કચ્છ સીજીએસટી કમિશ્નરેટ દ્વારા ૮મો જીએસટી કોન્કલેવ સંપન્ન
સંકુલની વેપારી સંસ્થાઓ, ઉદ્યોગપતિઓ અને ટેક્સ નિષ્ણાતોએ લીધો ભાગ
ગાંધીધામ : કેન્દ્રીય માલ અને સેવા કર ((સીજીએસટી) કચ્છ કમિશ્નરેટ દ્વારા ગાંધીધામના ટિમ્બર ભવન ખાતે ૮મો જીએસટી કૉન્કલેનું આયોજન કરાયું હતું, જેમાં કચ્છના વિવિધ વેપાર મંડળો, ઉદ્યોગ સંગઠનો, ટેક્સ કન્સલ્ટન્ટ્સ અને વેપાર જગતના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી.કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે થઈ હતી, જેમાં ટિમ્બર એસોસિએશન, ગાંધીધામ ચેમ્બર્સ ઓફ કોમર્સ, ગાંધીધામ ટેક્સ કન્સલ્ટન્ટ એસોસિએશન અને અન્ય ઉદ્યોગ જગતના આગેવાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરાયું હતુું. સીજીએસટી કચ્છ કમિશ્નરેટના ઉચ્ચ અધિકારીઓ સાથે જોડાયા હતા. પ્રારંભિક પ્રવચનમાં સીજીએસટી કચ્છના અધિક કમિશ્નરે કૉન્કલેવના ઉદ્દેશો પર પ્રકાશ પાડ્યો. ત્યારબાદ ડેપ્યુટી કમિશ્નરે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા જીએસટીના ૮ વર્ષના સફરની રૂપરેખા રજૂ કરી હતી, જેમાં અમલ પ્રક્રિયા, પડકારો અને વેપાર જગત સાથેના સહયોગની વિસ્તૃત વિગતો આપી હતી.કમિશ્નરે પોતાના ઉદબોધનમાં છેલ્લા ૮ વર્ષમાં જીએસટી વ્યવસ્થાપનના પડકારો અને તેમાં ભાવિ સુધારાઓની વિગતો આપીહતી. તેમણે ભારપૂર્વક કહ્યું કે, ભવિષ્યમાં ટેક્સ વ્યવસ્થામાં પારદર્શકતા વધારવી, સરળીકરણ લાવવું અને વિશ્વાસ આધારિત કર વ્યવસ્થા વિકસાવવી એ મુખ્ય લક્ષ્ય રહેશે. આ કૉન્કલેવમાં કચ્છ કમિશ્નરેટ દ્વારા પ્રથમવાર સત્તાવાર રીતે વિવિધ જીએસટી વિષયો પર પ્રેઝન્ટેશન અપાયું હતું, જેમાં તાજેતરના સુધારાઓ અને વ્યવહારિક મુદ્દાઓ પર સ્પષ્ટ માહિતી આપવામાં આવી હતી પ્રેઝન્ટેશન પછી યોજાયેલ પ્રશ્નોત્તરી સત્રમાં હાજર વેપારીઓએ પૂછેલા પ્રશ્નોનો જવાબદાર અધિકારીઓએ પ્રત્યુત્તર આપી સમાધાન કરાવ્યું હતું.
આ કોન્કલેવમાં ચેમ્બર્સ ઓફ કોમર્સ, કંડલા ટિમ્બર એસોસિએશન, ગાંધીધામ ટેક્સ કન્સલ્ટન્ટ એસોસિએશન અને અન્ય ઉદ્યોગ સંગઠનોના ૧પ૦ જેટલા પ્રતિધિનિધિઓ - સભ્યોએ ઉપસ્થિત રહી સહભાગીતા દર્શાવી હતી. આ કાર્યક્રમને આગળ વધારવા માટે અને કરદાતાઓને માર્ગદર્શન આપતા રહેવા માટે સીજીએસટી કચ્છ કમિશ્નરેટ દ્વારા ખાસ હેલ્પ ડેસ્ક ઊભા કરવામાં આવ્યા છે, જેમાં ૧૬ જૂનથી ૩૦ જૂન સુધી ગાંધીધામ અને ર૪ જૂનથી રપ જૂન સુધી ભુજ વિભાગનો કાર્યક્રમ યોજાશે. આભારવિધિ સંયુક્ત કમિશ્નરે કરી હતી.
-----

Comments