Trending News
સ્થાનિક સમાચાર

સીઆઈએસએફના ૪૩૪ યુનિટની આરોગ્ય માટે અનુકરણીય પહેલ

16 June


દળના જવાનો અને પરિવારોએ ભોજનમાં ‘શ્રી અન્ન’ના ઉપયોગમાં કર્યો ૩૦ ટકાથી વધુનો વધારો

નવી દિલ્હી :કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (સીઆઈએસએફ) એ પોતાના તમામ ૪૩૪ યુનિટ્‌સ અને ફોર્મેશન્સમાં ‘શ્રી અન્ન’ના ઉપયોગને લઈ નોંધપાત્ર સફળતા મેળવી છે. સ્વસ્થ જીવનશૈલી તરફ અભિગમ સાથે સીઆઈએસએફએ પોતાના જવાનોએ જ નહીં પરંતુ તેમના પરિવારજનો અને સામાન્ય નાગરિકોમાં પણ ‘શ્રી અન્ન’ના ઉપભોગને વેગ આપ્યો છે, જે હોમ મિનિસ્ટ્રીના મિશન માટે ખુબ જ અનુકરણીય છે.
સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ વર્ષ ૨૦૨૩ને ‘ઇન્ટરનેશનલ મિલેટ યર’ તરીકે જાહેર કર્યો હતો. ભારત સરકારે તેને સ્વીકારીને તમામ સીઆઈએસએફ દળો માટે વર્ષ ૨૦૨૪-૨૫માં ૩૦ ટકા સુધી ‘શ્રી અન્ન’નો સમાવેશ કરવાનું લક્ષ્યાંક રાખ્યું હતું. મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સે ૪ મે, ૨૦૨૩ના આદેશથી તમામ દળોને આ સૂચના આપી હતી. દૈનિક રોલ કોલ, બ્રીફિંગ, સૈનિક સંમેલન અને જાગૃતિ બેઠકો દ્વારા જવાનોએ ’શ્રી અન્ન’ના ફાયદા વિશે જાગૃત કરાયા હતા. વેલફેર કાર્યક્રમો દ્વારા પરિવારના સભ્યોને પણ આ અભિયાનમાં જોડવામાં આવ્યા હતા. આજે સરકારી ઇવેન્ટ્‌સમાં પણ ’શ્રી અન્ન’ આધારિત ભોજન લોકપ્રિય બની ચૂક્યું છે.
સીઆઈએસએફએ એક ખાસ પુસ્તિકા ‘શ્રી અન્ન સારથી’ લોન્ચ કરી છે, જેમાં વિવિધ પ્રદેશોના પરંપરાગત ‘શ્રી અન્ન’ રેસીપી, રસોઈયાઓના અનુભવો અને દળના જવાનોમાં થયેલા આરોગ્ય સુધારાની પ્રેરણાદાયક વાર્તાઓનો સમાવેશ કરાયો છે. આ પુસ્તક ડિજિટલ રૂપમાંસીઆઈએસએફની વેબસાઈટ પર પણ ઉપલબ્ધ છે.
સીઆઈએસએફના ૧૦૦ ટકા રસોઈયાઓને ‘શ્રી અન્ન’ આધારિત સ્વાદિષ્ટ ભોજન બનાવવાની તાલીમ અપાઈ છે.  આ ઉપરાંત, ૬૬૨ વ્યાખ્યાન, ૧૧૧૦ સેમિનાર, વેબિનાર અને વર્કશોપ યોજાઈ છે, જેમાં ડાયટિશિયન અને ડોક્ટરોએ માર્ગદર્શન આપ્યુું હતું. સીઆઈએસએફની વિવિધ યુનિટોએ ૩૩૫થી વધુ ‘શ્રી અન્ન મળા’નું આયોજન કર્યું છે, જેમાં નાગરિકો અને સીઆઈએસએફ પરિવારજનો માટે વિવિધ વ્યંજનનો પ્રેક્ટિકલ અનુભવ આપવામાં આવ્યો હતો. આ મેળાઓએ લોકોના સંશયો દૂર કર્યા હતા અને સ્વીકાર્યતા વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
હવે કેન્દ્રિય પોલીસ કલ્યાણ સ્ટોર્સ  (સીપીસી)માં પણ ‘શ્રી અન્ન’ ઉત્પાદનો સરળતાથી ઉપલબ્ધ છે, જેથી જવાનો અને તેમનાં પરિવારો સરળતાથી તેનો ઉપયોગ કરી શકે છે. પોષક તત્વોથી ભરપૂર ‘શ્રી અન્ન’ને ઓછા પાણી, ખાતર અને જંતુનાશકની જરૂર પડે છે અને આ અનાજો સુકા પ્રદૂષણ અને જીવાત સામે સહનશીલ છે. આ અનાજો ભૂતકાળમાં સપ્લાય ચેઇનની ખામીઓ અને જાગૃતતાના અભાવને કારણે વંચિત રહ્યાં હતા, પરંતુ સીઆઈએસએફના પ્રયાસોથી શ્રી અન્ન લોકપ્રિય બન્યું છે. 
----

Comments

COMMENT / REPLY FROM