ભુજોડી બ્રીજ પર ૩પ ફૂટની ઉંચાઈએથી ડમ્પર નીચે પટકાતા ત્રણ ઘવાયા
ટ્રેક્ટરની હડફેટે ડમ્પર ચાલકે કાબૂ ગુમાવતા રેલીંગ તોડીને ડમ્પર નીચે ખાબકતા ધડાકાભેર અવાજ આવ્યોઃ એક વર્ષ પહેલા પણ આ જ સ્થળે સર્જાઈ હતી આવી દુર્ઘટના : અન્ય કોઈ અકસ્માત થાય તે પહેલાં ઓવર બ્રીજ પર રેલીંગ લગાવવામાં આવે તે જરૂરી
ભુજ : ભુજ-ભચાઉને જોડતા ભુજોડી ઓવર બ્રીજ પર ૩પ ફૂટની ઉંચાઈએથી ડમ્પર નીચે પટકાતા ત્રણ લોકો ઈજા ગ્રસ્ત થયા હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે. આજે સવારે સાડા સાત વાગ્યાના અરસામાં આ ગંભીર અકસ્માત સર્જાયો હતો.
આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ ઓવર બ્રીજ પર ડમ્પર અને ટ્રોલી ટ્રેક્ટર વચ્ચે અકસ્માત થયો અને બ્રીજની રેલીંગ તોડી ડમ્પર નીચે સર્વિસ રોડ પર પટકાઈને ઉંધુ વળી ગયું હતું. ધડાકા સાથે ડમ્પર નીચે પટકાતા આસપાસ લોકો સફાળા દોડી આવ્યા હતા. કોઈએ ૧૦૮ ને જાણ કરી અને વાહનમાંથી ત્રણ વ્યક્તિને બહાર કાઢી સારવાર માટે જી.કે. જનરલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં પવન, નિલેશ અને ખેરાજભાઈને ઈજાઓ થઈ હોવાનું જી.કે.માંથી જાણવા મળ્યું હતું. બ્રીજ પર ટ્રેક્ટર સાથે ટક્કર થતા ટ્રેક્ટર અને ટ્રોલી બન્ને અલગ પડી ગયા હતા. ધડાકાભેર ડમ્પર નીચે પટકાતા વાહનાનો ખુરદો બોલી ગયો હતો. અંદાજે ૩પ ફૂટની ઉંચાઈથી ડમ્પર નીચે પટકાયું હતું. સ્થાનિકોના કહેવા પ્રમાણે એક વર્ષ પહેલાં પણ આ જ સ્થળે આવી રીતે ડમ્પર નીચે પટકાયું હતું, ત્યારે કેબિન સહિતની દુકાનોમાં નુકસાની થઈ હતી. વહેલી સવારનો સમય હોવાથી લોકોની અવર-જવર ન હતી. જેથી મોટી દુર્ઘટના તળી હતી. હાલમાં ઓવર બ્રીજ પર રેલીંગ તુટી ગઈ છે. અન્ય કોઈ અકસ્માત થાય તે પહેલાં તંત્ર દ્વારા બ્રીજ પર તાત્કાલિક રેલીંગ લગાડવામાં આવે અને ત્યાં સુધી સાઈન બોર્ડ મુકવામાં આવે તે જરૂરી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.

Comments