માનકૂવામાં આજે સવારે કરંટ લાગતા યુવાનનું મોત
અંજારમાં ટ્રેનના કારણે બે જિંદગી પર પૂર્ણ વિરામ મુકાયું : પદ્ધરની ફેક્ટરીમાં યુવાનનો આપઘાત : ભુજમાં પરીણિતાને મનમાં લાગી આવતા જીવાદોરી ટુંકાવી
ભુજ : જિલ્લામાં અપમૃત્યુના પાંચ બનાવો સામે આવ્યા હતા. જેમાં આજે સવારે માનકૂવામાં કરંટ લાગતા યુવાનનું મોત થયું હતું. અંજારમાં ટ્રેનના કારણે બે જિંદગી પર પૂર્ણ વિરામ મુકાયું છે. આ તરફ પદ્ધરની ફેક્ટરીમાં યુવાને આપઘાત કર્યો હતો. ભુજમાં પરીણિતાને મનમાં લાગી આવતા જીવાદોરી ટુંકાવી હતી.
આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ ગઈકાલે વરસાદ બાદ સમગ્ર વિસ્તારમાં ભેજનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. તેવામાં આજે સવારના પાંચ વાગ્યાના અરસામાં માનકૂવા એચડીએફસી બેન્કની સામે હાઈવે રોડ પર દુકાનમાં કરંટ લાગતા યુવાનનું મોત થયું હતુંં. આ બનાવમાં ર૧ વર્ષિય મોહમદ મિસ્તેર શરીફ શેખ નામના યુવાનનું મોત થયુંં હતું. હતભાગી મજૂર તરીકે કામ કરે છે. દુકાનમાં કરંટ લાગતા તાત્કાલિક જી.કે.માં લઈ આવ્યા હતા, પરંતુ સારવાર કારગત સાબિત થઈ ન હતી. બનાવને પગલે અરેરાટી ફેલાઈ હતી. દરમિયાન ભુજના હાઉસિંગ સોસાયટીમાં રહેતા ર૪ વર્ષિય વૈશાલીબેન અરવિંદભાઈ પરમારે કોઈ અગમ્ય કારણોસર ગઈકાલે રાત્રે ઘંઉમાં નાખવાની ગોળીઓ ખાઈ લેતા સારવાર માટે એકોર્ડ હોસ્પિટલ લઈ જવાયા હતા, જ્યાં સારવાર દરમિયાન મોત થયું હતું. કોઈ કારણોસર મનમાં લાગી આવતા આ પગલું ભરી લીધું હતું. બનાવ અંગે એ-ડિવિઝન પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અંજારમાં રેલવે ઈલેકટ્રીક થાભલા નં.૧૪/૦૩ થી ૧૪/૦૪ વચ્ચે આ બનાવ બન્યો હતો. જેમાં કોઈ ટ્રેન સાથે અથડાતા અંજારના એક્તાનગરના ર૧ વર્ષિય તુરિયા સુલતાન મન્સુરઅલી નામના યુવાનનું ગંભીર ઈજાઓના કારણે મોત થયું હતું. આ તરફ સુગારિયા સીમમાં કોઈ ટ્રેનમાંથી પડી જતા ગંભીર ઈજાઓ થવાના કારણે ૩૮થી ૪૦ વર્ષના કોઈ અજાણ્યા પુરુષનું મોત થયું હતું. તેની ઓળખ માટેના ચક્રો પોલીસ દ્વારા ગતિમાન કરવામાં આવ્યા છે. બન્ને કિસ્સામાં અંજાર પોલીસે એડી દાખલ કરી છે. આ તરફ ભુજ તાલુકાના પદ્ધર ખાતે આવેલી રામકૃષ્ણ મિનરલ્સ ફેક્ટરીમાં ૩૬ વર્ષિય હરેશ માદા ખુંગલાએ કોઈ અગમ્ય કારણોસર પોતાની જાતે ફાંસો ખાઈ જીવાદોરી ટુંકાવી હતી. જે અંગે પદ્ધર પોલીસે એડી દાખલ કરી છે.

Comments