Trending News
સ્થાનિક સમાચાર

કચ્છમાં તપાસર્થે અવારનવાર આવતા એસએમસીના પીઆઈના માતા-પિતાની હત્યાથી રાજયભરમાં ચકચાર

16 June

કચ્છ સરહદી રેન્જમાં સમાવીષ્ટ બનાસકાંઠાની ગંભીર ઘટના




આંગણામાં સુતા હતા ત્યારે છરીના ઘા ઝીંકી રહેંસી નખાયા : ઘરમાંથી ઘરેણા અને રોકડની લૂંટ થઈ : લૂંટના ઈરાદે આવેલા શખ્સોએ અંજામ આપ્યો હોવાનું પ્રાથમિક તારણ : પીઆઈ એ.વી.પટેલ કચ્છ સહિતના વિસ્તારોમાં અવારનવાર રેડ માટે આવતા 


ભુજ : બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના જસરા ગામે લૂંટારૂઓએ દંપતીની નિર્મમ હત્યા કરી છે. મૃતક દંપતી સ્ટેટ મોનિટરીંગ સેલના પોલીસ 
ઇન્સપેક્ટર અજમલ ચૌધરીના માતા-પિતા છે. ડબલ મર્ડરની આ ઘટના લૂંટ અને ચોરીના લીધે થઇ હોવાનું જિલ્લા પોલીસવડાએ જણાવ્યું છે.આ ઘટના અંગે મળતી માહિતી મુજબ, લાખણીના જસરા ગામે રહેતા વર્ધાજી પટેલ ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલા છે. તેમના પુત્ર અજમલ ચૌધરી (પટેલ) સ્ટેટ મોનીટરીંગ સેલના પોલીસ ઇન્સપેક્ટર છે. વર્ધાજી ચૌધરી અને તેમના પત્નિ ગતરાત્રે ખેતરમાં આવેલા ઘરના આંગણામાં સૂતા હતા, ત્યારે લૂંટ અને ચોરી કરવા આવેલા શખસોએ છરી અને તિક્ષ્ણ હથિયારોના ઘા મારી તેમને મોતને ઘાટ ઉતારી દીધા હતા. ઘટનાની જાણ થતાં જ જિલ્લા એસ.પી. સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે. આ અંગે બનાસકાંઠા એસ.પી.અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું કે, આગથળા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા જસરા ગામે ડબલ મર્ડરની ઘટના સામે આવી છે. જસરા ગામની સીમમાં રહેતા વર્ધાજી મોતીજી પટેલ અમારા એક પોલીસ ઇન્સપેક્ટરના પિતા છે. તેમની અને તેમની પત્નિની હત્યા થઇ છે. પ્રથમ દૃષ્ટીએ હત્યાનો આ બનાવ લૂંટ અને ચોરીના લીધે થયો હોવાનું લાગી રહ્યું છે. આરોપીઓ મૃતક મહિલાના 
પગના કડલા કાપીને લઇ ગયા છે. સાથે કાનની બુટ્ટી અને ગળાના ઘરેણા પણ લઇ ગયા છે. આ ઉપરાંત ઘરની તિજોરી પણ તૂટેલી છે. જસરા ગામના કોંગ્રેસ નેતા ભેમાભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, આ ઘટના દિલ હચમચાવી નાખે તેવી દુઃખદ છે. જે કોઈપણ આમાં સામેલ હોય તે આરોપીઓને તાત્કાલિક પકડી જેલ હવાલે કરવા જોઈએ. આવા તત્વો સામે ફાસ્ટ કોર્ટમાં કેસ ચલાવી તેમને જાહેરમાં ફાંસીની સજા આપવી જોઈએ. એસએમસીના પીઆઈ એ.વી. પટેલ કચ્છ સહિતના વિસ્તારોમાં રેડ કરવા માટે આવતા અને કડક અધિકારી તરીકે તેઓ છાપ ધરાવે છે. તેમના માતા -પિતાની હત્યા થતા કચ્છ સહિત સમગ્ર ગુજરાતના પોલીસબેડામાં ચકચાર મચી જવા પામી છે. બનાવ અંગે અન્ય કોઈ કનેક્શન છે કે કેમ ?તે દિશામાં પણ તપાસ શરૂ કરાઈ છે.

...........

Comments

COMMENT / REPLY FROM