચોમાસાના પ્રારંભે ફરી લખપત તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં વીજ ધાંધીયા યથાવત રહ્યા હતા.
દરમિયાન નોંધપાત્ર બાબત એ છે કે, તાજેતરમાં ઉર્જા મંત્રી દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું હતું કે, રાજ્યમાં વીજળીની સમસ્યા નિવારવા માટે ૧૦૮ જેવી સુવિધા આપવામાં આવશે. જેમ ઈમજરન્સીમાં ૧૦૮ ને ફોન કરોતો તાત્કાલિક એમ્બ્યુલન્સ આવી જાય છે. તેમ લાઈટ જાય તો ૧૦૮ જેવી સુવિધા ગ્રાહકોને મળશે તેવો દાવો કર્યો હતો. જોકે, હાલની સ્થિતિ જોવા જઈએ તો ભુજમાં પીજીવીસીએલની મુખ્ય કચેરી ઉપરાંત તમામ પ્રકારનો સ્ટાફ અને સુવિધા હોવા છતાં લાઈટ જાય તો કલાકો સુધી વીજ પુરવઠો તો ઠીક હેલ્પલાઈન નંબર પર સંતોષકારક જવાબ મળતો નથી. એક તરફ સરકાર દ્વારા ગ્રીન ઉર્જા અને વિક્સીત ગુજરાતના દાવાઓ કરવામાં આવે છે. વિશ્વનો સૌથી મોટો ગ્રીન એનર્જીનો અને સોલાર ઉર્જાનો પ્લાન્ટ કચ્છમાં છે. સેંકડો પવનચક્કીઓ મારફતે વિદ્યુત ઉર્જા મળવી તેનું અન્ય પ્રદેશોમાં વેચાણ કરવામાં આવે છે. જોકે, ઘરના છોકરા ઘંટી ચાટે તેમ કચ્છના લોકો સમયસર વીજ બીલ ભરતા હોવા છતાં યોગ્ય પ્રમાણમાં વિદ્યુત પુરવઠો ન મળતો હોવાની 
ફરિયાદ છે. 




.......................


વાયોરમાં વીજ ધાંધીયાથી પરેશાની


નલિયા : ચોમાસાની સીઝનનો પ્રથમ વરસાદ થતા જ અબડાસાના વાયોર ગામમાં રાતભર વીજ પુરવઠો ઠપ્પ રહ્યો હતો. તાજેતરમાં વાયોર ગામે વીજ તંત્ર દ્વારા ત્રણ દિવસ સુધી પ્રી-મોન્સુન કામગીરી કરવામાં આવી હતી, પરંતુ કામગીરીની પોકળતા પ્રથમ વરસાદમાં પાધરી થઈ હતી. તંત્ર દ્વારા કરવામાં આવેલી પ્રિ-મોન્સુન કામગીરીની તપાસ કરવામાં આવે તેવી માંગ ગામના જાગૃત નાગરીક જાડેજા કિશોરસિંહે કરી હતી.

Comments

COMMENT / REPLY FROM