Trending News
સ્થાનિક સમાચાર

કચ્છમાં પંચાયતની ચૂંટણીમાં મતદારોને રીઝવવા ઉમેદવારોએ નાણાની કોથળીઓ ખોલી

18 June

વરસતા વરસાદે ચૂંટણી પ્રચારની સરવાણી




ગ્રામ્ય સ્વરાજ્યની ચૂંટણીમાં હાઈટેક પ્રચારની ઝલક : ગામોગામ બેનર અને પેમ્પલેટ સાથે ચૂંટણી પ્રચાર ચરમ સીમાએ : ઉમેદવારોના ચૂંટણી પ્રચારના કાર્યાલયો પર ધમધમાટ : મતદારો માટે ખાણીપીણીની વ્યવસ્થા ગોઠવાઈ : પ્યાસીઓને સાચવવા પોટલી અને બાટલીઓની પણ સગવડ ઉભી કરાઈ



ભુજ : ગામડાની સંસદ ગણાતી ગ્રામ પંચાયતની ચૂંટણીઓ જાહેર થયા બાદ ગ્રામીણ રાજકારણમાં ગરમાવો આવ્યો છે. લાંબા સમયથી અટવાયેલી ગ્રામ્ય સ્વરાજ્યની ચૂંટણીઓની જાહેરાત થતા કચ્છના ૧૬૬ ગામોને વહીવટદારના શાસનથી મુક્તિ મળવાની છે. કચ્છની ૩૦ ગ્રામ પંચાયતોમાં સુકાનીઓ બિનહરીફ વરાયા છે. જયારે બાકીની ગ્રામ પંચાયતોમાં કયાંક ત્રિપાંખીયો કે, કાંટાની ટક્કર જોવા મળી રહી છે. મતદાનને આડે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે ઉમેદવારો મતદારોને રીઝવવા એડીચોટીનું જોર અજમાવી રહ્યા છે. ગ્રામીણ સુકાનીઓનું કદ વધ્યા બાદ હવે ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં પણ હવે ભારે રસાકસી જોવા મળી રહી છે, ત્યારે ચૂંટણીલક્ષી વાતાવરણ ચરમસીમાએ પહોંચવા લાગ્યું છે. હાલની આ ચૂંટણીઓમાં અનેક ગામની ચૂંટણી ભારે રસપ્રદ બની છે અને ચૂંટણીની ટક્કર ભારે જામે તેવું ચિત્ર દેખાઇ રહ્યું છે, ત્યારે પંચાયતી ચૂંટણીમાં પરચમ લહેરાવવા મતદારોને રીઝવવા માટે ઉમેદવારોએ નાણાની કોથળીઓ ખોલી દીધી છે. ગ્રામ્ય વિસ્તારોમાં ઉમેદવારોના ચૂંટણી પ્રચાર કાર્યાલયો ખુલ્લી ગયા છે. મતદારો માટે ખાણી-પીણી વ્યવસ્થા પણ ઉપલબ્ધ બનાવાતા કચ્છના ગ્રામ્ય વિસ્તારોમાં રસોડાનો ધમધમાટ શરૂ થઈ ગયો છે.
આ અંગેની વિગતો મુજબ વર્તમાન સમયની ચૂંટણીઓની વાત કરીએ તો આર્થિક સમૃદ્ધિની સાથે સરપંચોની ચૂંટણીમાં પાણીની જેમ પૈસા વાપરવા ફરજિયાત થઇ ગયા છે, અને તેથી જ ઉમેદવાર આર્થિક રીતે ખમતીધર હોવો જોઇએ તે જાણે કે પ્રથમ શરત થઇ ગઇ છે. હવે તો ગામડામાં પણ બેનર-પેમ્પલેટ પણ છપાવીને ચૂંટણી પ્રચાર થાય છે અને વોટ્‌સએપના માધ્યમથી પણ મતદારો સુધી ઉમેદવારો પ્રચાર કરવા લાગ્યા છે. ગ્રામ પંચાયતોમાં વોર્ડ વાઈઝ યાદીમાં દરેક જ્ઞાતિના મતો અલગ તારવી બહાર ગામ અથવા તો કચ્છ - ગુજરાત બહાર અત્યારની સ્થિતિએ રહેલા મતદાતાને ચૂંટણીમાં મતદાન કેમ કરાવવું તે અંગેની યાદીઓ તૈયાર કરાવાઈ રહી છે. આગેવાનોની તો ખાસ વિશિષ્ટ પ્રકારની સરભરા શરૂ થઈ જ ગઈ છે, તેની સાથોસાથ મતદારોને પણ રીઝવવા માટે અને સબંધીત નિશાન પર મત આપવા ઉમેદવારો અને તેને સમર્થકો - ટેકેદારો દ્વારા અપીલો થઈ રહી છે. ઉપરાંત જુદી જુદી જ્ઞાતિઓના આગેવાનોને પણ ફળિયા વાઈઝ મતદારો સુધી પહોંચવા યોજના બનાવાઈ રહી છે. સરપંચ પદના ઉમેદવારો દ્વારા દિવસના દોડધામ ઉપરાંત રાત્રીના ખાસ આયોજનો માટેના પણ કાર્યક્રમો ઘડી લેવાયા છે. 
રસોડાઓ શરૂ થઈ જતા ચૂંટણી સુધી હવે ગ્રામ્ય વિસ્તારોમાં દરરોજ ગામ જમણ સમાન માહોલ જોવા મળશે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં સૌથી વધુ દારૂ અહીં ઠલવાય છે તે પણ વરવી વાસ્તવિકતા છે ત્યારે ચૂંટણી દરમ્યાન દારૂની મોટા પ્રમાણમાં રેલમછેલ થતી હોઈ ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને પ્યાસીઓને સાચવવા પોટલી અને બાટલીની સગવડ પણ ઉપલબ્ધ કરાવી દેવાઈ છે. તો ગામડામાં ચાની હોટલો ઉપર મતદારોને ચૂંટણી સુધી ખિસ્સામાં હાથ નાખવાની જરૂર નથી. જિલ્લાની કેટલીક પ્રતિષ્ઠા અને આર્થિક રીતે સધ્ધરતાવાળી પંચાયતોમાં હાર-જીત પર અત્યારથી સટ્ટો લાગી ગયો છે. ચૂંટણીનું પરિણામ જે આવે તે પરંતુ હાલે એક દિન કા રાજા મતદાતાઓની તમામ આંગળીઓ ઘીમાં જોવા મળી રહી છે. રરમી જુને મતદાન થવાનું હોવાથી ચૂંટણી પ્રચારના અંતિમ દિવસોમાં ઉમેદવારો મતદારોને રીઝવવા દોડી રહ્યા છે. જો કે મતદારો કોની તરફેણમાં મતદાન કરશે તેનો ખુલાસો રપમી જુનના મત ગણતરી બાદ જ
 થઈ શકશે. 

Comments

COMMENT / REPLY FROM