ફલાઈંગ સ્કવોર્ડના મદદનીશ નિયામક મેહુલ શાહની ટીમનો સપાટો
ગોધરા - ધાણેટીમાં ગેરકાયદે ખનીજ પકડાયું
ફલાઈંગ સ્કવોડે સાદી રેતી અને માટીનું વહન કરતા ચાર ટ્રક અને ૧ એસ્કેવેટર મશીન સહિત રૂા. ૧.૦પ કરોડનો મુદ્દામાલ કર્યો સીઝ
ભુજ : ચોમાસાની સીઝન શરૂ થઈ ગઈ હોવા છતાં કચ્છમાં ખનીજનું ગેરકાયદે ઉત્ખન્ન અને પરિવહન ધમધોકાર ચાલી રહ્યું છે. નદી પટમાંથી ગેરકાયદે રીતે સાદી રેતી અને માટી જેવા ખનીજોનો ગેરકાયદે વેપલો ચાલી રહ્યો છે ત્યારે ગઈકાલે ખાણ ખનીજ વિભાગની ફલાઈંગ સ્કવોર્ડના મદદનીશ નિયામક મેહુલ શાહની ટીમ દ્વારા માંડવી અને ભુજ તાલુકામાંથી ગેરકાયદેસર સાદી રેતી અને માટીના પરિવહન પર સપાટો બોલાવ્યો હતો. ફલાઈંગ સ્કવોડે ગેરકાયદે પરિવહન કરતી ચાર ટ્રક અને એક એક એસ્કેવેટર સહિત અંદાજીત રૂા. ૧.૦પ કરોડનો મુદ્દામાલ સીઝ કર્યો હતો. આ અંગે મળતી વિગતો મુજબ કચ્છ ફલાઈંગ સ્કવોડની ટીમે ગઈકાલે વહેલી સવારે માંડવી તાલુકાના ગોધરા - મોટા લાયજા રોડ વિસ્તારમાંથી રોયલ્ટી પાસ વગર સાદી રેતીનું વહન કરતી એક ટ્રકને ઝડપી પાડી માંડવી પોલીસ સ્ટેશન ખાતે સીઝ કરી હતી. તો ભુજ તાલુકાના ધાણેટી ગામ પાસેથી સાદી માટી ખનીજનું ગેરકાયદે ખનન અને વહન કરતા ત્રણ ટ્રક અને એક એસ્કેવેટર મશીનને પકડી પધ્ધર પોલીસમાં સીઝ કરવામાં આવ્યા હતા. ફલાઈંગ સ્કવોડની તપાસ
ટીમે જુદા જુદા દરોડામાં કુલ્લ ચાર ટ્રક અને એક એસ્કેવેટર મશીન સહિત કુલ્લ રૂા. ૧.૦પ કરોડનો મુદ્દામાલ સીઝ કરી સબંધીત પોલીસ સ્ટેશનોને સોંપ્યો હતો. આ મામલે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ફલાઈંગ સ્કવોડના સપાટાથી આ વિસ્તારમાં ગેરકાયદેસર ખનીજનું ખનન અને વહન કરતા તત્વોમાં ફફડાટ ફેલાઈ
ગયો હતો.

Comments